વડોદરા તારીખ 12
ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ સરકારી ટેબલેટ પર નિહાળનાર વારસિયા પોલીસ સ્ટેશનના પીએસઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે.
તાજેતરમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ખરા-ખરીનો જંગ જામ્યો હતો. જેમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત થઈ હતી. વડોદરા શહેર સહિત સમગ્ર દેશ આ મેચ જોવા માટે ટીવી સામે બેસી ગયો હતો. ઉપરાંત કેટલાક ક્રિકેટ રશિયા હોય મોબાઈલ લેપટોપ ટેબલેટ તથા જાહેરમાં પડદા પર આ ક્રિકેટની મજા માણી હતી. ત્યારે વડોદરા શહેરના ક્રિકેટમાં રસ ધરાવનાર પોલીસ કર્મચારીઓએ પણ ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયાની આ મેચ જોઈ હતી. પરંતુ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઓ વિપુલભાઈ સરકારી કામ માટે આપવામાં આવેલા લેપટોપમાં ફાઇનલ મેચ નિહાળી રહ્યા હતા. ટેબલ પર ટેબલેટ રાખીને પીએસઓ અન્ય કર્મચારીઓ પણ મેચ જોઈ રહ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેથી પોલીસ કમિશનર દ્વારા સરકારી ટેબલેટ પર મેચ જોઈ રહેલા પીએસઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમની બદલી હેડ ક્વાર્ટર ખાતે કરી દેવામાં આવી છે. જેને લઇને અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
