સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં દરરોજ 50 થી ઓછા પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા છ. મંગળવારે શહેરમાં માત્ર 33 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને અત્યારસુધીમાં કુલ 39,523 દર્દીઓ નોંધાયા છે. સાથે જ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી એક પણ મોત નોંધાઈ રહ્યા નથી. મંગળવારે શહેરમાં વધુ 60 દર્દીઓ સાજા થયા હતા. અત્યારસુધીમાં કુલ 38,432 દર્દીઓ ડિસ્ચાર્જ (Discharge) થયા છે અને રીકવરી રેટ 97.24 ટકા પર પહોંચ્યો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ?
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 03
- વરાછા-એ 02
- વરાછા-બી 02
- રાંદેર 08
- કતારગામ 06
- લિંબાયત 00
- ઉધના 02
- અઠવા 10
2953 લોકોએ વેક્સીન મુકાવી
શહેરમાં હવે હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન (Vaccine) આપવામાં આવી રહી છે. ત્યારબાદ કો-મોર્બિડ પેશન્ટોને વેક્સિન આપવામાં આવશે. શહેરમાં મંગળવારે વધુ 2953 લોકોએ વેક્સીન મુકાવી હતી. શહેરમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પહેલા અઠવાડિયામાં માત્ર 3 જ દિવસ વેક્સીન આપવામાં આવતી હતી. પરંતુ હવે દરરોજ વેક્સીન આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવે હેલ્થ વર્કરોની સાથે સાથે ફ્રન્ટલાઈન વર્કરોને પણ વેક્સીન મુકવામાં આવી રહી છે. મંગળવારે શહેરમાં વધુ 2953 લોકોને વેક્સીન મુકવામાં આવી હતી. જેમાં 1089 હેલ્થ વર્કરો અને 1281 પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ 583 સુરત મનપાના કર્મચારીઓએ વેક્સીન મુકાવી હતી. શહેરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. જેમાં અત્યારસુધીમાં કુલ 33,962 લોકોને વેક્સીન મુકી દેવામાં આવી છે.
બીજી તરફ વેક્સિનેશનની સાથે તેનાથી થતી આડઅસરના કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં મંગળવારે વધુ 20 પોલીસ કર્મચારીઓને કોરોના વેક્સીનની આડ અસર જોવા મળી હતી અને તેઓને સારવાર આપીને રજા આપવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે શહેરમાં કોરોનાની સ્વદેશી વેકીસન આપવામાં આવ્યા બાદ 40 થી વધુ લોકોને આડ અસર થઇ રહી છે. જેમાંથી સોમવારે પોલીસ વિભાગમાં ફરજ બજાવતી 20 થી વધુ મહિલા પોલીસ કર્મીને તાવ આવવો, માથુ દુ:ખવુ અને ખાંસી થવાથી નવી સિવિલમાં સારવાર કરાવાઇ હતી. તેઓને પેરાસીટેમોલ સહિતની ટેબલેટ આપવામાં આવી હતી. જ્યારે મંગળવારે પણ અન્ય 20 પોલીસ કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે પુરુષ કર્મચારીઓને શરૂઆતમાં જ પેરાસીટેમોલ આપીને બે કલાકની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની વિગતો સાંપડી છે. વેક્સિનની આડ અસર થતા લોકો માટે હવે અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.