સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 6 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. બંને પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી મોડી જાહેર કરવામાં આવતા છેલ્લી ઘડી સુધી પસંદગી પામેલા ઉમેદવારો દોડતા રહ્યાં હતાં. ઉતાવળમાં અને ઉતાવળમાં કેટલાંક કોંગ્રેસી ઉમેદવારોએ જે ભૂલ કરી છે તેના કારણે અનેકના ફોર્મ રદ થાય તેમ છે. આજે સોમવારે સ્ક્રૂટિનીનો દિવસ છે અને ચૂંટણી (Election) પહેલાં જ કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટે ભાજપનું (BJP) લિગલ સેલની ટીમ એક્ટિવ થઇ ગઇ છે અને આવતી કાલે તેઓ જુદા જુદા મુદ્દે વાંધો રજૂ કરવાના મૂળમાં છે.
કોંગ્રેસના ઉમેદવારોએ કરેલી ભૂલો
(1) એક ઉમેદવારનું મતદાર યાદીમાં નામ અડાજણ વિસ્તારમાં છે પરંતુ તેનું જૂનું ઘર કોટ વિસ્તારમાં હોવાથી તેણે ત્યાંથી ફોર્મ ભર્યું છે. એટલું જ નહીં એફિડેવિટમાં પણ આ વિગત દર્શાવી નથી.
(2) એક ઉમેદવાર તો એવા છે કે જેમણે એફિડેવિટ તો કરી છે પરંતુ તેમાં સહી કરવાનું જ ભૂલી ગયા છે એટલે આ મુદ્દે તેમનું ફોર્મ કેન્સલ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાઇ રહી છે.
(3) એક ઉમેદવાર એવા છે કે તેમણે તેમના ટેકેદાર તરીકે જેમનું નામ લખ્યું છે તે વિધાનસભાની મતદાર યાદીમાં નામ ધરાવે છે અને સુરત મહાનગર પાલિકાની નવી યાદીમાં તેમનું નામ જ નથી.
(4) એક ઉમેદવાર એવા છે કે તેમણે તેમની એલઆઇસી પોલિસી હોવાની વિગત આપી છે પરંતુ કેટલા રૂપિયાની પોલિસી છે તે વિગત દર્શાવવાનું જ ભૂલી ગયા છે એટલે આ પણ એક મુદ્દો છે.
ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ
સુરત: સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે ગતરોજ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા સંપન્ન થયા બાદ જિલ્લા ચૂંટણી તંત્રએ ઉમેદવારો અંગે આપેલી માહિતી પ્રમાણે કુલ 540 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે. જેમાં મુખ્ય રાજકીય પક્ષો ભાજપના 120, કોંગ્રેસના 119 અને આપના 116 ઉમેદવારોએ મેન્ડેટ સાથે ઉમેદવારીપત્રો ભર્યા છે. આગામી મંગળવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ મુદત છે, એ પછી ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
ગતરોજ મોડી રાત સુધી ઉમેદવારીની પ્રક્રિયા તેમજ વર્ગીકરણની પ્રક્રિયા ચાલી હતી. એ પછી દરેક રિટર્નિંગ ઓફિસરોએ રાજકીય પક્ષના ઉમેદવારો તેમજ અપક્ષ તથા અન્ય પક્ષોના ઉમેદવારોનું વર્ગીકરણ શરૂ કર્યું હતું. મુખ્ય રાજકીય પક્ષો બાદ સુરતમાં અપક્ષોએ ભરેલા ફોર્મ કુલ ફોર્મની સંખ્યા 91 થઇ છે. મુખ્ય રાજકીય પક્ષો ભાજપા, કોંગ્રેસ અને આપને બાદ કરતા અન્ય રાજકીય અને પ્રાદેશિક પક્ષો મળીને કુલ 94 ઉમેદવારીપત્રો સુરતની જુદી જુદી બેઠકો માટે મળ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 120 નગરસેવકોની બેઠક માટે 1288 ફોર્મ મળ્યા છે. હવે આગામી મંગળવારે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ મુદત બાદ સ્થિતિ ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારોના નામ બેલેટ પેપર પર આવશે.
સૌથી વધુ 11 અપક્ષ ઉમેદવારીપત્રો વોર્ડ નં.27 ડીંડોલી દક્ષિણમાં ભરાયા
ડીંડોલી દક્ષિણ વિસ્તારમાં એટલે કે સુરત મ્યુનિસિપલ વોર્ડ નં.27 એવો વોર્ડ છે કે જ્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 20 વોર્ડ પૈકી સૌથી વધુ 11 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે. આ વોર્ડમાં ચૂંટણી જંગ બહુપાંખીયો થાય તેવી શક્યતા જોવાય રહી છે.
વોર્ડ નં. 6, 7, 11 અને 16માં એકપણ અપક્ષ ઉમેદવારો નહીં
ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા બાદ એવી પણ વિગતો સપાટી પર આવી છે કે ચાર વોર્ડમાં એક પણ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા નથી. આ ચાર વોર્ડમાં, વોર્ડ નં.6 કતારગામ, વોર્ડ નં.7 કતારગામ વેડ, વોર્ડ નં.11 અડાજણ ગોરાટ અને વોર્ડ નં.16 પૂણા પશ્ચિમ વિસ્તાર એવા વોર્ડ વિસ્તાર નો સમાવેશ થાય છે, જ્યાં એકપણ અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી.
જહાંગીરપુરા-વરીયાવ વોર્ડમાં સૌથી વધુ 28 ઉમેદવારો
જહાંગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ વિસ્તાર ધરાવતા સુરત મ્યુનિસિપલ વોર્ડ નં.1 એવો વોર્ડ છે જેમાં કુલ 28 ઉમેદવારો એ ઉમેવદારીપત્રો ભર્યા છે. આ વોર્ડમાં તમામ ઝોન કરતા સુરતમાં સૌથી વધુ ઉમેદવારીપત્રો ભરાયા છે. 28 ઉમેદવારીપત્રોમાં અન્ય રાજકીય પાર્ટીઓના 10 અને 6 ઉમેદવારો અપક્ષ હોવાનું જાણવા મળે છે. સૌથી ઓછા ઉમેદવારો વોર્ડ નં.4, વોર્ડ નં.6 અને વોર્ડ નં.11માં નોંધાયા છે.