મોટે ભાગે ધાર્મિક તહેવારો નિમિત્તે મેળા ભરાય અને આવા મેળામાં અમે બાળપણથી જતાં, ચગડોળ, રમકડાં, કપડાં, ઘરવખરી વગેરેની દુકાનો સહિત જુદા જુદા સ્ટોલ લાગતા અને મોતનો કૂવો જાદુ વગેરે ખેલ જોવાનો અનેરો આનંદ આવતો પણ એમાં એક વધારાનું આકર્ષણ પાપ-પુણ્યનો સ્ટોલ હતો. હલનચલન કરતાં યાંત્રિક પૂતળાંઓની મદદથી પ્રેક્ષકોને આપણા સનાતન ધર્મનો સહારો લઈ ક્યું પાપ કરવાથી નરકમાં કેવી શિક્ષા થાય છે અને પુણ્ય કરવાથી કેવું સુખ મળે છે તે દર્શાવવામાં આવતું હતું.
આ સ્ટોલના પ્રદર્શનથી મગજ પર ચોક્કસ ઘેરી અસર થતી કારણકે સનાતન ધર્મના સંસ્કારથી આપણો ઉછેર થયો હોય છે. પાપ કરવા સામે મગજમાં જાણે અજાણે ડર પેસી જતો, સમાજની નીતિમત્તા જાળવવામાં આવા સ્ટોલનો ફાળો હતો. આજે વિજ્ઞાનયુગ છે. ધર્મનું નિકંદન કાઢવા કેટલાંક તત્ત્વો મેદાને પડયાં છે. લોકોના મનમાંથી અનૈતિક કૃત્યનો ડર ખતમ કરી દેવામાં આવ્યો છે. પરિણામે આજે લોકો કોઈ પણ જાતના સંકોચ વગર ખરાબ કૃત્યો કરતાં થઈ ગયાં છે. લોકો અનિષ્ટ પરિણામનો ડર રાખતાં નથી. આપણે જે કાંઈ કરીએ છીએ તેનાં પરિણામ ભોગવ્યે છૂટકો છે. મેળા ભરાય કે ન ભરાય આપણાં હૃદયમાં નીતિમત્તાનો મેળો હંમેશા ભરાયેલો રહેવો જોઈએ.
સુરત – ધનસુખભાઈ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અન્નનો બગાડ
આજકાલ દેખાદેખીનો જમાનો છે. પોતાને પોષાય કે ન પોષાય દેવું કરીને પણ લગ્ન પ્રસંગ ધામધૂમથી ઉજવવો છે. ત્રણ ચાર દિવસ ચાલતા ફંકશન દરેક ઈવેન્ટમાં એક સરખા રંગનાં કપડાં, ડી.જે.નું ઘોંઘાટિયું વેલકમ ડ્રીંક, પછી આવે સ્ટાર્ટર, આ બંનેની ટ્રે આમંત્રિતોમાં સતત ફરતી જ હોય એટલે ઘણી ખરી વ્યક્તિ બે-ત્રણ વખત એનો લાભ લે. ત્યાર પછી બે-ત્રણ જાતનાં સુપ-ફાસ્ટફુડના ચાર-પાંચ કાઉન્ટર પછી આવે મેઈન કોર્સ તેમાં ચટણી-સલાડની વિવિધતા પછી મેઈન કોર્સની વાનગીઓની ભરમાર હવે તો થાઈ-મેકસીકન-ઈટાલિયન વિ.નો પણ ઘણા પ્રસંગોમાં સમાવેશ થાય છે. બાકી હોય તો હવે મિલેટનો પ્રચાર થયો છે.
જમનારાં એનો સ્વાદ લે. ભાવે તો ઠીક નહીં તો ડીશ મૂકી દેવાની. આમંત્રિતો કેટલું ખાઈ શકે? અનાજનો નર્યો બગાડ અને વૈભવનું નર્યું પ્રદર્શન. છેલ્લે બે-ત્રણ જાતના આઈસ્ક્રીમ. પાર્ટી પ્લોટ પણ ઘણા મોટા હોય, કાઉન્ટરો પણ આઘા-આઘા હોય. ઘણાં સ્થળોએ જમીન પણ ઉબડખાબડ હોય. ઉપર કાર્પેટ પાથરી હોય એટલે ખાડો હોય તો ખબર પણ નહીં પડે. બુફેની ડીશ કરતાં વાનગીઓ વધારે એટલે એ ડીશ લઈને ચાલવું પણ મુશ્કેલ લાગે. પહેલાંના વખતમાં પંગતમાં જમણવાર થતા ત્યારે છેલ્લે ‘‘છાંયડું’’ ઉઘરાવવા આવતા અને એ વાનગીઓ ભિખારીઓ તથા ગરીબોને અપાતી. આજે તો ડીશો સીધી ડસ્ટબીનમાં જતી રહે એટલે વધેલી વાનગીઓ કોઈના પેટ સુધી પહોંચી નહીં શકે.
સુરત – પલ્લવી ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.