Columns

બશર અલ-અસદની વિદાય પછી સીરિયાના ટુકડે ટુકડા થઈ જશે?

સીરિયામાં ૧૩ વર્ષથી ચાલી રહેલાં ગૃહયુદ્ધનો ફેંસલો માત્ર ૧૩ દિવસમાં આવી ગયો તે ચોંકાવનારી અને ચમત્કારિક ઘટના છે. સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને છક્કડ ખવડાવનાર અબુ મોહમ્મદ અલ-જુલાની પાસે જો એટલી બધી તાકાત હતી તો તે આટલાં વર્ષો સુધી ક્યાં હતો? તેના આતંકવાદી સંગઠન દ્વારા સીરિયા પર હુમલો કરવામાં આવ્યો તે પછી સીરિયાનાં એક પછી એક શહેરો પાકેલાં ફળની જેમ તેની ઝોળીમાં આવી ગયાં હતાં.

આ કાંઈ એકાએક ઘટનારી ઘટના ન હતી પણ તેની પાછળ કોઈ મોટી ગેમ છે. બળવાખોરો દમિશ્કમાં પહોંચી ગયા હતા તો પણ બશર અલ-અસદ પોતાના પ્લેનમાં મોટો ખજાનો લઈને મોસ્કો પહોંચી ગયા તેમાં પણ તેમનું કોઈ સેટિંગ કામ કરી ગયું હતું. કહેવાય છે કે દમિશ્ક છોડતાં પહેલાં બશર અલ-અસદે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને સત્તાના સૂત્રો અબુ મોહમ્મદ અલ-જુલાનીના હાથમાં સોંપ્યા હતા. તેના બદલામાં તેમને જીવતા મોસ્કો જવા દેવામાં આવ્યા હતા.

હજુ તો બશર અલ-અસદનાં વિમાને સીરિયા છોડ્યું નહોતું, નવી સરકાર કોની હશે, તે ચિત્ર સ્પષ્ટ નહોતું, ત્યાં એક બાજુથી ઈઝરાયેલે અને બીજી બાજુથી અમેરિકાએ સીરિયા પર હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા. તેના પરથી ખ્યાલ આવે છે કે આ સમગ્ર યોજના બહુ પહેલાથી ઘડાઈ ચૂકી હતી, જેની ઈઝરાયેલને અને અમેરિકાને પણ જાણ હતી. ઈઝરાયેલના હવાઈ હુમલાનું કારણ એ હોઈ શકે કે સીરિયાના ઈઝરાયેલની નજીક આવેલા વિસ્તારોમાં શસ્ત્રોના મોટા ભંડારો છે. ઈઝરાયેલને ડર હતો કે દમિશ્કમાં જે નવી સરકાર સત્તા પર આવશે, તે આ શસ્ત્રોનો ઉપયોગ ઈઝરાયેલ ઉપર કરશે.

તેને વિફળ બનાવવા ઈઝરાયેલ તેના પર ત્રાટક્યું હતું. ઈઝરાયેલે તો સીરિયા સરહદ પર આવેલી ગોલાન ટેકરીના બફર ઝોનમાં પ્રવેશ કરીને તેનો કબજો પણ લઈ લીધો હતો. અમેરિકાના બોમ્બર વિમાનો પણ સીરિયાની હવાઈ સીમાનો ભંગ કરીને અંદર ધસી આવ્યાં હતાં અને તેમણે સીરિયાના શસ્ત્રભંડારો પર બોમ્બમારો કર્યો હતો. કદાચ ઈઝરાયેલ લાગ મળે તો સીરિયાના અમુક પ્રદેશો કબજે કરીને બૃહદ્ ઈઝરાયેલની રચના કરવા માગે છે.

