Comments

વધુ બાળકો પેદા કરો : આંધ્રપ્રદેશ અને તમિલનાડુની નવી નીતિ

આર. એસ. એસ.નાં વાળા મોહન ભાગવતે કહેલું કે દરેક હિન્દુએ બેથી વધુ બાળકો પેદા કરવાની જરૂરત છે નહિ તો ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. આ નિવેદને ચર્ચા જગાડી હતી. પણ હવે બે રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ આવી જ વાત કરી છે અને ચર્ચા ફરી શરૂ થઇ છે. આંધ્ર અને તામીલનાડુના મુખ્યમંત્રીઓ આ માટે કાયદા બદલવા માંગે છે. આ વિષે ગંભીરતાથી ચર્ચા થવી જરૂરી છે પણ કમનસીબે થતી નથી.

ભારતની વસ્તી ચીનથી આગળ નીકળી ગઈ છે. ૧૪૦ કરોડનો આંક વટાવી ગઈ છે અને ૨૦૩૬માં વસ્તી ૧૫૨ કરોડ થઇ શકે છે. પણ સાથે એક વાત નોંધવા જેવી છે કે, ભારતમાં પ્રજનન દર ઘટતો જાય છે. ૧૯૫૦માં જે પ્રજનન દર ૭ બાળકોનો હતો એટલે કે, એક મહિલા સાત બાળકોને જન્મ આપતી હતી. આજે એ દર ૨ ટકા આસપાસ થઇ ગયો છે. ૨.૧ ટકા પ્રજનન દર છે. એનાથીય આગળ જઈને વાત કરીએ તો દક્ષિણનાં પાંચ રાજ્યોમાં પ્રજનન દર રાષ્ટ્રીય દર કરતાં પણ નીચો છે. ૨ ટકાથી નીચે છે. આ સ્થિતિમાં થોડાં વર્ષો બાદ એટલે દેશની આઝાદીને ૧૦૦ વર્ષ પૂરાં થશે ત્યાં સુધીમાં ડેમોગ્રાફિક લાભ અત્યારે મળી રહ્યા છે એ ખતમ થઇ જશે અને આજે ભારત યુવા દેશ છે એ વૃદ્ધોનો દેશ બની જશે.

આ જ કારણે આંધ્રપ્રદેશ અને તામિલનાડના મુખ્યમંત્રીઓ કહે છે કે, વધુ બાળકો પેદા કરો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચન્દ્રાબાબુ નાયડુએ તો બે બાળકોથી વધુ હોય એવાં લોકોને સ્થાનિક ચૂંટણીઓમાં ભાગ ના લેવા દેવાનો કાયદો રદ કરી નાખ્યો છે અને હવે એવો કાયદો કરવા માગે છે કે, બે બાળકોથી વધુ બાળકો હોય એવાં લોકોને જ ચૂંટણીનો હક અપાશે. તો તામીલનાડુના મુખ્યમંત્રી સ્તાલીને એમ ક્હ્યું છે કે, ૧૬-૧૬ બાળકો પેદા કરો. એમણે એમ કહ્યું કે, પહેલાં દંપતીને સોળ સંતતિના આશીર્વાદ અપાતા હતા. હવે સોળ બાળકોના આશીર્વાદ આપવા જોઈએ.

એ વાત સાચી છે કે, ચીનમાં બાળકો મુદે્ કડક કાયદાઓ હતા. એક જ બાળક પેદા કરવાનો કાયદો હટ્યો એમાં ૨૦૨૧માં સુધાર કરી બે બાળકો કરવા છૂટ અપાઈ. રશિયાના રાષ્ટ્રપતિએ પણ ૮ બાળકો પેદા કરવા મહિલાઓને સલાહ આપી છે. ઘણા દેશોમાં પ્રજનન દર ઘટ્યા બાદ વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. એ દશા ભારતમાં થઇ શકે છે.પણ સવાલ એ છે કે, વધુ બાળકો પેદા કર્યા બાદ એની પરવરિશનું શું? આજે બાળકો મોટાં કરવાં આસાન નથી અને એટલે જ દંપતીઓ એક બાળક પેદા કરે છે અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનાં પગલાં મુદે્ કોઈ પક્ષ કાંઈ બોલ્યું નથી. ભાજપ પણ મૌન છે.

હા, એ વાત સાચી છે કે, પ્રજનન દર ઘટે એટલે જે તે રાજ્યની વસ્તી ઘટે અને એનાથી રાજ્યને કેટલુંક નુકસાન થઇ શકે છે. જેમ કે નવું સીમાંકન થવાનું છે અને એ કારણે યુપી બિહાર જેવાં રાજ્યોને વસ્તી પ્રમાણે બેઠકો વધુ મળશે અને દક્ષિણનાં રાજ્યોને ઘટશે અને બેઠકો ઘટશે એટલે પ્રતિનિધિત્વ ઘટશે. રાજ્યને કેન્દ્ર દ્વારા મળતી મદદ પણ ઘટી શકે છે. આ પ્રશ્નો છે પણ એ વિષે કોઈ ફોડ પાડતું નથી. એટલે આ વિષયે વ્યાપક ચર્ચા જરૂરી છે.

