મુંબઈ: બુધવારે મુંબઈના દરિયાકાંઠે નૌકાદળની સ્પીડ બોટ ફેરી બોટ સાથે અથડાતાં તે ઉંધી વળી ગઇ હતી અને તેમાં સવાર પર્યટકોમાંથી 13 લોકોનાં મોત થયાં હતાં જ્યારે અન્ય 101ને બચાવી લેવામાં આવ્યા હતા, એમ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
- ગેટ વે ઓફ ઇન્ડિયા નજીક દરિયામાં નૌકાદળની સ્પીડ બોટ ફેરી બોટ સાથે અથડાઇ
- મુંબઇ નજીકના લોકપ્રિય પર્યટન સ્થળ એલિફેન્ટ ટાપુ તરફ આ ફેરી બોટ જઇ રહી હતી
- દુર્ઘટનામાં 101ને બચાવી લેવાયા, 4ની હાલત ગંભીર, મૃતકોમાં ત્રણ નોકાદળના જવાનો
ફડણવીસે નાગપુર ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે મૃતકોમાં 10 નાગરિકો અને ત્રણ નૌકાદળના જવાનો સામેલ છે. નૌકાદળ તરફથી મળેલી માહિતી મુજબ, સાંજે 7.30 વાગ્યા સુધી મૃત્યુઆંક 13 હતો, એમ તેમણે ઉમેર્યું.
નીલકમલ ફેરી મુંબઈ નજીકના લોકપ્રિય પર્યટન સ્થળ એલિફન્ટા ટાપુઓ તરફ જઈ રહી હતી, ત્યારે 4 વાગ્યાની આસપાસ સ્પીડ બોટ તેની સાથે અથડાઈ હતી, એમ ફડણવીસે જણાવ્યું હતું.
તેમણે સ્પષ્ટ કર્યું ન હતું કે ફેરી અને સ્પીડ બોટમાં કેટલા લોકો સવાર હતા.
નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી શરૂ કરી હતી, જેમાં નૌકાદળની 11 બોટ અને મરીન પોલીસની ત્રણ બોટ અને કોસ્ટ ગાર્ડની એક બોટ આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી, એમ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. ચાર હેલિકોપ્ટર શોધ અને બચાવ કામગીરીમાં સામેલ હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ, જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ અને વિસ્તારના માછીમારો પણ બચાવ કાર્યમાં સામેલ હતા, અધિકારીએ જણાવ્યું હતું.
ગેટવે ઓફ ઈન્ડિયા અને એલિફન્ટા ગુફા વચ્ચેનું કુલ અંતર 13 કિલોમીટર
મુંબઇમાં ગેટવે ઓફ ઇન્ડિયા અને એલિફન્ટા વચ્ચેનું અંતર 13 કિમી છે અને તેને પૂર્ણ કરવામાં લગભગ 1 કલાકનો સમય લાગે છે. પ્રવાસીઓને મુંબઈમાં એલિફન્ટા ગુફાઓ સુધી લઈ જવા માટે ફેરી સર્વિસ ચાલે છે. આમાં પ્રવાસીઓ અને લોકોને બોટ દ્વારા ગુફાઓમાં લઈ જવામાં આવે છે. એલિફન્ટા ગુફાઓ મુખ્યત્વે હિન્દુ ભગવાન શિવને સમર્પિત ગુફા મંદિરોનો સંગ્રહ છે.