Comments

આપણી આસપાસ ખિસ્સાનાં દરિદ્રો કરતાં મનનાં દરિદ્રોની સંખ્યા અનેક ઘણી વધારે છે

પૈસાનું જીવનમાં કોઈ મહત્ત્વ નથી. મને પૈસાદાર થવાની કયારેય ઈચ્છા નથી. પૈસા તો હાથનો મેલ છે તેવું આપણે અનેક વખત આપણી આસપાસનાં લોકો પાસે સાંભળ્યું છે. હું પોતે પણ તેવું વર્ષો સુધી માનતો રહ્યો કે પૈસો જ આપણું સર્વસ્વ હોઈ શકે નહીં, પણ કાળક્રમે અને અનુભવે સમજાવ્યું કે પૈસો સર્વસ્વ નહીં હોવા છતાં યોગ્ય માત્રમાં પૈસા હોવા પણ જરૂરી છે.

વિપરીત પરિસ્થિતિમાં ખીસ્સામાં રહેલા પૂરતા પૈસા એક પ્રકારનો આત્મવિશ્વાસ પૂરો પાડે છે, તેથી જ શ્રીમંત થવાની ઈચ્છા અને શ્રીમંત થવાના પ્રયત્ન કરવા કોઈ ખોટી બાબત નથી. આપણી આસપાસ એવાં અનેક લોકો છે જેઓ મહેનત કરી ખૂબ પૈસા  કમાય છે. એવાં અનેક લોકો છે જેઓ પોતાના પદનો સાચો ખોટો ઉપયોગ કરી પૈસા કમાય છે. 

કોણે કઈ રીતે પૈસા કમાવા તે અત્યંત  વ્યકિતગત પ્રશ્ન છે. તેના કારણે આપણે તે વિષયની અહિંયા ચર્ચા કરીએ તે યોગ્ય નથી. પરંતુ વાત શ્રીમંત થવાની અને પૈસા કમાવાની હોય ત્યાં સુધી આવી ઈચ્છા અને તેના માટેના પ્રયત્ન કરવા તેમાં કંઈ ખોટું નથી.

મારા સહિત અનેક લોકો એવાં છે કે જયારે પણ તેમને શ્રીમંત થવાનો વિચાર આવ્યો તેની સાથે દોષિતપણાના ભાવનો જન્મ થયો, પણ મને હવે સમજાય છે કે તેમાં દોષિતપણા જેવું કંઈ નથી. જો તમને કોઈનો અધિકાર  છીનવી અથવા અયોગ્ય રીતે પૈસા કમાવાનો પ્રયત્ન કરો તો જરૂર દોષિતપણાનો ભાવ જન્મવો જોઈએ. જો ખોટું કર્યા પછી પણ મનમાં કોઈ ડંખ થતો નથી, જરૂર આપણી અંદર કંઈક ગરબડ છે.

આપણાથી કયારેક  જાણી જોઈ તો કયારેયક અજાણતા  ખોટુ થવાનું જ છે, પણ જયારે પણ આપણે તેવુ કરીએ ત્યારે તેનો ડંખ રહેવો જોઈએ અને માત્ર ડંખ રહે તે પૂરતું નથી, પણ જે ભૂલ થઈ છે તેવી ભૂલ ફરી દોહરાય નહીં તેની પણ તકેદારી રાખવી જોઈએ. આમ મારું મન સ્પષ્ટ છે કે પૈસાદાર થવાની ઈચ્છા અને તે માટે થોડી બુધ્ધી અને મહેનતો ઉપયોગ કરી શ્રીમંત થવામાં કંઈ ખોટું નથી અને દરેક માણસે તે દિશામાં વિચારવું પણ જોઈએ.

પરંતુ જયારે જયારે માણસે શ્રીમંત થવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યારે મને સમજાયું કે શ્રીમંત કેટલું થવું છે તેનું કોઈ પ્રમાણભાન રહેતું નથી. આમ તો ઈચ્છાઓ કયારેય પૂરી થતી નથી તેવું કહી આપણે પોતાની સાચી ખોટી ઈચ્છઓને ખરી ઠરાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

ખરેખર શ્રીમંત થવાની ઈચ્છા થાય ત્યારે આપણે એક લીટી પણ દોરી રાખવી જોઈએ કે આપણે કેટલા પૈસા કમાવા છે અને કયાં અટકી જવાનું છે. મોટા ભાગનાં લોકોને કયાં અટકવું તેનો અંદાજ આવતો નથી.શ્રીમંત થવાની દોડમાં તેઓ સતત સેન્સેકસ જેવા થઈ જાય છે. હજારો કમાતો માણસ લાખોપતિ  થાય છે અને લાખો કમાતો માણસ કરોડપતિ થાય છે.

એક વખત તમે લાખોપતિ અને કરોડપતિ થયા પછી શું કરશો તેની કોઈ બ્લયુ પ્રિન્ટ હોતી નથી. આપણી આસપાસ આવાં લાખોપતિ અને કરોડપતિઓની કતાર છે. એક આઈપીએસ અધિકારીએ મને કહ્યુ હતુ કે જયારે પૈસા ન્હોતા  ત્યારે ખૂબ પૈસા આવે તેવી ઈચ્છા હતી.

પછી ખૂબ પૈસા આવવા લાગ્યા. પહેલાં સરસ બંગલો. સરસ કાર લીધી પછી  થોડીક જમીન લીધી. હજી પૈસા આવવાનું ચાલુ છે. હવે દર મહિને ચલણી નોટોની થપ્પી ઉપર વધુ થપ્પી મુકાતી જાય છે પણ હવે પહેલી વખત પૈસા કમાયા તેવો આનંદ મળતો નથી.  પૈસા તો આવતા રહે છે પણ તેમાં આનંદ મળતો નથી.

