પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળ આવેલા બાવળના જંગલમાં ભીષણ આગ લાગી છે. આજે બુધવારે બપોરે લાગેલી આગ ભારે પવનના લીધે વિકરાળ બની છે. આગની જવાળાઓ બિરલા કોલોની સુધી પહોંચી ગઈ છે, જેના લીધે રેસિડેન્શિયલ કોલોનીને ખાલી કરાવવાની ફરજ પડી છે.
ફાયર બ્રિગેડ આગ ઓલવવા ઘટના સ્થળે દોડી ગયું છે પરંતુ ભારે પવનના લીધે આગ વધુ ભીષણ બની રહી હોય આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યું છે.
બીજી તરફ સુરક્ષાના ભાગરૂપે બિરલા સ્કૂલ ખાલી કરી દેવાઈ છે. સ્કૂલમાંથી મહત્ત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવાયા છે. બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. બિરલા કોલોનીના ઘરોમાંથી ગેસ સિલિન્ડરો પણ બહાર કાઢી લેવાયા છે.
આ તરફ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ તનતોડ મહેનત કરી રહ્યું છે. આ લાગવાનું કારણ જાણી શકાયું નથી. નોંધનીય છે કે, પોરબંદરના ઓળદર નજીક આવેલા જુરીના જંગલમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફેરવી દીધું છે.
