સમી સાંજે આગ લાગી ત્યારે 20 જેટલા લોકો કામ કરતા હતા
રેઝીન ફિલીંગ વેક્યુમ પંપમા આગ લાગતા અફરાતફરી
વાઘોડિયા:
વાઘોડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર 924 કોટા ટેક કંપનીમાં સમી સાંજે સોલ્યુશન બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં આગ લાગી હતી ત્યાં બે જેટલા વ્યક્તિ કામ કરતા હતા અને કંપનીમાં કુલ 20 કામદારો હાજર હતા. સોલ્યુશન બનાવવા માટે રેઝિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ રેઝિંગ ફીલિંગ કરતી વખતે વેક્યુમ પંપમાં અચાનક આગ લાગતા પ્લાસ્ટિકના દાણા સોલ્યુશન વગેરેની ઝપેટમાં આવતા વેક્યુમ પંપમાં આગ લાગવાની ઘટના બનતા ધુમાડાના ગોટેગોટાથી શેડ ભરાઈ ગયો હતો અને કંપનીમાં અપરા તફરીનો માહોલ સર્જાયો હતો.

જોકે કંપની કામદારોએ સમય સૂચકતા વાપરી ડીસીપી પાવડર, પાણીનો મારો અને ફાયર ટેન્ક થી આગ પર કાબુ મેળવી લીધો હતો. ધુમાડાના ગોટે ગોટાથી કામદારો ગૂંગળાય નહીં તે માટે પતરાના શેડને ઠેક ઠેકાણેથી તોડી પાડવામાં આવ્યા હતા. જેના કારણે ધુમાડો બહાર જ ચાલ્યો જતા આગ બુઝાવવામાં મદદ મળી હતી. આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ એપોલો ફાયર લશ્કરને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

બીજી તરફ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે આસપાસની કંપની સંચાલકો દ્વારા ફાયર સેફ્ટી ક્રેન લઈ પહોંચતા અને સતત પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જોકે ઘટના સ્થળની બાજુમા ઓપન સ્પેસની જગ્યાએ પુઠાં અને કેમીકલના બેરલો જોવા મળ્યા હતા. સદનસીબે આગ બેરલો સુઘી પહોંચી ન હતી, જેથી કરીને આસપાસની કંપની આગની ઝપેટથી બચી જવા પામી હતી. કંપની સેફ્ટી ઈન્સ્પેક્શન સમયે કંપનીની આસપાસ દુર્ઘટના સમયે ફાયર વિભાગ પહોંચી શકે અથવા તો કામદારો પોતાનો જીવ બચાવવા બહારની તરફ ભાગી જીવ બચાવી શકે તેવો એક્ઝીટ કંપનીમા જોવા મડ્યો ન હતો.જોકે કંપનીમા લાગેલી આગ સમયે કંપની માલીક સંજય સોની કંપની પર હાજર હતા.અને કેમીકલ ભરેલા બેરલો કંપની શેડની બહાર સુરક્ષીત કાઢવામા સફળતા મળી હતી.
