ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લા પંચાયતની ૩૪ તેમજ જિલ્લાની નવ તાલુકા પંચાયતોની ૧૮૨ ઉપરાંત જિલ્લાની ચાર નગર પાલિકાની ૧૩૨ બેઠકો માટે ૨૮ મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ગત ચૂંટણીના ૮.૨૨ લાખ કરતા આ વખતે ૧.૦૭ લાખ મતદારોનો વધારો થયો છે. જેમાં ૧૨ ટકા પુરૂષો અને ૧૪ ટકા મહિલા મતદારોની સંખ્યામાં વધારો થયો છે. ભરૂચ જિલ્લામાં પંચાયતોની ચૂંટણી માટે ૯.૩૦ લાખ મતદારો નોંધાયેલાં છે. જિલ્લા પંચાયતની ૩૪ અને તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકોના મતદાન માટે ૧,૧૧૬ મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
૨૦૧૫ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Election) કુલ ૪.૨૯ લાખ પુરૂષ મતદારો જ્યારે ૩.૯૩ લાખ મહિલા મતદારો નોંધાયાં હતા. જેની સામે આ ચૂંટણીમાં ૧૨ ટકા સાથે ૪.૮૧ લાખ પુરૂષ અને ૧૪ ટકા સાથે ૪.૪૮ લાખ મહિલા મતદારો નોંધાયા છે. ભરૂચ જિલ્લાની નવ તાલુકા પંચાયતના મતદારોની સંખ્યા પર નજર કરીએ તો સૌથી વધુ ભરૂચ તાલુકાની ૩૦ બેઠકો માટે ૨,૧૭,૬૫૦ મતદારો છે, તો હાંસોટ તાલુકાની ૧૬ બેઠકો માટે સૌથી ઓછા ૪૮,૦૦૩ મતદારો નોંધાયા છે.
બારડોલી ભાજપમાં ભારે ઘમાસાણ
બારડોલી: (Bardoli) સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બારડોલી ભાજપમાં ભારે ઘમાસાણ મચી છે. સંનિષ્ઠ નેતાઓ દ્વારા નો રિપીટેશનની માગ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ મોવડી મંડળ કેટલીક બેઠકો પર રિપીટેશન ફોર્મ્યુલા અપનાવવા જઈ રહ્યું હોવાની વાતને લઈ પક્ષમાં જ ખાસ્સી નારાજગી જોવા મળી રહી છે. પૂર્વમાં નેતાઓએ વાવેલા વિકાસના બીજોના આજે ફળ ચાખવા મળી રહ્યા છે ત્યારે જો ગત ટર્મના શાસકોને રિપીટ કરવામાં આવે તો નગરજનોને વિકાસના બીજની જગ્યાએ બાવળના કાંટા જ હાથમાં આવશે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
બારડોલી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાંથી દાવેદારોનો રાફડો ફાટ્યો છે. મોવડીમંડળ દ્વારા 60 વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મથી વધુ સમયથી ઉમેદવારી કરનારને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આ નીતિને કારણે પહેલાથી જ ભાજપમાં ભાળેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ખુદ પૂર્વ પ્રમુખોએ પણ મોવડી મંડળને પત્ર લખી નગરસેવકોને રિપીટ ન કરવાની માંગ કરી છે. આવા સમયે પક્ષમાં મોટો ભડકો થવાની સંભાવના છે. કેટલાક વોર્ડમાં તો રીતસરની બેઠક કરી રિપીટ ન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. લોકોનું કહેવું છે કે વર્ષો જુના કાર્યકરો દ્વારા નગરમાં વિકાસના આંબા રોપવામાં આવ્યા હતા જેના ફળ આજે નગરજનોને મળી રહ્યા છે. જ્યારે ગત ટર્મના શાસકોની અંદરોઅંદરની લડાઈ જોઈને નગરજનોને પણ આ શાસકોને ફરી રિપીટ કરાય તો આંબાની જગ્યા બાવળ ઉગવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.