Entertainment

સૈફ-કરીનાના ઘરમાં મધરાત્રે ચોર ઘૂસ્યો, સૈફ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરમાં સવારે 2.30 વાગ્યાની આસપાસ એક અજાણ્યો ચોર ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો.

હુમલાખોર સાથે ઝપાઝપી દરમિયાન તેના પર તિક્ષ્ણ હથિયાર વડે અનેક વાર હુમલો કરવામાં આવ્યો હતો. સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં છે, જ્યાં તેનું ઓપરેશન ચાલી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે તેના શરીર પર છરાના છ ઘા હતા. સૈફને ગરદન અને કરોડરજ્જુ પાસે ગંભીર ઈજા થઈ છે.

સૈફે ન્યુરો સર્જરી કરાવી છે. તેના શરીરમાંથી બેથી ત્રણ ઈંચ લાંબી તીક્ષ્ણ વસ્તુ કાઢી લેવામાં આવી છે. તે છરીનો એક ભાગ હોવાનું કહેવાય છે. હવે સૈફ અલી ખાન કોસ્મેટિક સર્જરી કરાવી રહ્યો છે. આ હુમલામાં સૈફ અલી ખાનના ઘરનો મદદગાર પણ ઘાયલ થયો હતો. ઘરના મદદગારને નાની મોટી ઈજાઓ થઈ છે.

સૂત્રોનું કહેવું છે કે ઘરમાં એક ડક્ટ હતી, જે બેડરૂમની અંદર ખુલી હતી. પ્રાથમિક તપાસમાં ચોર આ ડક્ટમાંથી ઘરમાં ઘુસ્યા હોવાની શક્યતા હોવાનું સામે આવ્યું છે.

લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડૉ. નીરજ ઉત્તમાણીએ જણાવ્યું કે એક અજાણ્યા વ્યક્તિએ સૈફ અલી ખાન પર અડધી રાત્રે બાંદ્રા સ્થિત તેમના ઘરે હુમલો કર્યો. સૈફને છ વાર હુમલો કરાયો હતો, જેમાંથી બે ઘા ખૂબ ઊંડા હતા. એક ઘા સૈફની કરોડરજ્જુ પાસે થયો છે. ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે અને કોસ્મેટિક સર્જન ડૉ. લીના જૈનના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમ તેમના પર ઑપરેશન કરી રહી છે.

આ ઘટના બાળકોના રૂમમાં બની હતી
સૂત્રોનું કહેવું છે કે આ ઘટના સૈફ અલી ખાનના બાળકો તૈમૂર અને જેહના રૂમમાં બની હતી. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલાખોરો અંદર કેવી રીતે પ્રવેશ્યા. પોલીસ એ શોધી રહી છે કે હુમલાખોરો બહારથી આવ્યા હતા કે પહેલાથી અંદર હતા.

સૈફના પીઆર કહે છે કે રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થોડો અવાજ સાંભળીને નૈની જાગી ગઈ હતી. સૈફ અલીનો આખો પરિવાર ઘરમાં સૂતો હતો. અવાજ સાંભળીને સૈફ અલી ખાન જાગી ગયો અને હુમલાખોરનો સામનો કર્યો. સૈફે હુમલાખોરોને પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપીમાં હુમલાખોરે તેના પર અનેક વાર હુમલો કર્યો હતો અને હુમલાખોરો ભાગી ગયા હતા.

ઘરમાં લૂંટનો પ્રયાસ થયો હતોઃ કરીના
સૈફની પત્ની કરીના કપૂરની ટીમે એક નિવેદન જારી કરીને કહ્યું કે ઘરમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૈફ ઘાયલ છે અને હોસ્પિટલમાં દાખલ છે. બાકીનો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા અને કોઈપણ પ્રકારની અટકળોથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસ સૈફના ઘરે પહોંચી
મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ માટે મુંબઈ પોલીસે 7 ટીમો બનાવી છે જે દરેક એંગલથી તપાસ કરી રહી છે. પોલીસ સૈફના ઘરે પહોંચી ગઈ છે અને ઘરના પાંચ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના અંગે હાઉસ હેલ્પ એંગલ પણ સામે આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં ઘૂસેલા હુમલાખોરો અને નોકરો વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો, તેને શાંત કરવા સૈફ વચ્ચે પડ્યો હતો.

Most Popular

To Top