વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપા પ્રદેશ મોવડી મંડળે પરિવારવાદ નહીં ચલાવવાના મોટા બણગા ફૂંક્યા પછી પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલના ભત્રીજા જમાઈને વોર્ડ નં.17માંથી ટિકિટ ફાળવતાં પાયાના કાર્યકરોમાં રોષ ફેલાયો છે.
ભાજપ ગુરુવારે 76 ઉમેદવારોની યાદી જાહેર કરનાર હોઈ વોર્ડ નં.17ના પાયાના કાર્યકરોએ શૈલેષ પાટીલને ટિકિટ આપવાની વાત સામે આક્રોશ ઠાલવીને ભાજપા કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી અને શૈલેષ પાટીલને ટિકિટ અપાય તો 250 કાર્યકરો સાથે રાજીનામું આપી દેવાની ચીમકી આપી હતી. જોકે, રાજ્યમંત્રી યોગેશ પટેલે પ્રદેશમાં જાણ કરવાનું આશ્વાસન આપી કાર્યકરોને લોલીપોપ પકડાવી હતી.
સાંજે ભાજપે જાહેર કરેલી યાદીમાં સુરતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના જમાઈ શૈલેષ પાટીલના નામની જાહેરાત કરી હતી. શૈલેષ પાટીલએ કાર્યકરોમાં ફેલાયેલા રોષ બાબતે જણાવ્યું હતું કે, હું વર્ષોથી પાર્ટીમાં સક્રિય છું કેટલાંક કાર્યકરોએ વિરોધ કર્યો હતો પરંતુ તમામ કાર્યકરો પક્ષને સમર્પિત છે અને તેમને હું મનાવી લઈશ.
ગુરુવારે સવારથી જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ના ઉમેદવારો ના સંભવિત નામો ની ચર્ચા એ જોર પકડતા વોર્ડ 17 ના ભાજપના કાર્યકરોએ પહેલા સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી ને રજુઆત કરી હતી ત્યાર બાદ કાર્યકર્તાઓ ના ટોળાએ સયાજીગંજ ભાજપ કાર્યાલય ખાતે પહોંચી જઇ ; બંધ બારણે શહેર ભાજપ પ્રમુખ વિજય સાથે બેઠક કરી હતી.પ્રમુખે કાર્યકરતો ને આશ્વાસન આપ્યુ હતું કે આ બાબતે પ્રદેશ કક્ષા એ રજુઆત કરવામાં આવશે.આ અંગે વોર્ડ 17 ના પ્રમુખ રાજેશ માછી એ જણાવ્યું હતું કે વર્ષોથી ભાજપ માં કામ કરતા કોઈપણ કાર્યકર્તા ને ટિકિટ આપવી જોઈએ અને જો સુરતના ધારાસભ્યના પરિવારના સભ્યને ટીકીટ અપાશે તો વોર્ડ નંબર 17 ના તમામ કાર્યકર્તાઓ રાજીનામા આપી દેશે.
એક પાર્ટી પર થોડી છાપ મારી છે, બીજી ઘણી પાર્ટી છે : મધુ
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં પ્રદેશ મોવડી મંડળે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પરિવારવાદ નાબુદ કરતાં ભાજપના દિગ્ગજનેતાઓમાં અસંતોષ ફેલાયો છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તે પોતાના પુત્રને ટિકિટ નહીં આપવા બદલ નારાજી દર્શાવી છે. એક પાર્ટી પર છાપ થોડી મારી છે બીજી ધણી પાર્ટીઓ છે તેમ જણાવી પુત્રને ટિકિટ મળે તે માટે ગાંધીનગર જવાની તૈયારી બતાવી છે.
ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના પુત્ર માટે, મધુ શ્રીવાસ્તવે પુત્ર, પત્ની અને પુત્રી માટે ટિકિટ માગી હતી. પણ ભાજપમાં પરિવારવાદ નાબુદ કરીને એકને પણ ટિકિટ ફાળવી ન હોઈ દિગ્ગજ નેતાઓમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. આ બાબતે મધુ શ્રીવાસ્તવે બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, એક પાર્ટી પર થોડી છાપ મારી છે. બીજી ધણી પાર્ટીઓ છે.
મારા પુત્રએ વર્ષ 2015ની ચૂંટણીમાં વોર્ડ નં.15માંથી વડોદરા અને ગુજરાતમાં સૌથી વધુ મત મેળવ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા.
મારા પુત્રની ટિકિટ માટે ગાંધીનગર જઈને રજૂઆત કરીશ અને હજી બે દિવસ બાકી છે ત્યારે મને વિશ્વાસ છે કે, મારા પુત્રને ટિકિટ આપશે. નહીં આપે તો આગળ વિચારીશું, ભાજપે પરિવારવાદને અનુસરીને ટિકિટ નહીં આપતા તેને હું માનું છું પણ પુત્રી પારકી ધન હોય તે લગ્ન કરીને જતી રહેતા તેને ટિકિટ ફાળવવી જોઈએ.
ચંપલ પહેર્યાં વગર મહિલા કાર્યકરે રજૂઆત કરી
ભાજપના મહિલા કાર્યકર કોકીલા પવાર ટીકિટની માંગણી સાથે ભાજપના કાર્યાલયે ખુલ્લા પગે પહોંચ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, હું વર્ષોથી પક્ષમાં સક્રિય છું અને જો મને ટીકિટ આપવામાં ન આવે તો ભાજપ કાર્યાલયે ધરણા પર બેસી જઈશ. ભાજપના મહિલા કાર્યકર કોકીલા પવાર ટીકિટની માંગણી સાથે ભાજપના કાર્યાલયે ખુલ્લા પગે પહોંચ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, હું વર્ષોથી પક્ષમાં સક્રિય છું અને જો મને ટીકિટ આપવામાં ન આવે તો ભાજપ કાર્યાલયે ધરણા પર બેસી જઈશ. આગેવાનોએ તેમને સમજાવીને પરત કર્યા હતાં. આગેવાનોએ તેમને સમજાવીને પરત કર્યા હતાં.