હાલોલ જીઆઇડીસીમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલા બનાવતી કંપનીઓ પર દરોડા પાડી હજારો કિલો પ્રતિબંધિત ઝભલા જપ્ત કરાયા હતા. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો.

હાલોલ જીઆઇડીસી ખાતે ઓછા માઇક્રોન ધરાવતી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ ઝભલા બનાવતી 600 થી 700 જેટલી નાની મોટી કંપનીઓ આવેલી છે. જે કંપનીઓમાં આજે સોમવારે સવારે 8:00 કલાકથી હાલોલ નગરપાલિકા તંત્ર, ગુજરાત પોલ્યુશન બોર્ડની ટીમ,હાલોલ મામલતદાર કચેરીની ટીમ, હાલોલ પોલીસની ટીમ સહિતની અનેક ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી છાપા મારવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સહિત ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ, હાલોલ મામલતદાર તેમજ હાલોલ પોલીસના અધિકારીઓની હાજરીમાં હાલોલ જીઆઇડીસીમાં રિન્કી ચોકડી, સાથરોટા રોડ તેમજ પનોરમાં ચોકડી નજીક આવેલા સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા વિવિધ પ્લાસ્ટિકના એકમો પ્લાસ્ટિકનો જથ્થો રાખતા વિવિધ ગોડાઉન સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ધારા ધોરણ મુજબ નક્કી કરાયેલા માઇક્રોન કરતાં પણ ઓછા માઇક્રોનના પ્લાસ્ટિકના ઝભલાની ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી.

જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 120 માઇક્રોનથી ઓછી જાડાઈના સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આવા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતી અનેક કંપનીઓના યુનિટોમાં તેમજ વિવિધ ગોડાઉનમાં કરાયેલ સામુહિક છાપામારીમાં બપોરે 12:00 વાગ્યા સુધીમાં 50 ટન એટલે કે 50,000 કિલો કરતા પણ વધુ પ્રતિબંધિત એવા ઓછી જાડાઈ ધરાવતા એટલે કે ઓછા માઇક્રોનના પ્લાસ્ટિકના સિંગલ યુઝ પ્રતિબંધિત ઝભલા ઝડપી પાડવામાં આવ્યા હતા જે ટ્રેક્ટરોમાં ભરીને હાલોલ નગરપાલિકા કચેરી પાસે આવેલા નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે લાવવામાં આવ્યા હોવાની માહિતી મળવા પામી છે.

જેમાં આજે સોમવારે સવારે 8:00 વાગ્યાથી અનેક કંપનીઓ અને ગોડાઉન પર દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જ્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝભલા બનાવતી કંપનીઓ સહિતના આવો જથ્થો છુપાવતા સ્થળોએ પૂર્ણ ચકાસણી હાથ નહીં ધરાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે તેવી માહિતી હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસ હિરલબેન ઠાકરે આપી હતી. જ્યારે આ દરોડા ની જાણ કેટલીક કંપનીઓના સંચાલકોને થતા તેઓ પોતાની કંપનીઓને શટરો પાડી ભાગી છુટ્યા હતા પરંતુ તેઓની કંપનીઓના તાળા તોડીને પણ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઢગલાના ચકાસણીની હાથ ધરાઈ હતી
