હાલ દુનિયાભરનાં સમાચાર માધ્યમો અને સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર ચીનની AI ને લગતી એપ Deep seek જેણે તહેલકો મચાવી દીધો છે. ચીને Deep seek લોન્ચ કરી છે જેની અસર ખાસ કરીને અમેરિકા પર વધારે જોવા મળી છે. ચાઇનીઝ આ એપ જેવી લોન્ચ થઇ કે બીજી બાજુ અમેરિકન કંપની NVIDIA તેમજ AI ને રિલેટેડ કામ કરવાવાળી બીજી કંપનીઓના શેરો ધડામ કરતાં નીચે આવી ગયા હતા. અમેરિકાના પ્રમુખે પણ કહેવું પડ્યું કે ટેકનોલોજીની બાબતમાં દુનિયામાં આપણે નંબર વન છીએ તો આ બાબત આપણા માટે ખતરાની ઘંટી છે. ટૂંકમાં ચીન અમેરિકા અને અન્ય દેશોને ટેકનોલોજીમાં જોરદાર ટક્કર આપી રહ્યું છે. આમાં ભારત ઘણું પાછળ છે. આપણે ટેકનોલજીકલ સેવાઓ જરૂર આપીએ છીએ. આપણાં દેશમાં અભ્યાસ કરી વિદેશોમાં સ્થાયી થયેલાં ભારતીયો મોટી મોટી કંપનીઓમાં સીઇઓ ની સેવા આપે છે.
આપણા દેશમાં મેઇક ઈન ઈન્ડિયાની વાતો થાય છે. એક -દોઢ વર્ષ પહેલાં અમેરિકાની Open AI કંપનીના માલિક સેમ ઓલ્ટમેન ભારત આવ્યા હતા.એમને કોઈએ એક પ્રશ્ન પૂછ્યો કે શું ભારતનાં પ્રતિભાશાળી લોકો ભેગાં મળીને તમારી કંપની કરે છે એવું કંઇક કરી શકે? તો સેમ ઓલ્ટમેને જવાબ આપ્યો હતો કે અમારી સાથે તમારી સરખામણી શકય નથી. આ બાબતમાં અમે ખૂબ આગળ નીકળી ચૂક્યા છીએ. તમારા માટે આ અશક્ય છે. વાત સ્વાભિમાનની આવે ત્યારે તો અવશ્ય કંઈ કરી બતાવવું પડે. જેમ કે ચીને કરી બતાવ્યું. એને એ માટે આપણી સરકાર પણ પ્રયાસ કરે છે. સાથે સાથે ટેકનોલોજીમાં નવા ઈનોવેશન માટે ખાસ ભાર મૂકીને આપણી પોતાની ટેકનોલોજીથી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
સુરત – સુરેન્દ્રસિંહ જી. દેવધરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એસ. ટી. નિગમની પ્રશંસનીય સેવા
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ વર્ષોથી આમ જનતાની સલામત હેરાફેરી આવ જા કરવાની ઉપલબ્ધિને ખૂબજ સાહસપૂર્વક નિષ્ઠાથી નિભાવે છે! ખાનગી વાહનો કે જેઓ તગડું ભાડું વસુલે છે તેની સરખામણીએ સમય અને સલામતી માટે બસમાં જ મુસાફરી કરવા આગ્રહ રાખે છે. નિગમના વિભાગીય બસ ડેપોમાં નિયામક સંચાલક વગેરેની નિમણૂક કરી સમગ્ર વાહન વ્યવહાર માટે ડ્રાઈવર કન્ડક્ટર ભાઇ- બેનો અને મિકેનીકલ સ્ટાફ પોતાની ફરજ ખેલદિલીપૂર્વક નિભાવે છે. ગુજરાતભરમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર અનીતિના સિમાડા વધુ વિસ્તરતા જાય છે તે જોતાં અપવાદરૂપ સુરત શહેરની બસ સેવામાં ખાયકી-અનીતિના તાજા જ પ્રકરણ સિવાય નિગમમાં ક્યાંય પણ ખાયકીનું સામ્રાજ્ય બિલકુલ નથી. બસમાં કન્ડક્ટરની ફરજ નિભાવતા કર્મચારી ભાઇ-બેનોની સજાગતાને દાદ દેવી ઘટે. ટિકિટના મામૂલી નાણાં ગજવે ઘાલવાથી કાંઇ બંગલા તાણી બંધાય એવું તો નથી જ નથી. નિષ્ઠાવાન કન્ડક્ટર ભાઇ-બેનો બસમાં બે ત્રણ ચક્કર મારી, બુકીંગ મુજબ પેસેન્જરોની ગણતરી કરે, બૂમો પણ મારે ‘‘ટિકિટ લેવામાં કોઇ બાકી તો નથી ને!’’ આવી ચોક્કસાઇ, ખેલદિલી ફરજ પ્રત્યે સભાનતા નિષ્ઠા અન્ય ખાતાઓમાં પણ હોય તો જરૂર રામરાજ્ય આવે.
ઉમરપાડા – કનોજ મહારાજ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.