Sports

રિષભ પંતને 27 કરોડમાં ખરીદી લખનૌની ટીમના માલિક પસ્તાયા, કહ્યું- વધારે રૂપિયા આપી દીધા!

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. આજે બીજા એટલે કે છેલ્લા દિવસે તા. 25મી નવેમ્બરની હરાજી પણ શરૂ થઈ ગઈ છે. પહેલા દિવસે 3 ખેલાડીઓ પર એટલા પૈસા ખર્ચાયા કે IPL ઈતિહાસના તમામ રેકોર્ડ તૂટી ગયા. આ ત્રણ ખેલાડીઓ છે વિકેટકીપર ઋષભ પંત, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર.

પંતને લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ રૂ. 27 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. જો કે, પંતને ખરીદયા બાદ લખનૌ ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું કે વધારે રૂપિયા આપી દીધા. પંત માટે પ્લાનિંગ કરતાં વધુ પૈસા ખર્ચવા પડ્યા છે.

દિલ્હીના RTM બાદ લખનઉનો મામલો બગડ્યો
વાસ્તવમાં મામલો કંઈક એવો બન્યો કે હરાજી દરમિયાન લખનૌની ટીમે ઋષભ પંત માટે 20.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ત્યારે દિલ્હી કેપિટલ્સ (DC) એ પંતને પરત લેવા માટે RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો. પંતને તેમની ટીમમાં સામેલ કરવા માટે લખનૌ ફ્રેન્ચાઇઝીએ પંતની બિડમાં રૂ. 6.25 કરોડનો વધારો કરવો પડ્યો હતો. આમ, પંતની બોલી 27 કરોડ થઈ હતી. આવી સ્થિતિમાં દિલ્હી બહાર હરાજીમાં આઉટ થયું હતું અને અંતે લખનૌની ટીમ જીતી ગઈ. આ રીતે પંતને લખનૌની ટીમે 27 કરોડમાં ખરીદ્યો હતો.

સંજીવ ગોએન્કાએ કહ્યું, વધારે રૂપિયા આપ્યા
હરાજી બાદ મીડિયા સાથે વાત કરતા ગોએન્કાએ કહ્યું કે રિષભ પંતને થોડા વધુ પૈસા આપ્યા છે. સંજીવે કહ્યું, તે અમારી યોજનાનો ભાગ હતો. તે અમારા લિસ્ટમાં હતો. અમે તેના માટે 26 કરોડ રૂપિયા રાખ્યા હતા. તેથી 27 કરોડ એ થોડા વધુ છે. પરંતુ અમને આનંદ છે કે અમે પંતને અમારી ટીમમાં લીધો. તે એક અદ્ભુત ખેલાડી, ટીમ મેન અને મેચ વિનર છે. અમારા બધા ચાહકોએ તેના લખનૌનો ભાગ બનવાથી ખૂબ જ ખુશ થવું જોઈએ.

Most Popular

To Top