Sports

રાહુલ કે રોહિત, પિન્ક ટેસ્ટમાં કોણ કરશે ઓપનિંગ?, કેપ્ટન શર્માએ કર્યો ખુલાસો

ભારત-ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ રહી છે. રોહિત શર્માએ મેચના એક દિવસ પહેલાં આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વખતે એડિલેડમાં ટીમ ઈન્ડિયાના ગેમ પ્લાનને જાહેર કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ કેએલ રાહુલના બેટિંગ ઓર્ડર અંગે ચાલી રહેલી અટકળોનો પણ જવાબ આપ્યો હતો.

રોહિત શર્માએ કહ્યું કે તે પોતે પિન્ક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં મિડલ ઓર્ડરમાં રમશે. જ્યારે કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરશે. એડિલેડ ટેસ્ટ પહેલા આજે (5 ડિસેમ્બર) ટીમ ઈન્ડિયાના કેપ્ટને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જ્યાં તેણે સ્પષ્ટ કર્યું કે તે બંને (કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ) ઓપનિંગ કરશે અને હું મિડલ ઓર્ડરમાં બીજે ક્યાંક રમીશ.

આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે રોહિત શર્મા છઠ્ઠા સ્થાને રમી શકે છે. તેણે છેલ્લે 28 ડિસેમ્બર, 2018ના રોજ શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ટેસ્ટમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરી હતી. ત્યારબાદ તેણે 63 અને 5 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ તે ટેસ્ટ મેચ 137 રને જીતી લીધી હતી.

37 વર્ષીય રોહિતે 16 ટેસ્ટની 25 ઇનિંગ્સમાં 54.57ની એવરેજથી છઠ્ઠા નંબર પર 1037 રન બનાવ્યા છે. આ ક્રમમાં તેણે 3 સદી અને 6 અડધી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 177 રન હતો.

રોહિત મિડલ ઓર્ડરમાં કેમ રમશે?
રોહિત શર્મા એડિલેડ ટેસ્ટમાં પુનરાગમન કરી રહ્યો છે, જ્યારે ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયેલા શુભમન ગિલનું પણ રમવું નિશ્ચિત છે. ભારતીય ટીમે પર્થમાં પ્રથમ ટેસ્ટ 295 રને જીતી લીધી હતી. તે મેચમાં રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી હતી. રાહુલે પર્થમાં ઓપનર તરીકે 26 અને 77 રન બનાવ્યા હતા. જ્યારે જયસ્વાલે પ્રથમ દાવમાં 0 રને આઉટ થયા બાદ બીજી ઇનિંગમાં 161 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આવી સ્થિતિમાં રાહુલ અને યશસ્વીને ઓપનિંગમાંથી હટાવવાથી બેકફાયર થઈ શકે છે. આ કારણોસર રોહિતે પોતે મિડલ ઓર્ડરમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો છે. તે મેચમાં કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ઇનિંગ્સમાં 200 રન બનાવનારી પ્રથમ ભારતીય ઓપનિંગ જોડી બની હતી. એકંદરે આવું પહેલીવાર બન્યું. બંનેએ પ્રથમ વિકેટ માટે 201 રન જોડ્યા હતા.

બોલેન્ડનું ઓસ્ટ્રેલિયન ટીમમાં પુનરાગમન
સ્કોટ બોલેન્ડ ગયા વર્ષે એશિઝ શ્રેણીમાં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. તે ટીમમાં જોશ હેઝલવુડનું સ્થાન લેશે, જે પર્થમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની પ્રથમ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. એડિલેડમાં યોજાનારી આ મેચમાં પેટ કમિન્સે કહ્યું કે મિશેલ માર્શ એડિલેડ ડે-નાઈટ ટેસ્ટમાં બોલિંગ કરવા માટે ફિટ થઈ જશે.

બીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વિની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

એડિલેડ ટેસ્ટ માટે ભારતના સંભવિત પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર

Most Popular

To Top