અમદાવાદ: અમદાવાદના બોપલમાં ગઈ 10મી નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવા બાબતે વિદ્યાર્થીએ ઠપકો આપતા કારચાલક આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાએ વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યારા આરોપી કોસ્ટેબલ વિરેન્દ્રસિંહને પંજાબથી ધરપકડ કરી અમદાવાદ લાવીને આજે ઘટના સ્થળે લઈ જઈને હત્યાની ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું, એ વખતે આરોપી કોન્સ્ટેબલની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.
ગઈ 10મી નવેમ્બરના રોજ રાત્રિના દસેક વાગ્યાના સુમારે બોપલ સન સાઉથ સ્પીડ કોમ્પલેક્સથી રેન ફોરેસ્ટ ચાર રસ્તા તરફ વળાંક પાસે બુલેટ ઉપર પ્રિયાંશુ જૈન અને તેનો મિત્ર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવેલી એક કારના ચાલકને પ્રિયાંશુ જૈને ઇતના જોર સે ક્યોં ગાડી ચલા રહે હૈ તેવું કહેતા કારચાલકે પ્રિયાંશુ જૈન સાથે ઝઘડો કરી હત્યા કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડીસીપી અજીત રાજીયાનના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી અલગ અલગ ટીમો બનાવીને ગુનાની જગ્યાની આસપાસના 300થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને કારચાલક આરોપી કોન્સ્ટેબલ હોવાનું શોધી કાઢ્યું હતું.
દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચ અને ટીમે વધુ તપાસ હાથ ધરતા હત્યા કરીને ફરાર થયેલો કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા પંજાબ તરફ હોવાનું જાણવા મળતા, ક્રાઈમ બ્રાન્ચની ટીમે સતત તેનો પીછો કરી પંજાબના સંગરુર પટિયાલા રોડ ઉપર સનામ ગામ નજીકથી આરોપી વિરેન્દ્રસિંહ પઢિયારની ધરપકડ કરી હતી.
આરોપી વિરેન્દ્રસિંહ પઢેરીયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયાને આરોપી વિરેન્દ્રસિંહની સઘન પૂછપરછ હાથ ધરી છે. કયા સંજોગોમાં? શા માટે એક કોન્સ્ટેબલે આ યુવકની હત્યા કરી? તે અંગે વિગતો મેળવવામાં આવી રહી છે. બીજી તરફ આજે બોપલ પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તેનું રિ-કન્સ્ટ્રક્શન કરીને વધુ વિગતો મેળવી છે.
ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ કોઈપણ પોલીસ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે: પોલીસવડા
અમદાવાદ: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસ તાલીમ અકાદમી, કરાઈ ખાતેથી આજે કે.યુ બેન્ડ મારફતે કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના રાજ્યભરના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંબોધન કર્યું હતું. જેમાં બોપલ ઘટનાનો સંદર્ભ આપીને તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે.
ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટ સૂચના આપી હતી કે, રાજ્યની કોઈપણ પોલીસ આવું કોઈ પણ ગુનાહિત કૃત્ય કરશે અથવા તેમની સંડોવણી પણ ધ્યાને આવશે તો તેને ચલાવી લેવામાં નહિ આવે. રાજ્યના નાગરિકો જે નામને સન્માન આપી રહ્યા છે તેવા ‘ગુજરાત પોલીસ’નું નામ બદનામ થાય તેવું કોઈ પણ કૃત્ય પોલીસ દ્વારા કરવામાં આવશે, તો તેની સામે આકરી કાર્યવાહી થશે. કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં પોલીસ સંકળાયેલી હશે, તો તેની સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક પગલાં લેવાશે.