Dakshin Gujarat

સાયન્સ કોલેજના પ્રાધ્યાપિકા રીદ્ધી સોની પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અભૂતપૂર્વ કાર્ય કરે છે, સ્ટુડન્ટ્સને ભણાવે છે અંગ્રેજી

વલસાડઃ વલસાડ સાયન્સ કોલેજમાં ઇંગ્લીશના પ્રાધ્યાપિકા રીદ્ધીબેન સોની એક વર્ષની ઉમરથી પ્રજ્ઞાચક્ષુ બન્યા છે. તેમ છતાં તેમના માતા અને પરિવારની મહેનતથી તેઓ પ્રાધ્યાપિકા બની શક્યા અને આજે તેઓ વલસાડ સાયન્સ કોલેેજમાં ખૂબ જ સફળતા પૂર્વક પોતાના તમામ પ્રકારના કાર્યો સરળતાથી કરી રહ્યા છે. તેઓ છેલ્લા એક વર્ષથી વલસાડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને તેમના ક્લાસમાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક ભણી પણ રહ્યા છે.

  • છેલ્લા એક વર્ષથી વલસાડ સાયન્સ કોલેજમાં સફળતા પૂર્વક વિદ્યાર્થીઓને ઇંગ્લિશ ભણાવી રહ્યા છે
  • એક વર્ષની ઉમરે જ તેમણે રેટીના કેન્સરના કારણે આંખ ગુમાવવી પડી હતી, પરંતુ તેમ છતાં સફળતાના શિખરો સર કર્યા

રીદ્ધીબેન સોની મૂળ અમરેલી જિલ્લાના વતની છે. એક વર્ષની ઉમરે તેમની આંખમાં રેટીના કેન્સર થયું અને ડોક્ટરોએ તેને શરીરમાં ફેલાતા અટકાવવા આંખ કાઢવાનું નક્કી કર્યું અને તેઓ એક વર્ષની નાની વયે પ્રજ્ઞાચક્ષુ બની ગયા હતા. જોકે, તેમની આંખ જતાં તેમનામાં અનોખી શક્તિનો સંચાર થયો હતો. તેઓ જ્યારે અભ્યાસ માટે સ્કૂલે ગયા ત્યારે પહેલા ધોરણથી જ તેઓ પ્રથમ નંબરે આવ્યા અને તેમનો આ સિલસિલો ચાલુ રહ્યો.

અભ્યાસમાં તેજસ્વી હોય અને તેમાં રૂચી હોય તેમના માતા સોનલબેન સોનીએ તેમને સાથ આપવાનું શરૂ કર્યું. તેઓ પડછાયો બની તેમની સાથે રહ્યા અને તેમને બીએ કરાવ્યું. તેમાં પણ ઉજળો દેખાવ હોય તેમણે પ્રાધ્યાપક બનવા માટેની GSET ની પરિક્ષા આપી અને તેમાં પણ સારા માર્કસથી ઉત્તિર્ણ થયા. આ પરિક્ષા બાદ તેઓ બિરસા મુંડા કોલેજમાં નોકરીએ લાગ્યા. ત્યાં તેઓ 11 માસના કોન્ટ્રાક્ટ પર કામ કરતા રહ્યા હતા.

જોકે, ત્યારબાદ વલસાડની કોલેજમાં ઇંગ્લિસના પ્રોફેસરની જાહેરાત પડતાં તેમણે એપ્લાય કર્યું અને તેમની ઇન્ટર્વ્યુ બાદ પસંદગી થઇ હતી. અહીં રહીને તેઓ તાજેતરમાં જ પીએચડી પણ થયા છે. જેમના જીવનની આ સંઘર્ષ ગાથા જોઇ વલસાડ કોલેજના પ્રિન્સિપલથી પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ તેમની સામે નતમસ્તક થયા છે.

