વડોદરા : કોઇ ગુનામાં પકડાયેલી મહિલા કેદીઓને રાખવા માટે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ તથા વડોદરાની મધ્યસ્થ જેલમાં અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વડોદરાની જેલમાં રાધા, મોહિની, મધુમતી, કેસર, કવિતા, મંગલા છે પણ આ બધી મહિલા કેદીઓ નથી છતાં જેલમાં કેમ છે? તેવો પ્રશ્ન જરૂર થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ મહિલાઓ નહીં પણ ભગવાન કૃષ્ણને પ્રિય એવી ગૌમાતાઓ છે.
ગીર ઓલાદની આ ગાયો વડોદરા સેન્ટ્રલ જેલમાં નવી બનાવવામાં આવેલી શ્રીકૃષ્ણ ગૌશાળામાં રહે છે. ખેતી અને પશુપાલનના અનુભવી પણ કાળની થપાટે ગુનો આચરી બેઠેલા અને સજા રૂપે જેલવાસ ભોગવતા કેદી બંધુઓ દ્વારા ઉછેરવામાં આવી રહી છે.જેલ કોઈને ગમતી નથી.પણ કરમની કઠણાઈ ગુનાના રસ્તે લઈ જાય છે. સમાજની સલામતી માટે ગુનેગારોને જેલમાં રાખવાની જોગવાઈ છે.
1880 માં સયાજીરાવ મહારાજે બનાવેલી વડોદરાની સેન્ટ્રલ જેલ એક હેરિટેજ પ્લેસ ગણી શકાય.કેદીને વિવિધ કુશળતા શીખવી સમાજને ઉપયોગી બનાવી સમાજમાં પુન સ્થાપિત કરવાના અભિગમ હેઠળ સરકારે વડોદરા મધ્યસ્થ કારાગારના છત્ર હેઠળ રૂ.11 કરોડના ખર્ચે દંતેશ્વર ખાતે ખુલ્લી જેલ અને આ ગૌશાળા બનાવી છે.
આ ઓપન જેલમાં ખેતીનો અનુભવ ધરાવતા, ગૌ ઉછેરના જાણકાર અને નિરુપદ્રવી કેદી હોય ઉપરાંત જેમના નામે જેલમાં કોઈ ગેરવર્તન નોંધાયું નથી અને ત્રણ વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યાં છે,તેમને અહી ખુલ્લા ખેતરોમાં ખેતી કરવા, વૃક્ષનો ઉછેર કરવા રાખવામાં આવે છે, ગાયો ઉછેરે અને જેલના નિયમો પ્રમાણે આંશિક રોજગારી મેળવે.
જો કે આ ખુલ્લા આકાશ તળેની આ જેલમાં વડોદરાના વતની હોય એવા સ્થાનિક કેદીઓને તકેદારી ના ભકે આ ખુલ્લા આકાશ તળેની આ જેલમાં વડોદરાના વતની હોય એવા સ્થાનિક કેદીઓને તકેદારી ના ભાગરૂપે રાખવામાં આવતા નથી. અહીં ચાર કાઉ શેડ એટલે કે આપણી દેશી ભાષામાં કોડિયા ઘર છે જેમાં 120 ગાયો રહી શકે એટલી મોકળાશ છે. હાલમાં 70 ગાયો છે જેમનો વંશવેલો વધી રહ્યો છે.
ગાય એક સૌમ્ય પ્રાણી છે, માતાના સ્નેહની અનુભૂતિ તે કરાવે છે, એટલે કેદી ભાઈઓ આવી પ્રેમાળ માતાઓના સાનિધ્યમાં મનોશાતા અનુભવશે એવું પણ કહી શકાય. અને શિસ્તબદ્ધ અને સંયમી કેદીઓને શિરપાવ રૂપે ખુલ્લું ખેતર આપવાના અભિગમની કદાચ રાજ્યમાં વડોદરાથી પહેલ કરવામાં આવી હતી એવું કહી શકાય. કારણકે છેક 1970માં ઓપન જેલ માટે 90 એકર જેટલી જમીન ફાળવવામાં આવી હતી જેનો ક્રમિક વિકાસ આજે આ વ્યવસ્થારૂપે સંસ્થાપિત થયો છે.
વડોદરા સેન્ટ્રલ જેલ એક ધમધમતું કારખાનું છે જયાં કરોડોનું ટર્ન ઓવર કરે છે. આ જેલમાં આઠ પ્રકારના ઉદ્યોગો કેદીઓની મદદથી ચલાવવામાં આવે છે, જે તેમને જેલમાં બેઠા આંશિક રોજગારી અને નવા કૌશલ્યો શીખવાની તક આપે છે.