એક સમય એવો હતો જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેમેરા સામે લાંચ લેતાં પકડાઈ ગયા ત્યારે તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. હવે સમય એવો આવ્યો છે કે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે મહારાષ્ટ્રમાં મતદાનના આગલા દિવસે કાર્યકરોમાં કરોડો રૂપિયાની નગદ વહેંચણી કરતાં કેમેરામાં ઝડપાઈ ગયા તો પણ તેમનો વાળ વાંકો થવાનો નથી. મુંબઈ નજીક આવેલા નાલાસોપારાની હોટેલ વિવાંતામાં મંગળવારે જે ખેલ ભજવાઈ ગયો તે ભારતના રાજકારણમાં નાણાંના વધી રહેલા પ્રભાવના દસ્તાવેજી પુરાવા સમાન હતો. ત્યાં ભાજપના ૨૫૦ જેટલાં કાર્યકરો મતદાનના આગલા દિવસે ભેગા થયા હતા.
કહેવાય છે કે ભાજપના મહામંત્રી ત્યાં પાંચ કરોડ રૂપિયા ભરેલી બેગ લઈને કાર્યકરો વચ્ચે વહેંચણી કરવા પહોંચી ગયા હતા. કોઈ કાર્યકરને તેનું બૂથ સંભાળવા માટે ત્રણ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા તો કોઈને છ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ બધાની નોંધ ત્રણથી ચાર ડાયરીમાં કરવામાં આવતી હતી. કહેવાય છે કે દરેક મતદીઠ પાંચથી દસ હજાર રૂપિયાની વહેંચણી કરવામાં આવી હતી. દરેક કાર્યકરના નામના કવર બનાવાયાં હતાં અને તેમાં કડકડતી ૫૦૦ રૂપિયાની નોટોની થપ્પીઓ રાખવામાં આવી હતી. આ રીતનો વહીવટ ચાલતો હતો ત્યાં જ બહુજન વિકાસ અઘાડીના અધ્યક્ષ અને વિરારના વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરને ભાજપના જ એક ટોચના નેતાનો ફોન આવ્યો હતો કે તમારા ઇલાકામાં વિનોદ તાવડે પૈસાની લહાણી કરી રહ્યા છે.
હવે હિતેન્દ્ર ઠાકુરનો પક્ષ પણ આ વિસ્તારની ત્રણ બેઠકો પર ભાજપની સામે લડી રહ્યો છે. હિતેન્દ્ર ઠાકુરને તો જાણે ગોળનું ગાડું મળી ગયું હતું. તેમણે તેમના પુત્ર ક્ષિતિજને ફોન કરીને આ સનસનાટીભર્યા સમાચાર આપ્યા હતા. ક્ષિતિજ ઠાકુર કાર્યકરોનું ટોળું અને મિડિયાને લઈને હોટેલ વિવાંતામાં પહોંચી ગયા હતા. યોગાનુયોગ હોટેલ વિવાંતા તેમના જ પરિવારની માલિકીની છે. ક્ષિતિજ ઠાકુરે ભાજપના અને વિનોદ તાવડેના રંગમાં ભંગ પાડ્યો હતો. તેમના કાર્યકરોએ કેમેરામાં લાઈવ રૂપિયાની લહાણીનાં દૃશ્યો ઝડપી લીધાં હતાં.
જોતજોતામાં સમાચાર ફેલાઈ ગયા હતા. આખા પ્રકરણમાં મજાની વાત એ છે કે હિતેન્દ્ર ઠાકુરના કહેવા મુજબ તેમને આ વાતની ટીપ ભાજપના જ નેતા દ્વારા આપવામાં આવી હતી. હિતેન્દ્ર ઠાકુર આ નેતાનું નામ આપવા તૈયાર નથી; પણ મોટા ભાગે આ નેતા દેવેન્દ્ર ફડનવિસ હોવાનું મનાય છે, જેઓ વિનોદ તાવડેના રાજકીય હરીફ હોવાનું મનાય છે. જો મહારાષ્ટ્રમાં ભાજપનો મોરચો જીતે અને મુખ્ય પ્રધાન ભાજપનો હોય તો મુખ્ય મંત્રીની ખુરશી માટે જે બે-ચાર નામો બોલાય છે, તેમાં વિનોદ તાવડેનું નામ પહેલા નંબરે છે અને બીજા નંબરે દેવેન્દ્ર ફડનવિસનું નામ છે, જેઓ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને વર્તમાન નાયબ મુખ્ય મંત્રી પણ છે.
મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે દેવેન્દ્ર ફડનવિસ મુખ્ય મંત્રી હતા અને વિનોદ તાવડે શિક્ષણ મંત્રી હતા. દેવેન્દ્ર ફડનવિસ અને વિનોદ તાવડે વચ્ચે વધી રહેલી હરીફાઈને ડામવા તાવડેને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બનાવીને દિલ્હી બોલાવી લેવામાં આવ્યા હતા. વિનોદ તાવડે ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત સંઘપરિવારના પણ વિશ્વાસુ ગણાય છે. કહેવાય છે કે તાવડેની ગેમ કરી નાખવા તેમની ટીપ હિતેન્દ્ર ઠાકુરને આપવામાં આવી હતી.
નાલાસોપારાની સ્ટોરી પર પાછા ફરીએ તો બહુજન વિકાસ અઘાડીના કાર્યકરો દ્વારા હોટેલ વિવાંતામાં ગોંધળ મચાવાયું તે પછી પોલીસ અને ચૂંટણી પંચના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા હોટેલ વિવાંતાના કમરામાંથી આશરે ૧૯ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા અને જે ડાયરીઓમાં રૂપિયાની વહેંચણી કરવાની નોંધ કરવામાં આવી હતી તેવી ત્રણ-ચાર ડાયરીઓ પણ જપ્ત કરવામાં આવી હતી. બહુજન વિકાસ અઘાડીના કાર્યકરો દ્વારા વિનોદ તાવડેને રીતસર ઘેરી લેવામાં આવ્યા હતા અને ‘ચોર…ચોર’ના નારાઓ પણ પોકારવામાં આવ્યા હતા. વિનોદ તાવડેની હાલત કફોડી થઈ ગઈ હતી.
વિનોદ તાવડેને જ્યારે લાગ્યું કે તેઓ ચારે બાજુથી ઘેરાઈ ગયા છે ત્યારે તેમણે પોતે હિતેન્દ્ર ઠાકુરને ફોન જોડ્યો હતો અને તેમને આ ફારસમાંથી બહાર કાઢવાની વિનંતી કરી હતી. હિતેન્દ્ર ઠાકુર પોતાના અંગરક્ષકો સાથે ત્યાં આવી ગયા હતા અને તેમણે પોતાના કાર્યકરોને શાંત કર્યા હતા. બહુજન વિકાસ અઘાડીના કાર્યકરોએ વિનોદ તાવડે સહિત ભાજપના તમામ નેતાઓની કારના ટાયર પંક્ચર કરી નાખ્યા હતા, જેથી તેઓ હોટેલ છોડીને ક્યાંય જઈ શકે નહીં. હિતેન્દ્ર ઠાકુરે તાવડેને કહ્યું હતું કે તમારે મિડિયાના સવાલોના જવાબો આપવા પડશે. ત્યાં જ તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. ક્ષિતિજ ઠાકુરે મિડિયાને ડાયરીઓ બતાડી અને રોકડાની થપ્પીઓ બતાડી હતી. વિનોદ તાવડેએ પોતાના બચાવમાં કહ્યું કે હું તો ભાજપના ઉમેદવારના કહેવાથી માત્ર ચા પીવા આવ્યો હતો. ગભરાયેલા તાવડેએ પ્રેસ કોન્ફરન્સ વચ્ચેથી પૂરી કરી નાખી હતી.
પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા પછી વસઈની પોલીસે સ્થાનિક વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરને વિનંતી કરી હતી કે હવે વિનોદ તાવડેને સહીસલામત બહાર કાઢવાની જવાબદારી તમારી છે. આ બધી ધમાલ ચારથી પાંચ કલાક ચાલી હતી. હિતેન્દ્ર ઠાકુર કોઈ સમયે ભાજપ સાથે પણ યુતિ કરી ચૂક્યા છે. તેમણે વિનોદ તાવડેને પોતાની કારમાં બેસાડ્યા હતા અને તેમને સહીસલામત તેમના ઘર સુધી પહોંચાડી દીધા હતા. વિનોદ તાવડેના ગયા પછી હિતેન્દ્ર ઠાકુરે મિડિયાને કહ્યું હતું કે મને મળેલી માહિતી મુજબ વિનોદ તાવડે સવારથી ત્યાં હાજર હતા અને તેમણે પાંચ કરોડ રૂપિયાની વહેંચણી કરી હતી. ક્ષિતિજ ઠાકુરે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર દ્વારા અત્યાર સુધીમાં બીજા દસથી પંદર કરોડ રૂપિયાની વહેંચણી થઈ ચૂકી છે.
આટલાં મોટાં કૌભાંડમાં રંગેહાથ પકડાઈ ગયા પછી પણ તેમાંથી સહીસલામત કેવી રીતે બહાર આવવું તે ભાજપના નેતાઓ પાસેથી શીખવું પડશે. હોટેલ વિવાંતામાં આ બધી ધમાલ ચાલી રહી હતી ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે રોકડ રકમ ઉપરાંત ડાયરીઓ જપ્ત કરી હતી અને ચાર એફઆઈઆર પણ દાખલ કરાવી હતી. પહેલી એફઆઈઆર વિનોદ તાવડે સામે હતી. તેમની સામે વોટ સામે નોટનો કેસ દાખલ કરવાને બદલે આચારસંહિતાભંગનો મામૂલી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે મુજબ તેમણે સત્તાવાર રીતે ચૂંટણી પ્રચાર થંભી ગયા પછી પણ કાર્યકરોની બેઠકમાં સંબોધન કર્યું હતું.
બીજો કેસ તેમની સામે મીડિયાને સંબોધન કરવા બદલ દાખલ કરવામાં આવ્યો હતો. ત્રીજો કેસ રોકડ મળી આવ્યા બદલ અજાણ્યા શખ્સો સામે કરવામાં આવ્યો હતો, કારણ કે રૂપિયા વિનોદ તાવડે પાસે નહોતા. આ કેસમાં પણ જપ્ત કરવામાં આવેલા રૂપિયાની રકમ ઘટાડીને ૯.૯૩ લાખ કરવામાં આવી હતી. તેનું કારણ એ છે કે આચારસંહિતા મુજબ દસ લાખ સુધીની રોકડ રકમ લઈ જઈ શકાય છે. ચોથી એફઆઈઆર ક્ષિતિજ ઠાકુર સામે હોટેલમાં જઈને તોફાન કરવા બદલ નોંધવામાં આવી હતી. હોટેલ વિવાંતાનું પ્રકરણ બહાર આવ્યા પછી ભાજપના ટોચના નેતાઓ દ્વારા વિનોદ તાવડેને બચાવવા માટેનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો.
વિનોદ તાવડે સામે ચૂંટણી પંચ દ્વારા જે કલમો લગાડવામાં આવી છે તે નગણ્ય છે અને તેમાં તેમને ઠપકાથી વધુ સજા થવાની નથી. જે રોકડ રકમ મળી આવી તે કાર્યકરોને ફુડ પેકેટ ખરીદવા માટે આપવામાં આવી હતી, તેવું કારણ આપી દેવામાં આવ્યું છે અને ચૂંટણીના ખર્ચમાં તેની એન્ટ્રી પણ પાડી દેવામાં આવી છે. કથાનો સાર એટલો કે ભારતની લોકશાહીમાં રાજકીય નેતાઓ એટલા નફ્ફટ થઈ ગયા છે કે કરોડો રૂપિયાનો ખેલ પાડ્યા પછી પણ તેઓ ચૂંટણી જીતી શકે છે અને આપણા ઉપર રાજ પણ કરી શકે છે.