લોથલઃ રાજ્યના ધોળકામાં આવેલા લોથલમાં આજે મોટી દુર્ઘટના બની છે. અહીં ઊંડા ખાડામાં માટીના સેમ્પલ લેવા ઉતરી હતી ત્યારે ભેખડ ધસી પડી હતી. જેના લીધે બંને મહિલા અધિકારીઓ માટી નીચે દટાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલા અધિકારીનું મોત નિપજ્યું છે, જ્યારે અન્યની હાલત ગંભીર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રિસર્ચ અર્થે ગઈ હતી. ધોળકાના હડપ્પા સંસ્કૃતિના અવશેષો લોથલમાં છે. દિલ્હી અને ગાંધીનગરની ટીમ તેના રિસર્ચ માટે લોથલ આવી હતી. દરમિયાન આજે બે મહિલા અધિકારીઓ માટીના સેમ્પલ લેવા માટે 15 ફૂટથી વધુ ઊંડા ખાડામાં ઉતરી હતી. દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી, જેના લીધે બંને મહિલા અધિકારીઓ 15 ફૂટ નીચે માટીમાં દટાઈ ગઈ હતી.
આ દુર્ઘટનામાં એક મહિલા અધિકારીનું મોત નિપજયું છે. અન્ય એક મહિલા ઊંડા ખાડામાં માટી નીચે દબાયેલા હોવાની જાણ થતા જ પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બન્ને મહિલા અધિકારીઓને બહાર કાઢવામાં આવતા એક મહિલા અધિકારીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે અન્ય એક મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે ગાંધીનગરથી દિલ્હીના ચારથી વધુ અધિકારીઓને લઇને સરકારી ગાડી લોથલ ગઇ હતી. મૃતક મહિલા દિલ્હીના હોવાનું જાણવા મળે છે.