નવી દિલ્હીઃ લોકપ્રિય કોરિયન અભિનેતા પાર્ક મીન જેનું 32 વર્ષની વયે અવસાન થયું છે. તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. કોરિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતા ચીનમાં વેકેશન માણી રહ્યો હતો. તેમના પરિવાર અને એજન્સીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમના ચાહકોને તેમના મૃત્યુના સમાચાર આપ્યા.
હવે તેમના અંતિમ સંસ્કાર 4 ડિસેમ્બરે દક્ષિણ કોરિયાની ઇવા સિઓલ હોસ્પિટલમાં કરવામાં આવશે. પાર્કના પરિવાર અને એજન્સીએ તેના ચાહકોને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વિશે જાણ કરી હતી. પાર્કના નાના ભાઈએ તેના ભાઈ માટે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, અમારો પ્રિય ભાઈ શાંતિથી સૂઈ ગયો છે. અમે આશા રાખીએ છીએ કે શક્ય તેટલા વધુ લોકો તેમને છેલ્લી વાર વિદાય આપવા માટે આવી શકે.
પાર્કની એજન્સી ‘બિગ ટાઈટલ’એ પણ તેમના માટે લખ્યું- પાર્ક મીન જે, જે ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા હતા અને હંમેશા પોતાનું સર્વશ્રેષ્ઠ આપતા હતા. હવે અમારી વચ્ચે નથી. જો કે અમે તેમનું કામ આગળ જોઈ શકીશું નહીં પરંતુ અમે તેમને બિગ ટાઈટલના સૌથી ખાસ અભિનેતા તરીકે યાદ કરીશું. આશા છે કે તેમના આત્માને શાંતિ મળે.
પાર્ક મીન જેએ ઘણી કોરિયન ડ્રામા ફિલ્મો અને શ્રેણીઓમાં કામ કર્યું છે. તે કોરિયન ડ્રામા સિરીઝ ‘આઈડોલઃ ધ કૂપ’માં કામ કરવા માટે જાણીતો છે. આ સિવાય તેણે ‘લિટલ વુમન’, ‘નંબર્સ’, ‘કોરિયા-ખિતન વોર’, ‘કોલ ઈટ લવ’ જેવા કોરિયન નાટકોમાં પણ કામ કર્યું છે. તેણે તાજેતરમાં કોરિયન વેબ ડ્રામા ‘સ્નેપ એન્ડ સ્પાર્ક’માં કામ કર્યું હતું.