ગૃહયુદ્ધમાં હાર્યા પછી સીરિયાની હાલત બોડી બામણીનાં ખેતર જેવી થઈ છે. ઈઝરાયેલની વાયુસેનાના ફાઈટર વિમાનોએ સોમવારે સીરિયામાં ૧૦૦થી વધુ હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયેલે સીરિયન સૈન્યના શસ્ત્રોને નિશાન બનાવ્યા છે, જેનો તેને ડર છે કે બશર અલ-અસદ શાસનના પતન પછી તે શસ્ત્રો દુશ્મનના હાથમાં આવી શકે છે. તે જ સમયે, અમેરિકાએ મધ્ય સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા લક્ષ્યો પર ૭૫ હવાઈ હુમલા કર્યા હતા, જ્યારે તુર્કીએ હુમલામાં અમેરિકા સમર્થિત કુર્દિશ દળોને નિશાન બનાવ્યા હતા.

તુર્કી સમર્થિત સીરિયન નેશનલ આર્મીએ ઉત્તરીય શહેર મનબીજનો કુર્દ લોકો પાસેથી કબજો મેળવી લીધો છે. સીરિયામાં મારે તેની તલવાર જેવી હાલત છે. હજુ તો અલ-જુલાનીની સરકાર સ્થાપિત થઈ નથી ત્યાં ઈઝરાયેલ, અમેરિકા અને તુર્કી પણ ભૂખ્યાં વરુની જેમ સીરિયા પર તૂટી પડ્યા છે. સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ જતાં જતાં કહેતા ગયા હતા કે તેઓ સીરિયાનો નકશો જ બદલી કાઢવા માગે છે. આ પ્રક્રિયાનો પ્રારંભ ઈઝરાયેલ દ્વારા કરી દેવામાં આવ્યો છે.

ઈઝરાયેલના વિદેશ પ્રધાન ગિદિયોન સારે પુષ્ટિ કરી હતી કે ઈઝરાયેલે સીરિયામાં રાસાયણિક હથિયારોના અને લાંબા અંતરના રોકેટના અડ્ડાઓ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે આવું એટલા માટે કરવામાં આવ્યું કે જેથી તેઓ ઉગ્રવાદીઓના હાથમાં ન આવી જાય. સીરિયા ૨૦૧૩ માં તેનાં રાસાયણિક હથિયારોના ભંડારને નષ્ટ કરવા માટે સંમત થયું હતું. જો કે, એવું વ્યાપકપણે માનવામાં આવે છે કે તેણે તમામ શસ્ત્રોનો નાશ કર્યો ન હતો અને પછીનાં વર્ષોમાં સીરિયા પર અલગતાવાદીઓ સામે તેનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ પહેલા રવિવારે ઈઝરાયેલની સેનાએ ગોલાન હાઇટ્સમાં ઇઝરાયેલ-સીરિયા સરહદ પર બફર ઝોન પર કબજો કર્યો હતો. ગોલાન હાઇટ્સ એક એવી જગ્યા છે, જેના પરના કબજાનો ઉપયોગ કરીને સીરિયા પર સીધું આક્રમણ કરી શકાય છે. ઈઝરાયેલે તેને કામચલાઉ રક્ષણાત્મક પગલું ગણાવ્યું છે. આમ કરવા દ્વારા ઈઝરાયેલે ૫૦ વર્ષ જૂની યુનોની સંધિનો પણ ભંગ કર્યો છે.

સોમવારે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે મધ્ય સીરિયામાં આતંકવાદી સંગઠન ISISના સ્થાનો અને લડવૈયાઓને નિશાન બનાવીને ૭૫ હવાઈ હુમલા કર્યા છે. અમેરિકન આર્મીએ આ હુમલાઓ માટે B-52 બોમ્બર અને F-15E ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાએ આ હુમલાઓને સફળ જાહેર કર્યા હતા. સીરિયામાં ૧૩ વર્ષથી ચાલી રહેલા ગૃહ યુદ્ધ દરમિયાન અમેરિકાએ ક્યારેય તેના પર સીધું આક્રમણ કર્યું નહોતું; પણ હવે બશર અલ-અસદની વિદાય સાથે અમેરિકાને પણ સીરિયા પર આક્રમણ કરવામાં જરાય સંકોચ નથી થયો.

