ત્રણ પૈકી એક નશામાં ચુર થઇ કાર ચલાવતા હોય અન્ય ગાડી સાથે અકસ્માત કર્યો
પોલીસ કર્મી અને બે યુવકો માંજલપુર ખાતે લગ્ન પતાવી મળસ્કે પરત જતા હતા
પ્રતિનિધિ વડોદરા તા.7
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો ગનમેન અન્ય બે યુવકો સાથે માંજલપુરમાં લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. પ્રસંગમા પાર્ટી કરીને પોલીસ કર્મી સહિત ત્રણ જણા નશાની હાલતમાં મળસ્કે પરત જઇ રહ્યા હતા. તે દરમિયાન રાજમહેલ રોડ પર નશેબાજ ચાલકે અન્ય કાર સાથે અકસ્માત કર્યો હતો. જેથી નવાપુરા પોલીસે ગનમેન સહિત ત્રણ લોકો વિરુદ્ધ અકસ્માત અને પીધેલાનો કેસ કરી તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદની વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી આયોજનગર સોસાયટીમાં રહેતા કમલેશસિંહ નરવતસિંહ રાઠોડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગનમેન તરીકે ફરજ બજાવે છે. કમલેશસિંહ રાઠોડ, ધીરુ કિર્તીસિંહ ઝાલા તથા હિતેશકુમાર ઇશ્વર પટેલ સાથે માંજલપુર વિસ્તારમાં 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન પ્રસંગ હોવાથી આવ્યા હતા. દરમિયાન લગ્નમાં દારૂની પાર્ટી કરી હતી પ્રસંગ પતાવીને તેઓ મળસ્કે પરત અમદાવાદ જઇ રહ્યા હતા ત્યારે રાજમહેલ રોડ પર પોલો ક્લબ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્રણ જણા નશો કરેલી હાલતમાં હોય ધીરુ ઝાલાએ બેફામ રીતે કાર દોડાવતા આગળ જતી અન્ય કાર સાથે ધડાકાભેર અકસ્માત કર્યો હતો. જેમાં બંને કારને નુક્સાન પહોંચ્યું હતું સદનસીબે બંને કારમાં સવાર લોકોને કોઈ મોટી ઇજાઓ થઇ ન હતી. અન્ય કાર ચાલકે ફરિયાદ નોંધાવતા નવાપુરા પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ગનમેન સહિત ત્રણ લોકો વિરુદ્ધ અકસ્માત તથા પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.