Comments

મારી ટાઢ તમારા હાથે હરિ સંભાળજો રે..!

મારી ટાઢ તમારા હાથે હરિ સંભાળજો રે..! (ભજનની માફક આ ગીત રળિયામણું લાગતું હોય તો, ગોખી રાખજો. શિયાળાની ફૂંટ હવે નીકળવા માંડી છે..! કે પછી અંબાલાલદાદાની આગાહી થાય તો જ ગરમ કપડાં કાઢવા છે? (દાદા જ કહેવાય ને યાર..? ઉંમરનો સરવાળો તો જુઓ.. અંબાલાલકુમાર થોડું કહેવાય..? હવામાનદાદા કહીએ તો જરાક પણ ઠીક લાગે..! ) ઉંમરના કાંઠે ઊભા રહીને હવામાનની કેવી સચોટ છોડિયાફાડ આગાહી કરે છે..! શું સોલ્લીડ હથોટી છે..? રાતે ઊંઘવાનો પણ ડર લાગે. રખે ને ઊઠીએ ત્યારે પલંગ સાથે પાણીમાં તરતા થઇ ગયા તો..? ધ્રૂજી જવાય યાર..! એમાં જેના હાથમાં માંડ પૈણવાનો અવસર મળ્યો હોય, એને પણ હટપટ થવા માંડે કે, સાલી જાન હોડકામાં કાઢવી પડશે કે શું? કોથળામાંથી બિલાડું તો નહિ નીકળે ને..? આ દાદો તો હવામાન ખાતાનું આખું પેપર ફોડી નાંખે..! તંઈઇઇઈઈ..?

 દાદાનો કરિશ્મો માત્ર, વરસાદ-વાવાઝોડા પૂરતો જ છે કે, ટાઈઢ ઉપર પણ છે, એની બંદાને ખબર નથી. ટાઢના જાણતલ હોત તો, અત્યાર સુધીમાં ભડકાવી નાંખ્યા હોત કે, “ડુંગરાઓ ઉપર Up-down કરતાં હવાના સુસવાટા જોતાં લાગે છે કે, ‘દેવ-દિવાળી’ દરમ્યાન ટાંટિયા-ફાડ ટાઢ પડવાની પૂરી શક્યતાઓ છે..! ડામર રોડ ‘બરફ-રોડ’માં ફેરવાઈ જાય તો કહેવાય નહિ. છત્રી-રેઇન કોટ વેચીને ગરમ કપડાં ભેગાં કરવા માંડજો. મફલર-શોલ-કાનટોપી કે ગરમાટો આપે એવી ચીજ-વસ્તુઓનો Stock કરવા માંડજો. પછી કહેતા નહિ કે, દાદાએ ચેતવ્યા નહિ..! મસ્તીથી આગાહી જ એવી કરે કે, વગર ટાઢે થથરી જવાય. જૂની કબજીયાત પણ મટી જાય..! મઝેની મોસમ હોય તો પણ, એની જાતને મોસમી ચેટરજીને બદલે અંબાલાલ જ દેખાય..!

 સારા કે નબળા દિવસ માત્ર માણસની ફેકલ્ટીમાં જ આવે એવું નક્કી નહિ, ઋતુઓને પણ આવે..! વરસાદના ગયા, હવે શિયાળાને સારા દિવસો આવવાના..! ઘર-ઘર તિરંગાની માફક ઘર-ઘર ટાઈઢ ફરી વળશે. ટેન્શન લેવાની જરૂર નથી. હજી ટાઈઢની સીમંત સંસ્કારની વિધિ બાકી છે. અત્યારે તો મલમલ જેવી ટાઈઢ મળશ્કે લાગે છે, પછી ભરોસો નહિ. જેમ ખડ્ડૂસ ક્રિકેટર શરૂ-શરૂમાં પોચા-પોચા રન કરે ને પછી એવું જોમ ચઢે કે, બાઉન્ડરીનાં પાટિયાં ફેરવવા માંડે..! એમ એવી ટાઢ પડે કે, ડબ્બામાં મૂકેલા દાંતનાં ચોગઠાં પણ ડબ્બામાં થથરવા માંડે. જે લોકો ફેશનના નામે ઉઘાડા ફરતાં હોય, એનો જરાયે વાંધો નથી. પણ ધાબળાં ફાડીને સ્વેટર બનાવવા હોય તો બનાવી જ લેજો.