સીરિયાની રાજધાની દમિશ્ક પાસે ઈઝરાયેલની સેનાની ટેન્કો જોવા મળી છે. ઈઝરાયેલની સેનાએ ગોલાન હાઈટ્સ પર કબજો કરી લીધો છે, જે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેનું પગલું ટૂંકા ગાળાનું છે પરંતુ તેના આ પગલાંથી મુસ્લિમ દેશો સખત નારાજ થયા છે અને તેઓએ ઈઝરાયેલનાં પગલાંની સખત નિંદા કરી છે. સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાકે સીરિયામાં ઈઝરાયેલના પગલાંને ખતરનાક ગણાવ્યું છે.

સાઉદી અરેબિયાએ કહ્યું કે ઇઝરાયેલનું પગલું એ વાતની પુષ્ટિ કરે છે કે યહૂદી રાજ્ય સતત આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સાથે જ ઈઝરાયેલ ઈચ્છે છે કે સીરિયા તેની સુરક્ષા, સ્થિરતા અને પ્રાદેશિક એકતા જાળવી ન શકે. સાઉદી વિદેશ મંત્રાલયે વિશ્વના દેશોને ઇઝરાયલનાં પગલાંની ટીકા કરવાની માંગણી કરી અને કહ્યું કે ગોલાન હાઇટ્સ એક કબજા હેઠળનો આરબ પ્રદેશ છે.

આ સાથે જ અન્ય એક મુસ્લિમ દેશ ઈરાકે પણ ઈઝરાયેલ પર જોરદાર નિશાન સાધ્યું છે. ઈરાકના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ઈઝરાયલે આંતરરાષ્ટ્રીય કાયદાનું મોટું ઉલ્લંઘન કર્યું છે. તેણે કહ્યું કે ઇરાક આગ્રહ કરે છે કે સીરિયાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખવામાં આવે. ઇરાકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને તેની જવાબદારી નિભાવવાની માંગણી કરી હતી. મુસ્લિમ દેશો જોકે નિવેદન કરીને શાંત થઈ ગયા હતા. તેમાંના કોઈએ સીરિયાના સંરક્ષણ માટે પોતાનું લશ્કર મોકલવાની તૈયારી દેખાડી નથી.

સીરિયાનું સૌથી મહત્ત્વનું સાથી મનાતું ઇરાન પણ આ મુશ્કેલીની ક્ષણે તેના બચાવમાં આવ્યું નથી. ઇરાને સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને તેમના પોતાના નસીબ પર છોડી દીધા છે. ઇઝરાયેલે ૧૯૬૭માં ગોલાન હાઇટ્સ પર કબજો કર્યો હતો. વર્ષ ૧૯૭૪માં ઈઝરાયેલ અને સીરિયા વચ્ચે સંધિ થઈ હતી. ત્યાર બાદ બંને વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. હવે બશર અલ-અસદની વિદાય બાદ તરત જ ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયેલની સેનાને બફર ઝોન પર કબજો જમાવવાનો આદેશ આપ્યો છે.

તેમણે કહ્યું છે કે ગોલાન હાઇટ્સ હવે હંમેશા માટે ઇઝરાયેલના નિયંત્રણમાં રહેશે. ઈઝરાયેલે હમાસ સાથેના યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટી પર પોતાનો કબજો જમાવી દીધો છે. ગાઝા પટ્ટી હવે ઈઝરાયેલના નિયંત્રણ હેઠળ છે. તેવી જ રીતે તેણે જેરુસલેમ ઉપર પણ કબજો જમાવી દીધો છે. પેલેસ્ટાઇનની વિશાળ ભૂમિ પણ ઈઝરાયેલના કબજા હેઠળ છે. હવે ઈઝરાયેલે સીરિયામાં લાગ જોઈને પગપેસારો કર્યો છે, જેમાં અમેરિકાનો પણ ટેકો છે. આ બાબતમાં યુનોની સલામતી સમિતિ મૌન છે. રશિયા અને ઇરાને પણ આ બાબતમાં હાથ ઊંચા કરી દીધા છે. આ આખી કસરત વિરાટ ઈઝરાયેલ બનાવવા માટેની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top