આતંકવાદી સંગઠન ટીઆરએફ (ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ) નાટ્યાત્મક રીતે પહેલગામ હુમલાની જવાબદારી લેવાનો ઈનકાર કર્યો છે. બીજી તરફ એલઓસી પર પાક સેનાએ ફાયરિંગ શરૂ કર્યું છે, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ ઉપરાંત સેનાએ બે દિવસમાં 6 આતંકવાદીઓના ઘર તોડી પાડ્યા છે.
‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) એ પહેલગામ હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો છે. સંગઠને કહ્યું કે તેનું ડિજિટલ પ્લેટફોર્મ સાયબર એટેક દ્વારા હેક કરવામાં આવ્યું હતું અને નકલી સંદેશાઓ પોસ્ટ કરવામાં આવ્યા હતા. TRF એ ભારતીય એજન્સીઓ પર કાવતરું ઘડવાનો આરોપ પણ લગાવ્યો અને આ મામલાની તપાસની માંગ કરી.
જમ્મુ-કાશ્મીરમાં મેડિકલ ઇમરજન્સી લાગુ
જમ્મુ-કાશ્મીરમાં મેડિકલ ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. ડોક્ટરો અને સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે જે 24/7 પરિસ્થિતિ પર નજર રાખશે.
સેદોરી નાલાના જંગલોમાં આતંકવાદીઓના ઠેકાણાનો સેનાએ નાશ કર્યો
સુરક્ષા દળોએ માચ્છિલ સેક્ટરના મુશ્તાકાબાદ વિસ્તારમાં સેદોરી નાલાના ગાઢ જંગલોમાં આતંકવાદીઓના એક ઠેકાણાનો પર્દાફાશ કર્યો. સેનાને એક શંકાસ્પદ સ્થળે છુપાયેલા હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 5 AK-47 રાઈફલ, 8 AK-47 મેગેઝિન, 660 રાઉન્ડ AK-47 ગોળીઓ, એક પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન, એક પિસ્તોલ બુલેટ અને 50 રાઉન્ડ M4 રાઈફલ ગોળીઓનો સમાવેશ થાય છે.
અનંતનાગમાં 175 લોકોની અટકાયત
પહેલગામ હુમલા પછી પોલીસનું આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ છે. પોલીસે પૂછપરછ માટે 175 શંકાસ્પદોની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું કે અનેક સ્થળોએ દરોડા પણ પાડવામાં આવ્યા છે. રાત-દિવસ સર્ચ ઓપરેશન ચાલુ છે. દરેક નાની-મોટી ગતિવિધિ પર નજર રાખવામાં આવતી હતી.
એલઓસી પર પાક સેનાનું ફાયરિંગ
પાકિસ્તાની સેનાએ ગઈકાલ બાદ આજે વહેલી સવારે પણ નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ પણ આનો જવાબ આપ્યો. આ ગોળીબારમાં કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ નથી.