SURAT

‘લડકી દેખતા હું તો પાગલ હો જાતા હું..’, સુરતમાં બાળકીઓની છેડતી કરનાર વિકૃતની બેશરમી

સુરત: ગત 8 ડિસેમ્બર 2024ના રોજ એક અજાણ્યા શખસે સોસાયટીમાં ઘૂસીને પાંચ ફૂટના અંતરે ત્રણ છોકરીઓની છેડતી કરી હતી. જે ઘટનાના 10 ડિસેમ્બરે CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જો કે, ઉધના પોલીસે ઘટના સામે આવ્યાના 24 કલાકની અંદર જ છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે.

  • મગજમાં ઠાંસી ઠાંસીને વિકૃતિ ભરીને ફરતાં 19 વર્ષીય નેમુદ્દીનને પોલીસે 700 સીસીટીવીને આધારે ઊનમાંથી ઝડપી પાડ્યો
  • શાકભાજી બજારમાં અને પછી લગ્નમાં ગયો, ત્યાં ને કામવાસના ઘેરી વળી હોવાની ગંદી કબૂલાતથી પોલીસ પણ ચોંકી ઊઠી

પોલીસે આરોપીને ઝડપી પાડવા લગભગ 700 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીને ઊન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીનો વિડીયો વાયલર થયા બાદ તેની સાથે જ રહેતા અન્ય શ્રમિકોએ આ વિગતો પોલીસને જણાવતા આરોપી પકડાઇ ગયો હતો. આરોપી આખા શહેરમાં તેના નામે ફિટકાર વરસતો હોવાની વાતથી અજાણ હતો. દારૂ પીને તેણે 3 કિશોરીની છેડતી કરી હોવાની વિગત જાણવા મળી છે.

નેમુદીને પોલીસને નફફટાઇથી કહ્યું ”સાબ શાદી ઔર બજારમેં લડકી દેખતા હું તો પાગલ હો જાતા હું”
નેમુદીને પોલીસને કહ્યું કે તે પહેલા ભાઠેનામાં શાક બજારમાં ગયો હતો. ત્યારબાદ તે અમીન સોસાયટીમાં લગ્નના પ્રસંગમા ગયો હતો. તે લગ્ન પ્રસંગમા છોકરીઓને જોઇને ઉત્તેજીત થઇ ગયો હતો. તેથી તેનો કાબૂ નહીં રહેતા તેણે કિશોરીઓને પકડી લીધી હતી. દરમિયાન પોતે જ્યારે પણ બજારમાં કે લગ્નમાં જાય છે ત્યારે તેની માનસિક વિકૃતિ કાબૂ બહાર જતી હોવાની વાત તેણે પોલીસ સમક્ષ કરી હતી.

ડાબો હાથ વાંકો રહેવાની ખામી પોલીસને આરોપી સુધી દોરી ગઈ
આરોપીની ઉંમર માત્ર 19 વર્ષ છે અને તે સાડીમાં મજૂરીનું કામ કરે છે. આરોપીની કરતૂત સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. ફૂટેજની બારીકાઈથી ચકાસણી કરતા પોલીસને ધ્યાને આવ્યું હતું કે, આરોપીનો એક હાથ બરોબર કામ કરતો નથી. તે ડાબો હાથ હંમેશા વાંકો રાખીને ચાલતો હતો. બસ આ ક્લુના આધારે પોલીસ ઉન વિસ્તારમાં આરોપીના ઘર સુધી પહોંચી હતી.

પોર્ન ફિલ્મ જોઈને ગંદી હરકત કર્યાની કબૂલાત, આવા હજારો મનોવિકૃત માસૂમ બાળાઓ માટે જોખમ
આરોપીના ઘરે તેની સાથે કેટલાક યુવાનો રહેતા હતા. તેઓએ આરોપીની તસવીર જોઇને તેની ઓળખ કરી હતી. તે સમયે આરોપી ઘર નજીક અન્ય મજૂરો સાથે બેઠો હતો. તેના આ ડાબા હાથના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીનું નામ નેમુદ્દીન છે તથા મૂળ યુપીનો છે અને તે મજૂરી કામ કરે છે.

આરોપી થોડા સમય પહેલાં ભાઠેના વિસ્તારમાં કામ કરી ચૂક્યો છે, જેથી જ્યાં છોકરીઓની છેડતી કરી હતી તે પોતે આ વિસ્તારથી વાકેફ હતો. દરમિયાન એક જ રૂમમાં સાત લોકો સાથે રહેતો નેમુદીન પોર્ન ફિલ્મનો શોખિન છે. તે પોર્ન ફિલ્મો જોઇને તેણે આ હરકત કરી હોવાની વિગતો પોલીસને જણાવી હતી. દરમિયાન પરપ્રાંતીંય એવા આ હજારો મનોવિકૃતિઓના ભરોસે લાખ્ખો કિશોરીઓ જોખમમાં હોય એવી સ્થિતિ છે.

ઘટના અંગે પોલીસને 24 કલાક પછી જાણ કરાઈ હતી
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, CCTVમાં એક શખસ બે નાની દીકરીઓની છેડખાની કરતો જોવા મળ્યો હતો. એમાં જે આરોપી છે તેને પોલીસે શોધી કાઢયો છે. આરોપીનું નામ નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે. જે 19 વર્ષનો છે અને જે ઉન પાટિયામાં રહી મજૂરી કામ કરે છે. આરોપી ચાલતો ચાલતો આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને 24 કલાક પછી જાણ કરવામાં આવી હતી.

700થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા
ડીસીપી ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, CCTVની જે વિગતો સામે આવી હતી તેના આધારે વધારે ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. 60થી વધુ પોલીસકર્મીઓની ટીમો બનાવી હતી. ઉધના પોલીસની સર્વલન્સની ટીમ ઉપરાંત સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ, બધા ભેગા થઈને ટીમો અલગ અલગ જગ્યાએ જઈને 700થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા. અમે આરોપીથી 24 કલાક પાછળ હતા.

Most Popular

To Top