ડભોઇ પંથકમાં રજિસ્ટ્રેશન થયા વગરના સેકડો વાહનો
શો રૂમના સંચાલકો વિરુદ્ધ 1 માસમાં છેતરપિંડીની બીજી ફરિયાદ
વડોદરા: ડભોઇ નજીક આવેલી વેગા ચોકડી પાસે હાલમાં વલ્લભ ઓટોમોબાઇલ્સ નામે શોરૂમ કાર્યરત છે. જ્યાં આઠ દસ વર્ષ પૂર્વે શ્રીજી ઑટોમોટીવ શો રૂમમાં હીરો હોન્ડાની મોટરસાયકલનું વેચાણ થતું હતું શોરૂમના સંચાલક દીપક ઉર્ફે ભોલું ભરતભાઈ ભોજવાણી અને તેનો ભાઈ મનહર ભરતભાઈ ભોજવાણીએ (રહે: વડોદરી ભાગોળ ડભોઇ) છેતરપિંડીનો ગુનો આચર્યો હતો.
ડભોઇ પાસે આવેલ હબીપુરા નવીનગરી માં રહેતા રાજેન્દ્ર નટુભાઈ ભાટિયા હેર કટીંગ સલૂનનું વ્યવસાય કરે છે. તેઓએ 2017માં શ્રીજી ઓટોમોટીવ શોરૂમમાંથી બાઇકની ખરીદી કરી હતી. શોરૂમ ના સંચાલક બંને ભાઈઓ દિપક અને મનહરે ખાતરી આપી હતી કે તેમની બાઈકનું આરટીઓનું રજીસ્ટ્રેશન કરાવીને આપશે. પરંતુ ભેજાબાજ ઠગ બંધુઓએ વર્ષો સુઘી ધક્કા જ ખવડાવ્યા અને વિશ્વાસઘાત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શોરૂમના થગ સંચાલક બંધુઓ વિરુદ્ધ ડભોઇ પોલીસમાં એક જ પ્રકારની છેતરપિંડીનો બીજો ગુનો નોંધાયો હતો. માલેતુજાર સંચાલકો સામે સ્થાનિક પોલીસ લાચાર હોય અથવા આરોપીઓના હાથ લાંબા હોય તેમ પોલીસ તપાસમાં આગળની કોઈ કાર્યવાહી કરી શકી નથી
હજુ સુધી અમે આરોપીઓના નિવેદન લીધા નથી : પીએસઆઈ વાઘેલા.
એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવીને ઠગાઈનો ગુનો આચરતા ભેજા બાદ બંધુઓ અંગે પીએસઆઇ જે.જી વાઘેલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષો પૂર્વે શ્રીજી ઓટોમોટીમ શોરૂમ હતો. જે તે સમયમાં વેચાણ થયેલા વાહનોનું રજીસ્ટ્રેશન અંગે ખરીદનાર માલિકો પણ એટલા જ જવાબદાર છે. તેઓએ તેમની જાતે આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ. હજુ સુધી અમે આરોપીઓના નિવેદન લીધા નથી પરંતુ જે તે સમયના સ્ટોક રજીસ્ટ્રેશન મંગાવ્યા છે.
ડભોઇમાં વર્ષોથી રજીસ્ટ્રેશન વગરના વાહનો ચાલતા હતા
સામાન્ય નાગરિકની બાઈક મોપેડ ની નંબર પ્લેટ ના હોય તો પોલીસ દંડ ફટકારી દે છે. જ્યારે ડભોઇમાં વર્ષોથી નંબર પ્લેટ વગરના વાહનો ચાલતા હતા છતાં પોલીસ તંત્રને ખબર પણ ના પડી? શોરૂમના સંચાલકોએ આજ સુધીમાં કેટલા વાહનનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તે અંગે તંત્ર અજાણ છે કે પછી ઉપર સુધી રાજકીય વગ ધરાવતા માલેતુંજાર ભોજવાણી બંધુઓ ને પકડવા પોલીસના હાથ ટૂંકા પડે છે. શોરૂમના સંચાલકોએ માત્ર વાહન ચાલકો સાથે જ છેતરપિંડી કરી નથી પરંતુ આરટીઓ અને સરકારને પણ અંધારામાં રાખીને કાળા કારનામા કર્યા છે. રજીસ્ટ્રેશન ના પૈસા સરકારની તિજોરીમાં જવાના બદલે ઠગ બંધુઓના ખિસ્સામાં જમા થઈ ગયા એકંદરે સરકાર સાથે પણ છેતરપિંડી કરી છે. નંબર પ્લેટ વગરના વાહનો દ્વારા ગંભીર ગુનાઓ આચરવામાં આવે તો પોલીસ તંત્ર કયા આધારે આરોપીઓને પકડે તેવું ડભોઇ પંથકમાં પણ ચર્ચાઇ રહ્યું છે.