શિયાળો ક્યારે મગજ છટકાવે એનો ભરોસો નહિ. વરસાદની મારફાડ બેટિંગ યાદ છે ને..? છત્તર-ફાડ વરસાદ તૂટી પડેલો ને, નદી, નાળાં, તળાવનાં પાણી ઘર સુધી મળવા આવેલાં..! છત્રી કાગડી થવાને બદલે કાગડો બની ગયેલી..! ચેતતો નર (અને નારી પણ) સદા સુખી..! મારા સાંભળવામાં એવું આવ્યું નથી કે, અઠંગ ટાઈઢ પડતી હોય ત્યારે, સરકાર સ્વેટર, ધાબળાં કે વેસેલીનના બાટલા વહેંચવા હેલીકોપ્ટરમાં નીકળી હોય..! ઉનાળામાં ચામડાફાડ ગરમી પડે ત્યારે, અસરગ્રસ્તોને કાશ્મીર-સીમલા કે શ્રીનગરમાં માઈગ્રેટ નહિ કરે એ બામના બાટલા વહેંચે..? ચૂંટણી હોય તો ઠીક કે, માણસને મતદાર સમજીને કાળજી રાખે પણ શિયાળામાં તો ચૂંટણીના હવામાન પણ નથી. આ તો જેનાથી ટાઈઢ સહન નહિ થતી હોય તેની વાત છે. બાકી જે સર્વાંગી સહનશીલ છે, એને ક્યાં ચેતવવાની જરૂર છે..? પેલાં દુહા જેવું…

બુરે સમય દેખકે ગંજે તું કયો રોયે
કિસી ભી હાલતમેં તેરા બાલ ન બાંકા હોયે..!
 અદાણી કે અંબાણીના વારસદાર કેમ ના હોય, ઋતુ સાથે સોદાબાજી કરી શકાતી નથી, એ નકરી વાત છે. માણસ ઢાંકેલો હોય કે, ઉઘાડો, ઋતુ આવે એટલે ટાઈઢ એવી કળા બતાવે કે, નાકની અંદરના ‘સીસોટા’પણ આઈસ્ક્રીમ જેવાં કરી નાંખે..! ઋતુઓ એ નથી વિચારતી કે, તમે કેટલા અને કયા પ્રકારનાં કપડાંના આસામી છો? પરણેલા કે કુંવારા છો? વિધુર કે સધુર છો? વિધવા કે ત્યકતા છો? માણસની હાલત જોઇને ઋતુઓ ક્યારેય પાવરમાં વધ-ઘટ કરતી નથી. વધતો ઓછો કરતી નથી. સબકા માલિક એક જેવી..! હજી ઋતુઓની નાડ ભગવાનના હાથમાં છે એટલું સારું છે. જો કોઈ પૃથ્વીજન પાસે હોત તો, ચૂંટણીના પ્રચારમાં પણ ટાઢની ગુંજ હોત કે, ‘અમને એકવાર સત્તા ઉપર બેસવાનો મોકો આપો, ઉનાળામાં ગરમીનો પારો અમે ૨૦ ટકા નીચો લાવીશું ને શિયાળામાં ૧૦ ટકા ઊંચો કરી આપીશું..!’તારા કપાળમાં કાંદા ફોડું ..!

 બધી ઋતુઓમાં માત્ર ઉનાળો અને શિયાળો બે જ ઋતુ એવું ભણેલી છે કે, એની પાસે ડીગ્રી છે. ડીગ્રીમાં એમનાં માપ નીકળે. ઋતુની રાણી વર્ષારાણી પાસે પણ નહિ. ક્યારેય એવું સાંભળ્યું કે, ફલાણી જગ્યાએ આટલી ડીગ્રી વરસાદ પડ્યો. રસ્તા ઉપર ભલે ફૂટ-ફૂટના ખાડા પડ્યા હોય, પણ વરસાદ ઇંચમાં નોંધાય. ટાઈઢ તૂટી પડે ત્યારે મૂછ તો આમળવી જ નહિ કે, મેં બધા જ્યોતિર્લિંગનાં દર્શન કરેલાં છે, એટલે મને માફકસરનો જ વરસાદ, ઠંડી કે ગરમી મળશે. ભગવાનની માળા ગમે એટલી કરી હોય, ઋતુ કોઈની સગી થતી નથી. મોસમનું મગજ છટક્યું તો, સવારે શિયાળો, બપોરે ઉનાળો ને સાંજે વરસાદનાં છાંટણાં પણ પાડે..! આપણે નક્કી નહિ કરી શકીએ કે, સ્વેટરને ચઢાવવું, ઉતારવું, કે છત્રીને ખભે નાંખીને ચાલવું..! ચાલો વાત અટકાવું છું. કારણ કે સામેથી આગાહીકાર અંબાલાલદાદા આવતા દેખાય છે..!

લાસ્ટ બોલ
ટાઈઢ પડે તો જ શિયાળો આવે, શિયાળનું બહુવચન કરવાથી ‘શિયાળો’આવતો નથી..!
એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top