અમદાવાદ: (Ahmedabad) રાજયમાં બે દિવસ માટે કોલ્ડ વેવ રહેશે. આજે રાજયમાં શીત લહેરની અસર હેઠળ નલીયા અને ગાંધીનગર (Gandhinagar) ઠંડુગાર રહેવા પામ્યુ હતું. નલીયામાં (Naliya) 3.5 અને ગાંધીનરમાં 8.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું .છેલ્લા એક સપ્તાહથી રાજયમાં શીત લહેરના કારણે જન જીવનને વ્યાપક અસર થવા પામી છે.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં ખાસ કરીને કચ્છના નલીયા , પોરબંદર તેમજ જુનાગઢમાં શીત લહેરની તીવ્ર અસર જોવા મળી છે. હજુયે કચ્છમાં તેમજ સૌરાષ્ટ્ર અને ગાંધીનગરમાં તેની અસર જોવા મળશે. અમદાવાદ હવામાન કચેરીના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં ૧૦.૯ ડિ.સે., ડીસામાં ૯.૦ ડિ.સે., ગાંધીનગરમાં ૮.૫ ડિ.સે., વડોદરામાં ૯.૮ ડિ.સે., સુરતમાં ૧૫.૦ ડિ.સે., વલસાડમાં ૧૦.૦ ડિ.સે., અમરેલીમાં ૧૧.૪ ડિ.સે.,ભાવનગર ૧૦.૮ ડિ.સે.,રાજકોટમાં ૧૧.૮ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૧૩.૫ ડિ.સે.,ભુજમાં ૧૧.૦ ડિ.સે., અને નલીયામાં ૩.૫ ડિ.સે., ઠંડી ( લઘુત્તમ તાપમાન ) નોંધાવવા પામી હતી.
સુરતમાં ફરી બે દિવસ પછી તાપમાનનો પારો ગગડશે અને પછી ઠંડી ગાયબ થશે
(Surat) સુરત શહેરના તાપમાનમાં (Temperature) સતત વધઘટ જોવા મળી છે. આજે ફરી રાતના તાપમાનનો પારો દોઢ ડિગ્રી ઉપર ગયો હતો. પરંતુ તેમ છતાં વાતારવરણમાં ઠંડક યથાવત રહેવા પામી છે. ચોવીસ કલાકમાં શહેરનું લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઉપર જઇ 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જેને પગલે સાંજ પડતા ઠંડક અનુભવાઇ હતી. તેવી જ રીતે મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. મહત્તમ તાપમાન પણ દોઢ ડિગ્રી વધતા દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થયો હતો. હવામાન ઉપર સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાઇ રહી છે.જેને કારણે હવામાનમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે. આજે ઉત્તરના પવનો છ કિલોમીટરની ઝડપે ફુંકાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ પછી ફરી તાપમાનનો પારો ગગડશે અને આ ઠંડીનો (Cold) અંતિમ રાઉન્ડ હશે. ત્યારબાદ ધીરે ધીરે ઠંડી ગાયબ થઇ ગરમીનો પ્રકોપ શરુ થશે.
નવસારી જિલ્લામાં તાપમાન બે ડિગ્રી વધીને 13 ડિગ્રી નોંધાયું
નવસારી : નવસારી જિલ્લામાં આજે તાપમાન વધુ બે બે ડિગ્રી વધ્યું હતું. જેથી ઠંડીથી રાહત મળી હતી. જોકે દિવસ દરમિયાન પુરઝડપે ફુંકાયેલા પવનોએ લોકોને ધ્રુજાવ્યાં હતા. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગત બુધવારે લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું. ગુરૂવારે લઘુત્તમ તાપમાન વધીને 10.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે શુક્રવારે 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા 4 દિવસમાં લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી વધતા શનિવારે 13 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી વધતા 30.5 ડિગ્રી નોંધાયું હતું. શનિવારે સવારે ભેજનું પ્રમાણ 70 ટકા અને સાંજે ભેજનું પ્રમાણ 55 ટકા રહ્યું હતું. દિવસ દરમ્યાન ઉત્તર-પૂર્વ દિશાએથી 6.6 કિલોમીટરની પૂરઝડપે પવન ફૂંકાતા દિવસે પણ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યાં હતા