સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે કોંગ્રેસે (Congress) 52 ઉમેદવારનાં નામ જાહેર કરી દેતાં જ ભડકો થયો છે. ઘણા ઉમેદવારો સામે વિરોધ થવા માંડ્યો છે. તેમાં યુવા કોંગ્રેસની પ્રદેશ બોડીમાં સ્થાન ધરાવતા અને વોર્ડ નં.17ના સીટિંગ કોર્પોરેટર (Corporator) ધીરજ લાઠિયાના નામની જાહેરાતને પગલે કોંગ્રેસી કાર્યકરો દ્વારા જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધીરજ લાઠિયા સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓએ જણાવ્યું હતું કે, જો મોવડી મંડળ દ્વારા ધીરજ લાઠિયાનાં નામ રદ કરવા પુનઃવિચાર નહીં કરવામાં આવે તો વોર્ડમાંથી અસંખ્ય કાર્યકરો સામૂહિક રાજીનામાં આપશે.
કોંગ્રેસ દ્વારા જુદા જુદા વોર્ડનાં જે 52 નામોની જાહેરાત કરવામાં આવી છે, તેમાં 9 સીટિંગ કોર્પોરેટરનાં નામો પણ છે. જો કે, હજુ કોંગ્રેસની આખી પેનલો જ્યાંથી ચુંટાઇ આવી હતી તેવા ઘણા વોર્ડ અને અમુક વોર્ડના એક કે બે ઉમેદવારોની જાહેરાત બાકી રખાઇ છે. કેમ કે, આ વોર્ડમાં પણ કોઇને કોઇ વિવાદ થવાની શક્યતા છે. વોર્ડ નં.16 પુણામાં કોંગ્રેસની આખી પેનલ જીતી આવી હતી. પરંતુ આ વખતે અહીં સીટિંગ કોર્પોરેટર ડો.ચારૂલ કસવાલાએ તો ચૂંટણી નહીં લડવાની અગાઉથી જ જાહેરાત કરી દીધી છે.
આ વોર્ડમાં પણ એક સીટિંગ કોર્પોરેટર સામે ભારે રોષ હોવાથી આ વોર્ડની પેનલ જાહેર કરવામાં આવી નહીં હોવાની ચર્ચા છે. પાટીદાર આંદોલનના મોજા પર સવાર થઇને વર્ષ-2015માં કોંગ્રેસના 36 નગર સેવક જીતી આવ્યા હતા. જો કે, તેમાંથી ઘણા એવા નગરસેવકો છે, જે ગેરકાયદે બાંધકામથી માંડીને અનેક પ્રકારના વિવાદમાં આવતાં તેના સાથી નગર સેવકો માટે પણ આ વખતે ચૂંટણી લડવી મુશ્કેલ બની છે.
અસંતુષ્ટો દ્વારા વિરોધ પ્રદર્શનનું નાટકઃ ધીરજ લાઠિયા
આજે સવારે વોર્ડ નં.17ના કોંગ્રેસી ઉમેદવાર ધીરજ લાઠિયાના નામના વિરોધ પ્રદર્શન સાથે જ કોંગ્રેસમાં વધુ એક વખત ટિકિટ મુદ્દે ખેંચતાણની રામાયણ જોવા મળી હતી. આ મુદ્દે કોંગ્રેસી ઉમ્મેદવાર ધીરજ લાઠિયાએ જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા મારાં છેલ્લાં પાંચ વર્ષનાં કાર્યોને ધ્યાનમાં રાખીને જ ટિકિટ આપવામાં આવી છે. જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. વોર્ડ નં.17માંથી જે દાવેદારોનાં નામો પર મોવડી મંડળ દ્વારા ચોકડી મારી દેવામાં આવી હતી તેમના ઈશારે જ આ આખું નાટક કરવામાં આવ્યું છે.