વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે જેની રાહ જોવાતી હતી તે ભાજપે આજે યાદી જાહેર કરી હતી. જેમાં 15 કાઉન્સિલરો માટે રિપિટ થિયરી અપનાવી છે. તેની સાથે 10 માજી કાઉન્સિલરોનો સમાવેશ કરાયો છે. ભાજપની નવી નીતિ મુજબ 60 વર્ષની ઉંમર તેમજ ત્રણ ટર્મ ચૂંટણી લડનારાની બાદબાકી કરી છે. પણ પરિવારવાદની નીતિને આધિન રહ્યા નથી.
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે ભાજપે 19 વોર્ડ માટે 76 ઉમેદવારોના નામો જાહેર કર્યા હતા. આ ઉમેદવારોમાં કેટલાક આયાતી ઉમેદવારને લઈને ભાજપના પાયાના કાર્યકરોમાં અસંતોષની લાગણી હતી અને શહેર પ્રમુખ ડો.વિજય શાહ તેમજ ભાજપ અગ્રણીઓએ કાર્યકર્તાઓને મનાવી લીધા હતા.
ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં વોર્ડ નં.1મા માજી ચેરમેન સતિષ પટેલ, વોર્ડ નં.3માં આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ શાહ, વોર્ડ નં.4માં અજીત દધિચ, વોર્ડ નં.5માં તેજલબેન વ્યાસ, વોર્ડ નં.6માં જયશ્રીબેન સોલંકી, હેમિષાબેન ઠક્કર, વોર્ડ નં.10માં નીતિન દોંગા, વોર્ડ નં.12માં રીટાબેન સિંઘ, મનિષ પગાર, વોર્ડ નં.14માં જેમલબેન ચોકસી, વોર્ડ નં.15માં પૂનમબેન શાહ, વોર્ડ નં.17માં નિલેશ રાઠોડ. વોર્ડ નં.18માં કલ્પેશ પટેલ (જય રણછોડ) અને વોર્ડ નં.19માં અલ્પેશ લિંમ્બાચિયા એમ કુલ 55ને રિપીટ કર્યા હતા.
જ્યારે વોર્ડ નં.13માં પરાક્રમસિંહ જાડેજા, વોર્ડ નં.4માં રાખીબેન શાહ, વોર્ડ નં.5માં માજી ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ, વોર્ડ નં.7માં મનોજ પટેલ (મંછો) બંદિશ શાહ, વોર્ડ નં.9માં સુરેખાબેન પટેલ, વોર્ડ નં.11માં ચિરાગ બારોટ, વોર્ડ નં.14માં નંદાબેન જોષી, વોર્ડ નં.15માં રણછોડભાઈ રાઠવા અને વોર્ડ નં.19માં હેમલતાબેન તડવી એમ 10ને ફરી ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે આ યાદી મુજબ 42 વર્તમાન કાઉન્સિલરોની બાદબાકી કરી હતી. જેમાં 60 વર્ષનો એજ રંગ, ત્રણ ટર્મ ચૂંટણી લડનારને ઘરભેગા કર્યા છે. જોકે, ક્યાંક પરિવારવાદ જોવા મળ્યો છે. ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના પુત્ર, મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક, તેની પત્ની અને પુત્રીને ટિકિટ ફાળવવામાં આવી નથી.