પહેલગામમાં આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનીઓના વિઝા રદ કરી તાત્કાલિક ભારત છોડી દેવા આદેશ કર્યો છે, ત્યાં બીજી તરફ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
આ સર્ચ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓને ગુજરાત પોલીસે પકડ્યા છે. અત્યાર સુધીમાં વડોદરાથી 1700, અમદાવાદથી 890, રાજકોટથી 800 અને સુરતથી 379 બાંગ્લાદેશી પકડાયા છે, તે પૈકી કુલ 290 બાંગ્લાદેશીઓની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
દરમિયાન આજે સોમવારે પશ્ચિમ બંગાળ અને કેન્દ્રમાંથી આઈબીની વિશેષ ટીમ સુરત આવી છે. 134 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવા પ.બંગાળની IBની ટીમ સુરતમાં આવી છે. તે IB સાથે મળી તમામ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરશે.
સુરત શહેરમાં બાંગ્લાદેશી નાગરિકો દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હોવાની ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સેન્ટ્રલ અને પશ્ચિમ બંગાળની ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ની વિશેષ ટીમ સુરતમાં આવી પહોંચી છે અને શક્ય તેટલી માહિતી એકત્ર કરી રહી છે
.સુરત પોલીસ અને આઈબીની સંયુક્ત કાર્યવાહી હેઠળ શકમંદ બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ચોકસાઈથી તપાસ માટે ચાર સ્તરનું પૂછપરછ મોડેલ બનાવવામાં આવ્યું છે, જેમાં પીએસઆઈ, પીઆઈ, એસીપી અને ડીસીપી સ્તરે અલગ અલગ અધિકારીઓ દ્વારા એક પછી એક પ્રશ્નો પુછવામાં આવ્યા છે.
દેહવિક્રયના ધંધામાં સંડોવાયેલી હોવાનું આવ્યું બહાર
શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો પૈકી છ મહિલાઓ દેહવ્યાપાર (દેહવિક્રય)ના ધંધામાં સંડોવાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ મહિલાઓ સુરતના વિવિધ વિસ્તારોમાં રેહી રહી હતી અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી. પોલીસે તેઓનું સંપૂર્ણ વિગતો એકત્ર કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. સુરત પોલીસ દ્વારા કાર્યવાહી દરમ્યાન બહાર આવેલાં તમામ બાંગ્લાદેશી નાગરિકોના દસ્તાવેજો, તેમનું સુરતમાં કઈ રીતે પ્રવેશ થયો અને કયા લોકોની મદદથી તેઓ અહીં સ્થાયી થયા છે તે અંગે પણ વિગતવાર તપાસ ચાલી રહી છે.
અમદાવાદના ચંડોળામાં પાવર કટ કરાયો
મદાવાદમાં પોલીસ કમિશનર જી.એસ.મલિક, ડીસીપી ક્રાઇમ અજીત રાજીયન સહિતના ઉચ્ચ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા તો આખો વિસ્તાર ખાલીખમ જોવા મળ્યો હતો. તથા ટોરેન્ટે પણ વીજ જોડાણ કાપી નાંખ્યા હતા. હાલમાં 143 બાંગ્લાદેશીની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.