ભારત તરફથી સંભવિત લશ્કરી કાર્યવાહીની આશંકા વચ્ચે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં ગભરાટનો માહોલ છે. પીઓકેના વડા પ્રધાન ચૌધરી અનવર-ઉલ-હકે ગુરુવારે સંકેત આપ્યો હતો કે જો પરિસ્થિતિ વધુ વણસી તો પ્રદેશમાં કટોકટી લાદી શકાય છે.
સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીલમ ખીણ અને નિયંત્રણ રેખા (LoC) નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધાર્મિક મદરેસાઓને 10 દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પીઓકે સરકારે દાવો કર્યો છે કે ભારતીય આક્રમણની સ્થિતિમાં ખોરાક, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. એક અબજ રૂપિયા ઇમરજન્સી ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉપરાંત હોટલ, ગેસ્ટહાઉસ અને લગ્ન હોલના માલિકોએ તેમની મિલકતો સેનાને ઓફર કરી છે.
ગુરુવારે અધિકારીઓએ નીલમ ખીણ અને નિયંત્રણ રેખા નજીકના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઘણા પ્રવાસીઓને માર્બલ ચેકપોસ્ટ પરથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા. લીપા ખીણના રહેવાસીઓને નિયંત્રણ રેખા (LoC) નજીક જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓને સહયોગ કરવા કહેવામાં આવ્યું છે.
ગુપ્ત માહિતીના આધારે સરકારે ધાર્મિક મદરેસાઓને 10 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે એવી આશંકા છે કે ભારત આ સંસ્થાઓને આતંકવાદી તાલીમ કેન્દ્રો તરીકે ઓળખાવીને નિશાન બનાવી શકે છે. કાયદા મંત્રી મિયાં અબ્દુલ વાહિદે કહ્યું, આપણે એક ચાલાક, નિર્દય અને કાવતરાખોર દુશ્મનનો સામનો કરી રહ્યા છીએ, જેના નાપાક કાર્યોને નકારી શકાય નહીં.
હવાઈ સેવાઓ પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સમગ્ર મે મહિના દરમિયાન કરાચી અને લાહોર હવાઈ ક્ષેત્રમાં દરરોજ 8 કલાક (સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી) ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. આ સાથે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ રહી છે.
જોકે, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એરસ્પેસ પહેલાથી જ બંધ છે, જેના કારણે ઇસ્લામાબાદથી ગિલગિટ-સ્કર્દુ સુધીની ફ્લાઇટ્સ સતત બીજા દિવસે રદ કરવામાં આવી છે. વધુમાં ખરાબ હવામાનને કારણે ઇસ્લામાબાદમાં પાંચ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ મોડી પડી હતી અથવા અન્ય શહેરોમાં ડાયવર્ટ કરવામાં આવી હતી.
પીઓકેના પીએમ અનવર-ઉલ-હકે વિધાનસભામાં કહ્યું કે અમે દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય સેના દ્વારા ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેના કારણે નુકસાન થયું છે. એક ઈમરજન્સી બેઠકમાં હોટેલ એસોસિએશનોએ સેના સાથે એકતા વ્યક્ત કરી અને કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ તેમની હોટલો સોંપી દેશે.