ગુજરાતમાં આદિવાસીઓની જમીન પચાવી પાડવામાં આવે છે. આદિવાસીઓની સંસ્કૃતિ ખતમ કરી નાખવામાં આવે છે. દેશમાં સૌથી વધુ સ્થળાંતર આદિવાસીઓએ કર્યા છે. સિડ્યૂલ્ડ 5નું અમલીકરણ થતું નથી. આદિવાસીઓની લડાઈ ભાજપ કે કોંગ્રેસ નહિ પણ છોટુભાઈ વસાવા જ લડી શકે તેમ બિટીપી સાથે ગઠબંધન થયા બાદ ગુજરાતના પ્રવાસે આવેલા એઆઈએમઆઈએમના સુપ્રિમો અસઉદ્દીન ઓવૈશીએ ભરૂચની મનુબર ચોકડી ખાતે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતં કે, ગુજરાતમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે તે બંધારણની વિરૂદ્ધમાં છે.
બિટીપી અને એઆઈએમઆઇએમના ગઠબંધન દ્વારા ભરૂચની મનુબર ચોકડી ખાતે જાહેરસભાનું આયોજન થયું હતું. જોકે સવારે 10:30 કલાકે શરૂ થનાર જાહેર સભા ત્રણ કલાક મોડી શરૂ થઈ હતી. બિટીપીના સુપ્રિમો છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશભાઈ વાસવાની ઉપસ્થિતિમાં શરૂ થયેલી જાહેરસભામાં ઓવૈશીએ કહ્યું હતું કે આ ગઠબંધન માત્ર ચૂંટણી પૂરતું નથી.
આદિવાસીઓની જમીન ન છીનવાય, દલિતો પર અત્યાચાર ન થાય, સંવિધાનના હક્કો મળે તે માટે ગઠબંધન છે તેમ કહી ઓવૈશીએ ઉમેર્યું હતું કે આઝાદી, સમાનતા, ન્યાય, ભાઈચારો મેળવવો હોય તો તમારા ભવિષ્યનો નિર્ણય તમારે જાતે જ કરવો પડે અને તમે તમારો નિર્ણય ત્યારે જ કરી શકો જ્યારે તમારી પાસે રાજકીય તાકાત ઉભી થાય. આવી તાકાત જ્યારે આવશે ત્યારે ગુજરાતમાં મોદીનો દર રહેશે નહીં. છોટુભાઈ સાથે મળી આ લડાઈ લડવા અહીં આવ્યા છે અને અમારી લડાઈ સંવિધાન બચાવવાની છે.