વલસાડઃ સતત ત્રીજા દિવસે આજે મંગળવારે ગુજરાતની ધરા ભૂકંપથી ધ્રુજી છે. પાટણ, કચ્છ બાદ આજે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધરતીકંપના આચંકા અનુભવાયા છે. ધરતી ધ્રુજતા વલસાડના લોકો ગભરાઈને ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી લોકોએ રાહત અનુભવી હતી. વલસાડના ધરમપુર પંથકમાં ભૂકંપનું કેન્દ્રબિન્દુ એટલે કે એપીસેન્ટર નોંધાયું છે.
- ધરમપુર તાલુકાના મોળાઆંબા ગામમાં એપીસેન્ટર નોંધાયું
- ભૂકંપના લીધે ધરતી ધ્રુજતા લોકો ગભરાયા, ધરમપુરમાં વધુ આચંકા અનુભવાયા
- રિક્ટર સ્કેલ પર 2.5 તીવ્રતા નોંધાઈ, લોકોએ રાહતનો શ્વાસ લીધો
આજે મંગળવારે તા. 19 નવેમ્બરના રોજ વલસાડ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 11.03 વાગ્યે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકાથી લોકોમાં ડરી પેસી ગયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોળાઆંબા ગામમાં ભૂકંપનું એપીસેન્ટર નોંધાયું છે.
આ અગાઉ રવિવારે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત અન્ય જગ્યાઓએ ભૂકંપ આવ્યો હતો. અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાટણમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 12 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું. આ ભૂકંપના આંચકા રાત્રે આવ્યા હતા.
જ્યારે સોમવારે કચ્છ જિલ્લામાં આવેલા રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 4.0ની હોવાનું સામે આવ્યું છે. કચ્છમાં રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.