આવું મોટા ભાગના શ્રીમંતો સાથે થાય છે,એટલે શ્રીમંતો  પૈસામાંથી આનંદ  શોધવા માટે નવા બંગલા ખરીદે છે, મોંઘી કાર, મોંઘા ફોન, મોટી કલબના સભ્ય થાય છે, વિદેશ પ્રવાસ કરે છે, આવું બધું જ તેઓ કરે છે તેમાં કંઈ જ ખોટું નથી. આ દેશના દરેક નાગરિકની આવી જિંદગી હોવી જોઈએ, પણ આ બધું તેઓ આનંદ મેળવવા  માટે કરે છે પણ બધું કર્યા પછી તેમને લાગે છે હવે શું કરીશું. રોજ સવારે ભારતીય રીઝર્વ બેન્ક ચલણી નોટ છાપવાના મશીનની જેમ ફરી વધુ નોટો કમાવા લાગી જાય છે.તેઓ કંઈ પણ કરી પોતાને વ્યસ્ત રાખવાનો  પ્રયત્ન કરે છે.

માણસે મૃત્યુના દિવસ સુધી કામ કરવું સારી બાબત છે પણ આપણે કોના માટે કામ કરીએ છીએ તેની ખબર હોવી જોઈએ. એક સારી જિંદગી મળે તે માટે કમાવી લીધા પછી આપણી આસપાસ રહેલા લોકોની જિંદગી સારી થાય તે માટે પણ આપણું મન વિચારે એટલો તેનો અવકાશ આપવો જોઈએ, જેઓ બાંધ્યા પગારમાં નોકરી કરે છે અથવા જેમને પોતાની નિવૃત્તિ ચોક્કસ  આવક અથવા પેન્શનમાં પસાર કરવાની છે,.

તેમની  હું વાત કરતો નથી, પણ જેઓ હાથ  પગ ચલાવે નહીં છતાં બે-ચાર પેઢીઓને પણ વાંધો આવે નહીં તેવા શ્રીમંતોએ બીજી જિંદગીને સારી બનાવવા માટેનો વિચાર કરી તે દિશામાં જરૂર કંઈક કરવું  જોઈએ. આપણી આસપાસ ખિસ્સાનાં દરિદ્રો કરતાં મનનાં દરિદ્રોની સંખ્યા વિશેષ છે. તેઓ જે કમાયા છે તેના કારણે તેમના ખીસ્સા પણ ફાટી જાય એટલા પૈસા છે, પરંતુ તેમનો હાથ ખીસ્સામાં પૈસા મૂકવા માટે જાય છે પૈસા કાઢી બીજાને આપવા માટે જતો નથી.

વર્ષો સુધી હું એક દોષિતપણાના ભાવમાં  જીવ્યો. આમ તો મને રોડ સાઈડ લારીઓ ઉપર રોટલી શાક જમવાનું વધારે સ્વાદિષ્ટ લાગ્યું છે. મને કોઈ હોટલ  તાજ અથવા રસ્તા ઉપર લારી ઉપર જમવાનું આમંત્રણ આપે તે હું પહેલી પસંદગી રસ્તા ઉપર લારીના ભોજન આપું, પરંતુ લગ્ન થયાં, પત્ની આવી અને બાળકો થયા પછી તેમની ઈચ્છા તો થોડીક સારી કહેવાય તેવા રેસ્ટોરન્ટમાં જવાની હોય એટલે જવું પડયું, પણ જયારે જયારે હું કોઈ રેસ્ટોરન્ટમાં જતો અને બે-ચાર હજારનું બીલ ચુકવી બહાર નિકળતો ત્યારે દોષિત હોવાની લાગણી થતી.

મને લાગતું કે મારા એક દિવસના રેસ્ટોરન્ટના બીલમાં કોઈ એક પરિવારનો આખો મહિને નીકળી જાય. પણ પછી મેં એક રસ્તો શોધી કાઢયો. પરિવારને ખુશ રાખવાનો છે, પરંતુ આપણા માટે જે એક દિવસનો ખર્ચ છે તે કોઈ પરિવારનો આખા મહિનાનો ખર્ચ છે. મેં નક્કી કર્યું કે કોઈને કહ્યા વગર મારા   પરિવારનો પણ મહિનો સુધરે તેવી વ્યવસ્થા મારે કરવાની છે.

મેં તેવું કરવાની શરૂઆત કરી,તેનું ચમત્કારી પરિણામ જોયું. કદાચ ઈશ્વરમાં ભરોસો નહીં કરતા મારા આધુનિક મિત્રોને મારી વાત મૂર્ખતા લાગે પણ બીજાને મદદ કરી શકું તે માટે મારી ક્ષમતામાં વધારો થતો ગયો. મને સમજાયું કે મારી શ્રીમંતાઈ મારું બેન્ક બેલેન્સ વધે તેમાં જ નથી, પરંતુ મારી શ્રીમંતાઈ મારી આસપાસનાં લોકોની દરિદ્રતા ઘટે તેમાં છે,.

મારે શ્રીમંત થવું છે, પરંતુ મેં મારા જેવા જીવનમાં એક યાદી બનાવી છે જેમાં મારે તેમને પણ આનંદિત જોવા છે, ઈશ્વર પાસે આપણે તમામ જોડીને રોજ માંગીએ છીએ, હું પણ માંગુ છું, મારે પણ શ્રીમંત થવું છે, પરંતુ ઈશ્વરને મારી પ્રાર્થના છે કે મને ખૂબ આપજે, પરંતુ જયારે આપે ત્યારે બીજાને આપવાનું મન પણ આપજે.  

                – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top