ગાંધીનગર: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદમાં આવી પહોચ્યા છે, બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી હવે સુરતમાં આવી પહોંચ્યા છે. અને આવતીકાલે તા.8 અને 9મી માર્ચ દરમ્યાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ સૌરાષ્ટ્ર અને અમદાવાદ- ગાંધીનગરના પ્રવાસે આવી રહ્યા છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં રોકનાર છે. તેવી જ રીતે પીએમ મોદી આજે અને આવતીકાલે એમ બે દિવસ રોકાણ કરનાર છે. જયારે અમીત શાહ પણ બે દિવસ રોકાણ કરશે.
કોંગ્રેસની નેતાગીરીએ રાષ્ટ્રીય અધિવેશન માટે ભાજપના ગઢ એવા અમદાવાદની પસંદગી કરી છે. જેમાં ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીનો રોડ મેપ તૈયાર થશે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે આક્રમક્તા સાથે લડી શકે તેવા નેતાઓને સમર્થન આપવા પણ સૂચના આપી હતી. ગુજરાત કોંગ્રેસના સંગઠ્ઠનમાં પણ ધરખમ ફેરફાર આવે તેવી શકયતા છે.
ગૃહમંત્રી અમિત શાહ 8 અને 9 માર્ચે એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમીત શાહ જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 8 માર્ચે બપોરે 12:00 વાગ્યે અમિત શાહ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચન કરશે. પછી તેઓ કોડીનારના ચલાલા ખાતે સુગર મિલના પુનઃસ્થાપના માટે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે, જુનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે.
