અટલ સાંસદ જનસેવા કેન્દ્ર વડીલો માટે આધાર રૂપ પુરવાર થયું.
મોટી સંખ્યામાં વડીલોએ આયુષ્યમાન વયવંદના કાર્ડ મેળવી આરોગ્યને મુદ્દે નિશ્ચિત થયા
એક જ સ્થળે તમામ ઉપલબ્ધ સુવિધાઓનો લાભ એ વરિષ્ઠ નાગરિકો સહિત અન્યો માટે આશીર્વાદરૂપ
અધ્યતન માળખાકીય સુવિધાઓ સાથે નવા કલેક્ટર કચેરીમાં સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા ઉભા કરાયેલા અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે આજે આયુષ્યમાન વયવંદના કાર્ડ, આધાર કાર્ડ સહિતની સરકારની જન કલ્યાણકારી યોજનાઓના લાભ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરના સિનિયર સિટીઝન સહિત મહિલાઓ યુવાનો તેમજ યુવતીઓએ કેમ્પમાં ઉપસ્થિત રહી સરકારની જનસુખાકારીને લગતી સુવિધાઓનો લાભ મેળવ્યો હતો.
ઉપરાંત કેટલાક વડીલો સહિતના અન્ય અરજદાર શહેરીજનો પાસે આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ મેળવવા માટેના જરૂરી દસ્તાવેજ પણ ઉપલબ્ધ ન હતા તેવા અરજદારોને સ્થળ પર જ તત્કાળ ખોટા દસ્તાવેજો મેળવી અપાયા હતા. એક જ સ્થળે એક જ છત હેઠળ અનેક સુવિધાઓનો લાભ મળતા સિનિયર સિટીઝન સમા શહેરના વરિષ્ઠ નાગરિકો તેમજ અન્યોએ ભારે રાહત અને આનંદની લાગણી અનુભવી હતી.
આ તબક્કે શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી અને જનસુખાકારીને લગતી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સહિત અન્ય તમામ વર્ગો સુધી પહોંચે તે જરૂરી અને આવશ્યક હોવાની હિમાયત કરતા ઉમેર્યું હતું કે નવી કલેકટર કચેરી સ્થિત વાતાનુકૂલિત વાતાવરણમાં કાર્યરત અદ્યતન અટલ સાંસદ જનસેવા કેન્દ્ર રાઉન્ડ ધ ક્લોક શહેરીજનોની સેવા અને સુવિધા માટે ઉપલબ્ધ છે. તેમણે ભાજપાના યુવા મોરચા સહિત વિવિધ મોરચાના કાર્યકરો, શહેરની સમાજસેવી સંસ્થાઓ, મહિલા મંડળો, યુવક મંડળો, વિવિધ સંગઠનો વગેરેએ અટલ સાંસદ જન સેવા કેન્દ્રની સુવિધાઓનો લાભ મેળવવા પહેલ કરવી જોઈએ એવું જણાવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ અમલી બનાવવામાં આવેલી દેશભરના 70 થી વધુ વર્ષના સિનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિકો માટેની આયુષ્યમાન વયવંદના કાર્ડ યોજના અંતર્ગત વડીલોને આરોગ્યલક્ષી તમામ સારવાર તદ્દન નિશુલ્ક ધોરણે મળવા પાત્ર છે. આ સુવિધાનો લાભ મેળવવા માટે વડીલો પાસે માત્ર આયુષ્યમાન વયવંદના કાર્ડ હોવુ જરૂરી છે.
અમારા જેવા 70 થી વધુ વર્ષની વયના વડીલો માટે આ ઉંમરે હવે આરોગ્ય એ મુખ્ય અને મહત્વનો પ્રશ્ન હોય છે. બીજી બાજુ વિવિધ જટિલ રોગો અને તેની સારવાર ખૂબ ખર્ચા થઈ ગઈ છે એવા સમયે કોઈપણ પ્રકારની બીમારીને તદ્દન નિશુલ્ક સારવાર પૂરી પાડતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની આયુષ્યમાન વય વંદના કાર્ડ યોજના એ અમારા માટે સાક્ષાત ઈશ્વરે આપેલા આશીર્વાદ સમાન છે તેમ કેમ્પમાં ઉપસ્થિત રહેલા નરેન્દ્રભાઈ ભટ્ટ તેમજ પ્રફુલભાઈ પટેલ સહિત અન્ય વડીલ નાગરિકોએ જણાવી સુંદર આયોજન બદલ સાંસદ ડો. હેમાંગ જોષીની ભારોભાર પ્રશંસા કરી હતી.
અટલ જનસેવા કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ, વ્હાલી દિકરી યોજના, પીએમ સ્વનીધિ યોજના, આધાર કાર્ડ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, આવકનો દાખલો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, વિધવા સહાય યોજના, અટલ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, તેમજ પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ જેવી સરકારની વિવિધ જન સુખાકારી યોજનાઓને લગતી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આમ એક જ સ્થળે એક છત નીચે સરકારની મોટાભાગની તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહેતા શહેરીજનો માટે તે સરળ અને સુગમ બન્યું છે.
આ ઉપરાંત આજના દિવસે શહેરીજનોને સારુ સ્વાસ્થ્ય લાભે તેમજ તેમને નડતી નાની મોટી મુશ્કેલીઓ-બીમારીઓને લગતા નિદાનના પરીક્ષણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરીજનોએ આ પ્રકૃતિ નિદાન પરીક્ષણ સુવિધાનો પણ લાભ લીધો હતો. પરીક્ષણ અંતર્ગત માનવીના શરીરમાં ઋતુજ્ન્ય ફેરફારોને કારણે થતા બદલાવ અંગે પણ શહેરીજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા આ ફેરફારો સંદર્ભે શરીરની સાર સંભાળ અને માવજત કેવી રીતે કરી શકાય તે અંગે તેમને જાણકારી આપવામાં આવી હતી.આ પ્રકારના પરીક્ષણનું સૌ પ્રથમવાર સાંસદ દ્વારા શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેને ખૂબ જ સારો પ્રતિસાદ શહેરીજનોનો સાંપડ્યો હતો.