સરકારી ગુજરાતી સ્કૂલમાં ભણી અંગ્રેજીના પ્રાધ્યાપિકા બન્યા
રીદ્ધીબેન સોની ખાનગી સ્કૂલમાં નહી, પરંતુ સરકારી સ્કૂલમાં ભણ્યા છે. સરકારી ગુજરાતી પ્રાથમિક શાળામાં તેમને સરકારની સંકલિત શિક્ષણ યોજના થકી દિવ્યાંગ બાળકોને વિશેષ શિક્ષણ મળ્યું. જેમાં આવા વિદ્યાર્થીઓને ક્લાસમાં આગળ બેસાડાય તેમજ શિક્ષકો જરૂર પડ્યે એક્સટ્રા શિક્ષણ પણ આપતા હોય છે. જેના સપોર્ટથી તેઓ પહેલાં બ્રેઇલ પછી ગુજરાતી અને પછી અંગ્રેજી શિખ્યા અને પ્રાધ્યાપિકા બન્યા.

બે વર્ષની ઉમરે જ પિતાનું નિધન અને માતાએ જ ઉછેરી
રીદ્ધીબેનની આંખો જતી રહી એ સમયે તેમના પિતા હતા, પરંતુ ત્યારબાદ ટુંકા સમયમાં જ તેમના પિતાનું અકસ્માતે નિધન થયું હતુ. એ સમયે રીદ્ધીબેનની ઉમર માત્ર 2 વર્ષની હતી. ત્યારે તેમના માતા સોનલબેન માટે બીજો આઘાત ખૂબ જ દુખદાયક હતો, પરંતુ રીદ્ધીના મામા તેમને લઇ ગયા અને તેઓ પરિવારનો સહારો બન્યા. રીદ્ધીનો જુડવા ભાઇ પણ છે. એ પણ તેના જેવો જ તેજસ્વી છે. જેણે સિવિલ એન્જિનિયરીંગ કરી સ્ટ્રક્ચરલ એન્જિનિયરીંગ કર્યું અને તે હાલ અમેરીકા સ્થાયી થયો છે. તેમની માતા સોનલબેનના સંઘર્ષથી બંને સંતાનોએ ઉજળી કારકીર્દી બનાવી.

મે ડોક્ટરને કહ્યું મારી આંખ લઇને પુત્રીને દેખતી કરો
રીદ્ધીના માતા સોનલબેન સોનીએ જણાવ્યું કે, જ્યારે રીદ્ધી સાથે આ ઘટના બની ત્યારે હું મારી આંખ આપવા તૈયાર હતી, પરંતુ એ શક્ય ન હતુ. જેના કારણે તે બાળપણથી જ પ્રજ્ઞાચક્ષુ બની હતી. જોકે, તેની તેજસ્વીતાના કારણે તેણે આ પદ હાંસલ કર્યું છે. તેના ઉછેરમાં અનેક વિટંબણાઓ આવતી હતી. હું નિરાશ થઇ જતી હતી, પરંતુ ત્યારે રીદ્ધી જ મને આસ્વાસન આપતી અને જીવનના સંઘર્ષની લડાઇમાં જીત હાંસલ કરી છે.

રીદ્ધિની નિમણૂક માટે દ્વિધા હતી, પરંતુ મજબૂત નિર્ણય લીધો
વલસાડ બી. કે. એમ. સાયન્સ કોલેજના પ્રાધ્યાપક વિકાસભાઇ દેસાઇએ જણાવ્યું કે, ઇન્ટર્વ્યુંમાં અનેક કેન્ડિડેટસ હતા. જેમાં રીદ્ધીનું ઇન્ટર્વ્યું સૌથી સારું હતુ. ત્યારબાદ વધુ એક યુવાને સારું ઇન્ટર્વ્યું આપ્યું હતુ. એ યુવાન પણ દિવ્યાંગ હતો. તેને પગે ચાલવાની થોડી તકલીફ હતી. જોકે, આ પોસ્ટ માટે રીદ્ધીએ સારું ઇન્ટર્વ્યું આપ્યું હતુ. ત્યારે તેના અંધત્વના કારણે તેનો હક ન છીનવી શકાય એ માટે અમે તેમની પસંદગી કરી અને આજે તેની અમને ખુશી અને ગર્વ છે.

Most Popular

To Top