વિશ્વ મહિલા દિવસ પૂર્વે સુરતની બ્રેઈનડેડ મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. મૃતક મહિલાના બંને હાથોનું પ્રત્યારોપણ દાહોદના રહેવાસી યુવકમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ અંજુબેન રાજેશભાઈ નારોલાના બંને હાથ સહિત કિડની, લિવર અને ચક્ષુઓનું દાન નારોલા પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગરના ગારીયાધારના નાની વાવડી ગામની વતની અને સુરતમાં કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે નારાયણનગર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ નારોલાના ધર્મપત્ની અંજુબેન (ઉં.વ. 49) ગઈ તા. 4 માર્ચ ના રોજ સવારે કપડાં ધોઇ રહ્યા હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. પરિવારજનો અંજુબેનને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ન્યુરોસર્જન ડો. ભૌમીક ઠાકોરની સારવાર કરી હતી. CT સ્કૅન કરાવતા અંજુબેનની નાના મગજની લોહીની નસ ફાટી જવાને કારણે મગજમાં લોહીની ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.
દરમિયાન ગઈ તા. 6 માર્ચના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે અંજુબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટના પ્રતિક શાહે ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી અંજુબેન ના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી અંજુબેનના પતિ રાજેશભાઈ, પુત્ર પાર્થ, ભાઈ પ્રકાશભાઈ ધોળકિયા, મહેશભાઇ ધોળકિયા, જેઠ વિપુલભાઈ, દિયર સંજયભાઈ, જગદીશભાઇ, ઘનશ્યામભાઈ નારોલા, ભરતભાઈ નારોલા તેમજ નારોલા પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ હતું.
અંજુબેનના પતિ રાજેશભાઈ, પુત્ર પાર્થ, ભાઈ પ્રકાશભાઈ ધોળકિયાએ અંગદાનની મંજૂરી આપી હતી. પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બંને હાથ, બે કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતાં.
કિડની સુરતના રહેવાસીમાં ટ્રાન્સપ્લાન્ટ
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી 29 વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 60 વર્ષીય પુરુષમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડો. કલ્પેશ ગોહિલ, ડૉ. મુકેશ આહિર, ડૉ. પ્રમોદ પટેલ, અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 38 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. રવિ મોહન્કા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.
દાહોદના રહેવાસીને હાથનું દાન
દાનમાં મળેલા બંને હાથોનું પ્રત્યારોપણ ગુજરાતમાં સૌ પ્રથમ વખત દાહોદના રહેવાસી 35 વર્ષીય યુવકમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. અરવિંદ પટેલ, ડૉ. આશુતોષ શાહ, ડૉ. નિલેશ કાછડિયા, ડૉ. નિધીશ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. મૂળ દાહોદનો રહેવાસી અને વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ (MGVCL) માં લાઈનમેન તરીકે ફરજ બજાતો આ યુવક, જુલાઈ 2022 માં બાઇન્ડર નાખવા માટે થાંભલા પર ચડ્યો હતો, ત્યારે રીટર્ન કરંટ લગતા તેના બંને હાથ ખરાબ રીતે દાઝી જતા કાપી નાખવા પડયા હતા.
આ યુવકના પરિવારમાં તેની પત્ની ઉપરાંત ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત થી આઠ હાથ દાન કરાવવામાં આવ્યા છે. ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.
