અગાઉ વિશ્વામિત્રી પ્રોજેક્ટ વિવાદમાં ગુજરાત સરકારને નિર્ણય લેવો પડ્યો હતો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમભંગ કરનાર મેહુલ કન્સ્ટ્રક્શનને ડિસ્કોલીફાઈડ કરાયા બાદ રાજકીય દબાણ
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટનો વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યા બાદ ખોરંભે પડ્યો, એવામાં હવે ભૂખી કાંસના ડાયવર્ઝન અને ઊંડીકરણના પ્રોજેક્ટ પર રાજકીય ઉથલપાથલ શરૂ થઈ છે. શહેરના ઉત્તર વિભાગમાં આવેલા ભૂખી કાંસ પ્રોજેક્ટ માટે રૂ. 40 કરોડનો અંદાજી ખર્ચ રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં માત્ર એક જ કોન્ટ્રાક્ટર, મેહુલ કન્સ્ટ્રક્શને આ ટેન્ડરમાં ભાગ લીધો હતો, પરંતુ નિયમોનું પાલન નહીં કરતા તેને કોર્પોરેશન દ્વારા ડિસ્કોલીફાઈડ કરી દેવામાં આવ્યો. જોકે, મેહુલ કન્સ્ટ્રક્શનને કોણ લાવવા માંગે છે, તે મુદ્દે હવે ભાજપની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે.
કોર્પોરેશનના નિયમો અનુસાર, ટેન્ડરમાં ભાગ લેવા માટે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટરના કામનો અનુભવ જરૂરી હતો. મેહુલ કન્સ્ટ્રક્શન આ પ્રકારનું પ્રમાણપત્ર રજૂ કરવામાં નિષ્ફળ ગયું. એટલું જ નહીં, ટેન્ડર ફી અને બેંક ગેરંટીના ઓનલાઈન નોંધપોથીમાં પણ અનિયમિતતાઓ જોવા મળી. આ કારણોસર કોર્પોરેશને કાયદેસર રીતે તેને ડિસ્કોલીફાઈ કર્યું. પણ, ભાજપના એક અગ્રણીને આ જાણકારી મળતાં તેમણે મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓ પર દબાણ લાવ્યું કે મેહુલ કન્સ્ટ્રક્શનને કોઈપણ સંજોગોમાં ક્વોલિફાઈડ કરવામાં આવે.
ભૂખી કાંસના ડાયવર્ઝન અને ઊંડીકરણનો વિવાદ અગાઉથી જ વણસતો આવ્યો છે. ભારે વરસાદના સમયમાં ભૂખી કાંસમાંથી નીકળતા પાણી અને તટવર્તી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થતી હોવાથી આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો છે. જોકે, ટેન્ડરની આ વિવાદિત પ્રક્રિયા કારણે પ્રોજેક્ટ ફરી એકવાર અટવાઈ શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠરાવાયેલા નિયમો તોડવા દબાણ થવું, એક ચિંતાજનક પરિસ્થિતિ છે. જો ટુંકા ગાળામાં આ ટેન્ડર ફરીથી બહાર ન પડે તો વડોદરાના ઉત્તરીય વિસ્તારમાં રહેતા નાગરિકોને આગામી ચોમાસામાં ફરી તકલીફો વેઠવી પડી શકે છે.
અગાઉ વિશ્વામિત્રી પ્રોજેક્ટ વિવાદમાં ગુજરાત સરકારને જલદી નિર્ણય લેવો પડ્યો હતો. હવે ભૂખી કાંસ મુદ્દે પણ જો સમયસર રાજકીય દબાણના વિરુદ્ધ કોર્પોરેશન પોતાનો નિર્ણય નહિ લે તો આગામી સમયમાં પ્રોજેક્ટ પાછળ વધુ વિલંબ થશે અને નાગરિકોની હાલત વધુ કફોડી બનશે.