ગુરુજીને એક દિવસ સાંજે બધા શિષ્યોએ પૂછ્યું, ‘ગુરુજી, જે તે ક્ષેત્રમાં કોઈ પણ વિભાગમાં આગળ વધવું હોય, મોખરાનું સ્થાન મેળવવું હોય તો શું બનવું જરૂરી છે?’ ગુરુજીએ સામો પ્રશ્ન પૂછ્યો, ‘ તમને શું લાગે છે કે શું બનવું જોઈએ?’ શિષ્યોએ જવાબ આપ્યા કે શ્રીમંત બનવું જોઈએ, કોઈકે કહ્યું વિદ્વાન બનવું જોઈએ, કોઈકે કહ્યું શક્તિશાળી બનવું જોઈએ, અન્ય એક જણે કહ્યું ચતુર અને ચાલાક બનવું જોઈએ, અન્ય એક જણે કહ્યું કે જાણકાર બનવું જોઈએ.
એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, અમારી વચ્ચે તો ચર્ચા જામી છે. આમાંથી કયો જવાબ સાચો અને કયો જવાબ ખોટો. હવે તમે જ અમને સમજાવો કે કોઈ પણ ક્ષેત્રમાં અગ્રગણ્ય સ્થાન મેળવવા માટે શું બનવું જરૂરી છે?’ ગુરુજીએ કહ્યું, ‘ દરેક ક્ષેત્રમાં દરેક સ્થાને અગ્રણી બનવા માટે કે મોખરાનું સ્થાન મેળવવા માટે અને સફળતા મળ્યા બાદ પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે માત્ર અને માત્ર ‘નરમ બનવાની’ જરૂર છે.’
ગુરુજીનો આવો જવાબ સાંભળી બધા શિષ્યો બે ઘડી માટે અવાચક બની ગયા. સાવ ચૂપ થઈ ગયા પછી ધીમે ધીમે ગણગણાટ ઊઠ્યો. ગુરુજીના પ્રિય શિષ્યે કહ્યું, ‘ ગુરુજી, મને સમજ ન પડી, માફ કરજો પણ ‘નરમ બનીએ’ તો તો બધા આપણને દબાવી દે. ધક્કો મારી દે કે ટાંગ ખેંચીને પાડી દે અને આપણને નીચે પાડીને પોતે આગળ વધી જાય તો મોખરાનું સ્થાન મેળવવા માટે તો જબરા બનવું પડે, શક્તિશાળી બનવું પડે, કડક બનવું પડે, નરમ બનવાથી કઈ રીતે આગળ વધી શકાય?’
ગુરુજી બોલ્યા, ‘ અહીં જ ઊંડા વિચારોની ખામી છે. લોખંડને ગરમ કરીએ તો તે નરમ બને છે અને પછી જ તેમાંથી ઉપયોગી ઓજારો બને છે. સોનાને તપાવીએ તો તેના તાર બને છે પછી તેમાંથી ઝવેરાત બને છે. માટીને ખેડીને પાણી પાઈને નરમ બનાવીને પછી ખેડૂત તેમાં પાક ઉપજાવે છે અને લોટને બાંધીને ગુંદીને નરમ કરવાથી તેમાંથી પોચી ને પચવામાં હલકી રોટલીઓ બને છે. નરમ બન્યા બાદ જ જીવનમાં ઉચ્ચતમ સ્થાન બધાને મળે છે. જ્યારે કોઈ પણ માણસ નરમ બને છે ને ત્યારે તેને અન્ય લોકોના દિલમાં એક કાયમી સ્થાન મળી જાય છે અને તે સ્થાન સૌથી મોખરાનું છે.
અન્યને હરાવીને, કોઈને પાડીને લુચ્ચાઈથી કે જબરાઈથી કોઈ ક્ષેત્રમાં મોખરાનું સ્થાન મેળવશો તો થોડો વખત માટે મળશે પણ કોઈ તમારાથી ચાલાક, તમારાથી શક્તિશાળી, તમારાથી વધુ હોશિયાર આવીને તે સ્થાન છીનવી લેશે.જયારે નરમ બની; નમ્રતા જાળવી પ્રેમ, દયા અને કરુણાના ભાવ મનમાં રાખી જો બધાના દિલમાં સ્થાન મેળવશો ને તો તે કાયમી સ્થાન મળશે. તે સ્થાન પરથી તમને કોઈ જ ક્યારેય નીચે નહીં પાડી શકે માટે વિનમ્ર બનો અને સૌને ગમો.’ ગુરુજીએ જીવન સાફલ્યનો માર્ગ બે શબ્દોમાં પરોવી સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.