કવાંટ એમજીવીસીએલ કચેરીએ ૭૦થી વધુ ખેડૂતો દ્વારા ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર આપવામાં આવ્યું
કવાંટ તાલુકાના ભેખડિયા ગામે સબ ડિવિઝન માંથી દસ દિવસથી ખેતી માટે વીજ પુરવઠો ન મળતા આજરોજ કવાંટ એમજીવીસીએલ કચેરીએ ૭૦ થી વધુ ખેડૂતો દ્વારા ડેપ્યુટી એન્જિનિયર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કવાંટ એમજીવીસીએલ કચેરીમાં ભેખડીયા સબ ડિવિઝન માંથી ખેતી માટે વીજ પુરવઠો છેલ્લા દસ દિવસથી ન મળતા કવાંટ તાલુકાના ખાંડનીયા , નળવાટ, થાંભલા, નાકવિંધ્યા, ખરમડા, વાકાનેર , ઉસેલા ગામના ૭૦થી વધુ ખેડૂતો કવાંટ વીજ કચેરીમાં લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવા માટે પહોચ્યા હતા. ત્યારે કવાંટ એમજીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયર હકીમુંદીન ચલવાલા દ્વારા જણાવાયુ હતું કે ભેખડીયા ફીડરમાંથી નવા બીજા ૨૨ પોલ ઉભા કરીને તમારી સમસ્યાનો દસ દિવસમાં ઉકેલ લાવવામાં આવશે . પરંતુ તેના માટે તમારા ગામોના દરેક નાગરિકનો સહયોગ જરૂરી છે. આપના ગામના લોકોનો સહયોગ મળશે તો આ સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવામાં આવશે. કેટલાક અસામાજિક તત્વો આવી લાઈનો પર છેડછાડ કરે છે. જેના કારણે આ લાઈનો પર વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે. જેથી ગામના તમામ નાગરિકોએ આ બાબતે પણ સજાગ થવું જોઈએ. નહિતર આવા અમુક લોકોના કારણે તમામ ખેડૂતોને વીજ પુરવઠો મળતો નથી અને તેઓ ના ખેતરનો ઉભો પાક પાણી ન મળતા સુકાઈ જાય છે તેમ ડેપ્યુટી એન્જિનિયર હકીમુંદીન ચલવાલાએ તમામ ખેડૂતોને જણાવ્યુ હતું. નળવાટ માજી સરપંચ ઇશ્વરભાઇ રાઠવાએ જણાવ્યુ હતુ કે અમને ખેતીની આઠ કલાક વીજળી સાથે ખેતરમાં રહેતા ખેડૂતોને સિંગલ ફેજ લાઈન પણ આપવામાં આવે, જેથી કરીને રાત્રી દરમિયાન લાઇટોની સુવિધા મળી રહે.
