અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા સરકારી વેબસાઈટ પર ખોટા દસ્તાવેજો રજૂ કરીને આયુષ્યમાન કાર્ડ કાઢવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાત આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સીંઘલની આગેવાની હેઠળ ડીસીપી અજીત રાજીયાનની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આયુષ્યમાન કાર્ડ મેળવવાની યોગ્યતા લાયકાતમાં ન આવતા હોય તેવા લોકો પાસેથી પૈસા લઈને બોગસ દસ્તાવેજોના આધારે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી નિમેષ ડોડીયા (રહે, અમદુપુરા અમદાવાદ), મોહમ્મદ ફઝલ શેખ (રહે, અમદાવાદ), મોહમ્મદ અસ્પાક શેખ (રહે, અમદાવાદ), નરેન્દ્રસિંહ ગોહિલ (રહે, ભાવનગર), ઈમ્તિયાઝ (રહે, ભાવનગર) અને ઇમરાન જાબીર હુસેન કારીગર (રહે, કીમ કોઠવા દરગાહ સુરત)ની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી કાર્તીક પટેલ (રહે અમદાવાદ) અને ચિરાગ હરીસીગ રાજપુત (રહે, અમદાવાદ) હાલમાં કસ્ડીમાં છે.
ક્રાઈમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા પ્રમાણે બોગસ દસ્તાવેજોના આધારે આયુષ્યમાન કાર્ડ કાઢવાના કૌભાંડમાં પ્રથમ દ્રષ્ટિએ તપાસમાં ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી બહાર આવી છે. હોસ્પિટલમાં પીએમજેએવાયનું કામ કરતા કર્મચારી મેહુલ રાજેશ પટેલની પૂછપરછ કરતા હકીકત બહાર આવી હતી કે, આ સમગ્ર કૌભાંડમાં આરોપી કાર્તિક જશુભાઈ પટેલના કહેવાથી આરોપી ચિરાગ હરીસિંગ રાજપૂત દ્વારા આયુષ્યમાન કાર્ડ નિમેશ દિલીપભાઈ ડોડીયા મારફતે બનાવવામાં આવતા હતા. આ કાર્ડ દીઠ આશરે 1000થી વધુ રૂપિયા નિમેષ દ્વારા લેવામાં આવતા હતા. જુદા જુદા ઓનલાઈન પોર્ટલ દ્વારા લોકોને જુદા જુદા કાર્ડ કાઢી આપવામાં આવતા હતા તેમજ ડુપ્લીકેટ આયુષ્યમાન કાર્ડ બનાવતા અન્ય રાજ્યો તથા ગુજરાતના જુદા જુદા વોટસઅપ ગ્રુપ તથા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈને તમામ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
આ ગ્રુપ મારફતે જ મોહમ્મદ અસ્પાક શેખ તથા ભાવનગરના નરેન્દ્રસિંહ ગોહિલ અને સુરતના ઇમરાન જાબીર હુસેન કારીગર સાથે સંપર્ક થયો હતો. આયુષ્યમાન કાર્ડ નિ:શુલ્ક આપવામાં આવતા હોવા છતાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપુત લાભાર્થીઓ પાસેથી 1500 થી 2000 રૂપિયા કાર્ડ પેટે ઉઘરાવતા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.