Bharuch

આછોદમાં બેફામ દોડી રહેલી ટ્રકે ટક્કર મારતાં ટ્રેક્ટર પલટી ગયું, એકનું મોત

ભરૂચ: આમોદના આછોદ ગામ પાસે ટ્રકચાલકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતાં ટ્રેક્ટરમાં સવાર એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ટ્રેક્ટરચાલકને ઈજા થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આમોદ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદના આછોદમાં રહેતા ભારત મોહન રાઠોડ (ઉં.વ.54) ટ્રેક્ટર નં.GJ16-DC-1141માં બેસીને આછોદ ગામથી રોઝા ટંકારિયા ગામ તરફ બકરાં માટે ચારો લેવા જતા હતા. દરમિયાન બપોરે ત્રણ કલાકે આછોદ ગામ પાસે આવેલી વેસ્પુન કંપની નજીક પહોંચતાં પાછળથી ટ્રક નં.GJ06-AU-8878ના ચાલક મોહમદ મકરાણી (રહે.,દિવાન ફળિયું, ડેસર, જિ.વડોદરા)એ પોતાના કબજાની ટ્રક પૂરઝડપે હંકારી લાવી ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલટી ખાઈ ગયું હતું. આ બનાવમાં ભારત રાઠોડ ટ્રેક્ટરની નીચે દબાઈ જતાં તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે ટ્રેક્ટરચાલક મુકેશ રાઠોડને શરીરે નાની–મોટી ઈજા થઈ હતી. જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આમોદ પોલીસે મરણ જનારના પુત્ર રાજુ રાઠોડની ફરિયાદ લઈ ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાતીથૈયામાં ટ્રકચાલકે રાહદારીને અડફેટે લેતાં મોત
પલસાણા: પલસાણાના તાતીથૈયા ગામે એક ટ્રકચાલકે પોતાની ટ્રક ગફલતભરી હંકારી લાવી પગપાળા ચાલી રહેલા યુવકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પલસાણાના તાતીથૈયા ગામની સીમમાં સંતોષ મિલની સામે સવારે 9 વાગ્યાના આરસામાં શક્તિસિંગ નામનો યુવાન પગપાળા પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પાછળથી આવતી ટ્રક નં.(RJ-14-GF-9850)નો ચાલક પોતાના કબજાની ટ્રક પૂરઝડપે હંકારી શક્તિસીંગને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શક્તિસિંગના પગના ભાગે ફેક્ચર કરી તથા શરીરે ઓછીવત્તી ઇજાઓ થઈ હતી. જેને સારવાર માટે ખસેડતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે સચિન તિવારીએ ફરિયાદ આપી હતી.

Most Popular

To Top