SURAT

સુરતમાં વ્હાઈટ લાઈટ લગાવતા કારચાલકો પર તવાઈ, પોલીસ કરી રહી છે આવી કાર્યવાહી

સુરતઃ શહેરમાં અકસ્માતોને ઘટાડવાનો હેતુ અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે અવેરનેસ લાવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની સાથો સાથ જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન અકસ્માતને આમંત્રણ આપતા વાહનો ઉપર વ્હાઈટ લાઈટ લગાડીને ફરતા વાહન ચાલકો વિરુદ્ધ ડીસીપી વિજયસિંહ ગુર્જર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 20 જેટલા વાહન ચાલકોને દંડ કર્યા હતા. આ સાથે પોલીસે તેમને વાઈટ લાઈટના ખતરાઓ અંગે પણ જાણકારી આપી હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડીસીપી-ઝોન 4 વિજયસિંહ ગુર્જર અને તેમની ટીમ દ્વારા વાહનોમાં અલગથી લગાવવામાં આવતી વાઈટ પ્રોજેક્ટર લાઈટવાળા વાહન ચાલકો સામે શહેરના વાય જંક્શન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી. વાહનો ઉપર પ્રોજેક્ટર લાઈટ લગાવીને ફરતા 20 જેટલા વાહન ચાલકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાયો હતો.

વધુમાં ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે શહેરમાં વાહનો ઉપર વ્હાઈટ પ્રોજેક્ટર લાઈટ લગાવીને ફરતા વાહન ચાલકો સામે એમવી એક્ટ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. વ્હાઈટ લાઈટને કારણે સામેથી આવતા અન્ય વાહન ચાલકોને કશું દેખાતું નથી અને તેમની આંખો અંજાઈ જાય છે તેમજ થોડા સમય સુધી આંખોમાં અંધારું છવાઈ જાય છે, જેને કારણે અકસ્માત થવાની સંભાવના અને ખતરો હોય છે.

જેથી પહેલીવાર સુરત શહેરમાં આવી લાઈટ લગાડીને ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એમવી એક્ટ મુજબ આવી લાઈટ પોતાના વાહનો ઉપર લગાડવી એ ગેરકાયેદ ગણાય છે. એટલું જ નહીં પણ મોટાભાગના વાહન ચાલકોને આ અંગે ખબર જ નહીં હોવાનું માલમ પડ્યું હતું. લોકોમાં અવેરનેસને અભાવે પણ તેઓ આ પ્રકારની લાઈટ લગાવીને વાહન ચલાવતા હોવાની હકીકત જાણવા મળી હતી.

Most Popular

To Top