Sports

વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને વન-ડે સિરિઝ હરાવી નવો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણી પર કબજો કરી લીધો છે. વેસ્ટ ઈન્ડિઝે 3 મેચની વનડે શ્રેણી જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વનડે મેચ 8 વિકેટે જીતી હતી જ્યારે બીજી મેચમાં ઈંગ્લેન્ડે 5 વિકેટે જીત મેળવી હતી. ત્રીજી વનડે મેચ નિર્ણાયક હતી, જે વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટથી જીતી હતી અને 3 મેચની વન ડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 263 રન બનાવ્યા હતા. ઓપનર ફિલિપ સોલ્ટ અને ડેન મૌસલીએ અડધી સદી ફટકારી હતી. ફિલિપે 74 રનની ઇનિંગ રમી હતી જ્યારે ડેન મૌસલીએ 53 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના સ્કોરનો પીછો કરતા યજમાન વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત શાનદાર રહી હતી. ટીમને પહેલો ફટકો 7મી ઓવરમાં એવિન લુઈસના રૂપમાં લાગ્યો હતો પરંતુ તે પછી બ્રાન્ડન કિંગ અને કેસી કાર્ટીએ શાનદાર બેટિંગ કરી અને પોતાની ટીમને 250થી આગળ લઈ ગઈ.

બંને બેટ્સમેન વચ્ચે બીજી વિકેટ માટે 209 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાઈ હતી. આ દરમિયાન બ્રાન્ડોન કિંગ અને કેસી કાર્ટી પોત પોતાની સદી પૂરી કરવામાં સફળ રહ્યા. વેસ્ટ ઈન્ડિઝના વનડે ક્રિકેટના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે જ્યારે ઈંગ્લેન્ડ સામેની વનડે મેચમાં બે બેટ્સમેનોએ સદી ફટકારી હોય. આ પહેલા વર્ષ 2006માં ક્રિસ ગેલ અને ડીજે બ્રાવોએ સદી ફટકારી હતી.

બ્રાન્ડોન કિંગ 102 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો જ્યારે કેસી કાર્ટીએ 128 રનની અણનમ ઇનિંગ રમી હતી. કિંગે પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે કિસી કાર્ટીએ 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વાસ્તવમાં કેસી કાર્ટીએ પોતાની વનડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ રીતે તે વેસ્ટ ઈન્ડિઝ વનડે ક્રિકેટના ઈતિહાસમાં સદી ફટકારનાર સિન્ટ માર્ટેનનો પ્રથમ ક્રિકેટર બન્યો.

આટલું જ નહીં કેસી કાર્ટીએ વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર વિવિયન રિચર્ડ્સનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. નંબર 3 પર બેટિંગ કરતા કીસી વેસ્ટ ઈન્ડિઝ માટે વનડેમાં બીજા નંબરનો સૌથી વધુ સ્કોરર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વિવિયન રિચર્ડ્સના નામે હતો જેણે વર્ષ 1976માં અણનમ 116 રન બનાવ્યા હતા.

Most Popular

To Top