અંકલેશ્વર, નવસારી, વલસાડ: (Navsari, Valsad, Ankleshwar) દક્ષિણ ગુજરાત હવે કોરોના મુકત તરફ જઇ રહ્યુ હોય તેમ આજે નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ (Case) નોંધાયો ન હતો. ઉપરાંત ભરૂચ જિલ્લો આજે ૧૦ મહિના પછી કોરોના મુકત દિવસ બન્યો છે. જેમાં નવસારી જિલ્લામાં સતત છ દિવસ સુધી કોરોનાનો એક પણ કેસ નહીં નોંધાયા બાદ ગઇ તા. 30મીએ ફરી વખત જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ કોરોનાનો એક પણ નવો કેસ નહીં નોંધાતા પ્રજામાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
હવે જિલ્લામાં ફક્ત 3 જ એક્ટિવ કેસ રહ્યા છે. જો કે હજુ કોરોનાના ટેસ્ટ તો ચાલુ જ રખાયા છે. મંગળવારે પણ જિલ્લામાં કોરોનાના 345 ટેસ્ટ કરાયા હતા. વલસાડ જિલ્લામાં મંગળવારે કોરોનાનો કોઈ કેસ નોંધાયો ન હતો. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 1351 કેસ નોંધાયા છે, જે પેકી 1190 ને રજા આપી દેવામાં આવી છે, જ્યારે 10 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ભરૂચ જિલ્લા માટે આજનો દિવસ કોરોના મુકત દિવસ બનતા ૧૦ મહિના પછી જિલ્લા માટે સારા સમાચાર આવ્યા છે. ગત ૨૫ માર્ચના લોકડાઉન પછી ભરૂચ જિલ્લામાં કરોનાનો કહેર વધતો ગયો હતો. જ્યારે સત્તાવાર મોતના આંકડા ૩૨ છે. પરંતુ કોવિદ સ્મશાન ભૂમિમાં ૫૦૦ ઉપરાંત પોઝિટિવ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દસ મહિના પછી આજે પ્રથમ વખત ભરૂચ જિલ્લામાં કરોના પોઝિટિવ દર્દીઓનો કેસ આવ્યો નથી જે લોકો અને તંત્ર માટે રાહતના સમાચાર છે.
સુરત જિલ્લામાં વિતેલા 24 કલાકમાં કોરોનાના માત્ર 4 કેસ પોઝિટિવ
સુરત જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. શનિવારે સુરત જિલ્લામાં કોરોનાના માત્ર 3 કેસ નોંધાયા હતા. જ્યારે રવિવારે તે વધીને 8 થયા બાદ સોમવારે 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે વિતેલા 24 કલાકમાં માત્ર 4 કેસ જ નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. સારી બાબત એ છે કે, છેલ્લા કેટલાંક દિવસથી કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંક 10ની નીચે જ રહેવા પામ્યો છે. વિતેલા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ચોર્યાસી તાલુકામાં 21 ઓલપાડમાં 2 અને કામરેજમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અન્ય તાલુકાઓમાં કેસ નોંધાયા નથી. સુરત જિલ્લામાં નવા 4 કેસ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક વધીને 13હજારને પાર કરીને 13,017 પર પહોંચ્યો છે.