Gujarat

ગુજરાતમાં આનંદ ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી, PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

આજથી ગુજરાતીઓના વિક્રમ સવંત 2081ના નવા વર્ષની શરૂઆત થઈ છે. આજે 02 નવેમ્બર શનિવારથી શરૂ થતા વિક્રમ સંવત 2081 ની રાજ્યભરમાં આનંત ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે. નૂતન વર્ષ નિમિત્તે વડાપ્રધાન મોદીએ ગુજરાતવાસીઓને શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી છે. ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિરે પહોંચીને દર્શન કરીને સીએમ પટેલે નવા વર્ષની શરૂઆત કરી.

નવા વર્ષ નિમિતે PM મોદીએ ગુજરાતના લોકોને શુભેચ્છા આપી છે. PM મોદીએ કહ્યું કે નવા વર્ષના રામ રામ !” આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે, આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય. દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના. નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ. નૂતન વર્ષાભિનંદન.

નવા વર્ષે CM પટેલે મંદિરમાં કર્યા દર્શન
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં દર્શન કરી રાજ્યના સર્વાંગી વિકાસ સહિત સુખ-શાંતિની કામના કરી છે. રાજ્યના મુખ્યમંત્રી પટેલ દર વર્ષે પંચદેવ મંદિરે દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કરે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિરે પણ દર્શન માટે ગયા હતા. ત્યારબાદ ભદ્રકાળી મંદિરે ગયા હતા. તેઓએ મંત્રીનિવાસ સ્થાને નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી.

વિક્રમ સંવત 2081નો પ્રારંભ થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કરી હતી. અમિત શાહે કાર્યકરો અને પાર્ટીના નેતાઓ સહિત નાગરિકોને પણ નવા વર્ષના વધામણા આપ્યા હતા. ભાજપના નેતાઓએ અમિત શાહના નિવાસ સ્થાને પહોંચીને કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ આપી હતી.

બીજી તરફ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ લોકોને દીવાળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે એક કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓને ડ્રગ્સ વિરોધી ઝૂંબેશને વધુ તેજ કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ડ્રગ્સનું કોઇ સેવન ન કરે તે માટે કડક વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. તેમણે કહ્યું કે કાયદો વ્યવસ્થા સાથે સમાજની વ્યવસ્થા સાચવવાની જવાબદારી પોલીસની છે.

વર્ષે અંબાજીમાં ઉભરાયું ભક્તોનું કીડિયારું
બીજી તરફ રાજ્યમાં દિવાળીના પર્વની ગુજરાતના વિવિધ ધર્મસ્થાનોમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જગતમંદિર દ્વારકાધીશમાં રોશનીની ખૂબસુરત સજાવટ કરવામાં આવી છે. નવા વર્ષના 2081ના પ્રારંભે દ્વારકાધીશના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અંબાજી મંદિરમાં પણ નૂતનવર્ષે વહેલી સવારથી જ માઈભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. માની આરતીમાં તો ભક્તોની ભીડ હતી જ સાથો સાથ માના દર્શન કરવા પણ વહેલી સવારથી લોકો લાંબી લાઈનમાં ઉભા હતા.

મુહૂર્ત ટ્રેડિંગમાં રોકાણકારોની બલ્લે બલ્લે
શેરબજારમાં દર વર્ષે દિવાળીના અવસરે યોજાતો મુહૂર્ત ટ્રેડિંગ 1 નવેમ્બરે સાંજે 6 વાગ્યે શરૂ થયો હતો. બીએસઈ અને એનએસઈ બંને ઉછાળા સાથે ખુલ્યા હતા. પ્રી-ઓપનિંગ સેશન દરમિયાન BSE સેન્સેક્સ 1100 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. નિફ્ટીની ઓપનિંગ 24300ને પાર થઈ ગયો હતો.

Most Popular

To Top