રાજ્યો માટે સમાન નાગરિક ધારો ભાજપ અને સંઘના એજન્ડામાં ક. ૩૭૦ , તલાક નાબૂદી અને સમાન નાગરિક ધારો રહ્યાં છે. એમાંથી પહેલાં બે તો પૂરા થઇ ગયા છે અને હવે સમાન નાગરિક ધારા પર કામ થઇ રહ્યું છે. કેન્દ્ર દ્વારા આ કાયદો લવાવો જોઈએ પણ એમાં સમસ્યાઓ થઇ શકે એમ છે એટલે ભાજપે બીજો રસ્તો અપનાવ્યો છે અને રાજ્યોની વાટે આ કાયદો દાખલ થઇ રહ્યો છે.ઉત્તરાખંડમાં સમાન નાગરિક ધારો અમલમાં આવી ગયો છે. દેશનું એ પહેલું રાજ્ય બન્યું છે અને ત્યારે જ સવાલ ઊઠતો હતો કે, ગુજરાત તો ભાજપ માટે આદર્શ રાજ્ય રહ્યું છે. હિન્દુત્વની લેબોરેટરી રહ્યું છે તો ત્યાં કેમ કાયદા વિષે વાત થતી નથી. અગાઉ વાત તો થઇ હતી પણ પછી એ દિશામાં કોઈ પગલું લેવાયું નહોતું. પણ હવે જાહેરાત થઇ છે. એક સમિતિની રચના થઇ છે અને એ ૪૫ દિવસમાં અહેવાલ આપશે બાદમાં એ અહેવાલના આધારે યુસીસીનો અમલ શરૂ કરાશે.

આમ તો આવો કાયદો કેન્દ્ર સરકાર દ્વારા લવાતો હોય છે. એ રાજ્યોનો અધિકાર છે કે કેમ? એ અંગે સવાલ ઉઠાવ્યા છે. શક્ય છે કે આ મુદે્ કાનૂની લડત પણ થાય. પણ ભાજપ સ્પષ્ટ છે કે, એ પોતાની સત્તા જે રાજ્યોમાં છે ત્યાં આ કાયદો જરૂર લાવશે. ગુજરાત પછી કયું ભાજપ શાસિત રાજ્ય છે જે જાહેરાત કરે છે એ જોવાનું છે. મહત્ત્વનો મુદો્ એ પણ છે કે, ગુજરાતે આ કાયદો અમલમાં આવે પછીય એ આદિવાસીઓને લાગુ નહિ પાડવામાં આવે. આવું શા માટે? એનો ગળે ઊતરે એવો ખુલાસો પણ થવો જોઈએ. આમ તો ફોજદારી કાયદો તો બધા માટે સમાન છે. પણ લગ્નો અને સંતતિ મુદે્ અલગ અલગ કાયદા છે.

આદિવાસીઓની વાત કરીએ તો તેઓ તેમના રિવાજોમાં કોઈ ફેરફાર ઇચ્છતા નથી. અહીં ત્રણ પ્રકારનાં લગ્ન થાય છે. લગ્ન પહેલાં, છોકરાનો પરિવાર છોકરીના પરિવારને ત્રણ વખત મળે છે જેથી લગ્નનો સોદો નક્કી કરી શકાય. આ લગ્નોમાં દહેજની કોઈ જોગવાઈ નથી. વરરાજાના પરિવાર લગ્નનો બધો ખર્ચ ઉઠાવે છે. આ લગ્ન આખા ગામની દેખરેખ હેઠળ થાય છે. આદિવાસી સમુદાયોમાં પૈથુ પરંપરા છે.

આ પરંપરા હેઠળ, જો કોઈ છોકરીને કોઈ છોકરો ગમે છે, તો તે લગ્ન કર્યા વિના તેના ઘરે રહેવાનું શરૂ કરે છે. બાદમાં લગ્નને તમામ આદિવાસી રિવાજો અને વિધિઓ સાથે ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવે છે. આદિવાસીઓમાં વિધવા પુનર્લગ્ન સામાન્ય છે. સામાન્ય રીતે દીકરીઓને તેમના પિતાની મિલકત પર અધિકાર હોતો નથી કારણ કે તેઓ લગ્ન પછી બીજા ઘરમાં રહે છે. પરંતુ જો કોઈ પિતાને ફક્ત પુત્રીઓ હોય તો વારસો પુત્રીઓમાં સમાન રીતે વહેંચવામાં આવે છે. રાજ્ય સરકારે એવું વચન આપ્યું છે કે, ઉત્તરાખંડની જેમ જ ગુજરાતમાં પણ આદિવાસીઓના અધિકારો સુરક્ષિત રહેશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top