Charchapatra

ગજબની રાષ્ટ્રભક્તિ

અઢી દશકથી વધુનો સમય ગુજરાતમાં ૭૦ ટકાથી વધુ પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકા તેમજ વિધાનસભામાં ભાજપનું શાસન. લગભગ દર બીજા ઘરે ભાજપના કાર્યકર કે સમર્થક મળી આવે. જે રીતે ૨૦૦૧માં ખાસ કરીને વિકાસની ગાડી શરૂ થઈ હતી એ આજે શું પાટા પર છે? હું ખાતો નથી, ખાવા દેતો નથી, આજે કેટલું સાચું? મોંઘવારી શું મનમોહનસિંહની સરકાર કરતાં આજે વધુ નથી? શું બેરોજગારી આજે વધુ નથી? શું શિક્ષણની કથળેલી હાલત નથી? શું રોડ, રસ્તા, પુલ આજે તૂટતા નથી? શું લાગવગશાહી ચાલતી નથી?

આટલાં વર્ષોથી સત્તામાં છે અને આજે ગેરકાયદેસર દબાણો તોડવાની ડંફાસો મારે તો આ દબાણ થયાં કોના રાજમાં? કેવી રીતે થયાં? હુમલો થયો તો ગુજરાત આખામાંથી ઘૂસણખોર પકડાયા છે તો આ આવ્યા કઈ રીતે? શું હુમલો ન થાત તો આ બધા પકડાતે? ગમે તેવા મોટામાં મોટા ગુના કે જઘન્ય અપરાધમાં પણ મોટી માછલીઓ પકડાય છે ખરી? દરેક બાબતમાં ફકત ને ફકત મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જ પીસાઈ રહ્યો છે. હંમેશા માટે સૂઈ જાવ એ પહેલાં જાગી જાવ.
સુરત     – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મહોલ્લાનાં વિવાદાસ્પદ નામ મિટાવી દો
પડોશી દુશ્મન દેશના નામ પરથી ઓળખાતા ઉન વિસ્તારના મહોલ્લાનાં નામ તાકીદે દૂર કરો. પાકિસ્તાની મહોલ્લો અને બાંગલાદેશી મહોલ્લાનાં નામ જાણીને  અસ્સલ સુરતીલાલાઓને આઘાત લાગ્યો છે. આ ચોંકાવનારાં નામ પર ચોકડી મારી પાકિસ્તાની મહોલ્લાની ઓળખ હિન્દુસ્તાની મહોલ્લો કરી શકાય. બાંગલાદેશી મહોલ્લાના નામને બદલે ભારત મહોલ્લો નામ આપી શકાય. એસ.એમ.સી.ના સુરતના મેયર આ બાબતને ગંભીરતાથી લેવાની સાથે ત્વરિત પગલાં ભરે. આ મહોલ્લાના વિવાદાસ્પદ નામની જેમ બને તેમ જલ્દીથી એ નામ પર છેકો મારીને એને નવા નામથી નવી ઓળખ ઊભી કરે.

પ્રજા પણ આવા કલંકિત નામને બદલે સુધારેલા નવા નામથી ઓળખ આપવામાં સહયોગી બને એ જરૂરી છે. આટલાં બધાં વર્ષોથી લોલેલોલ ચાલ્યું છે. હવે જાગી જાવ. આપણા શહેરની ઓળખ દુશ્મન દેશના નામ પરથી મહોલ્લાના નામ આપવામાં આવે તે હવે નહીં ચાલે. સમય પાકી ગયો છે પરિવર્તન એ ક્રમ છે. નવા નામથી એની પહેચાન બનાવો. સુરતની ખૂબસૂરતી જાળવી રાખો.
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top