સુરત મહાનગરપાલિકાની ચુંટણીનો ધમધમાટ શરૂ શરૂ થઈ ચૂક્યો છે. રાજકારણીઓ, કાર્યકર્તાઓ કોવિડ ગાઈડલાઈનનું ભાન ભૂલી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે શહેરમાં કોરોનાનું સંક્રમણ પણ ફરીથી વધવા લાગ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ફરીવાર પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે.
શનિવારે શહેરમાં વધુ 49 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 39,896 પર પહોંચ્યો છે. પરંતુ મૃત્યુઆંકની 850 પર જ બ્રેક લાગી છે. તેમજ શનિવારે શહેરમાં વધુ 35 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 38,836 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ 97.34 ટકા પર પહોંચ્યો છે.
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણીમાં પ્રચાર પ્રસારનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં રાજકારણીઓ કોવિડ ગાઈડલાઈનને નેવે મૂકી પ્રચાર કરી રહ્યા છે. કોઈ પણ કાર્યકર્તાઓ પ્રચારમાં માસ્ક પહેરી રહ્યા નથી, અને સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડી રહ્યા છે.
ચૂંટણી કાર્યાલયો પર પણ મોડી રાત સુધી મીટિંગો ચાલી રહી છે. ભીડમાં લોકો બેસી રહેતા હોય, શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક સમયે શહેરમાં કોરોનોના કેસ 30ની અંદર આવી ગયા હતા. છેલ્લે સૌથી ઓછા 8મી ફેબ્રુઆરીએ માત્ર 22 જ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેમાં હવે વધારો થયો છે અને શનિવારે આંક 49 થઈ ગયો છે.
કયા ઝોનમાં કેટલા કેસ?
ઝોન કેસ
સેન્ટ્રલ 03
વરાછા-એ 08
વરાછા-બી 02
રાંદેર 08
કતારગામ 07
લિંબાયત 02
ઉધના 01
અઠવા 18