SURAT

લીલવાના શોખીન સુરતીઓના નવા વર્ષનો સ્વાદ બગડશે, પાપડીને લઈ આવ્યા માઠાં સમાચાર

સુરત: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (સુરત એપીએમસી) નાં માર્કેટ યાર્ડમાં આજે ઊંધિયાની પાપડીનો ભાવ ઓલટાઇમ હાઇ બોલાયો હતો. સતત વરસાદને લીધે માલ ખરાબ થતાં એ – વન ક્વોલિટીની 20 કિલો પાપડીનો ભાવ 10,000 રૂપિયા પહોંચ્યો છે.

  • સતત વરસાદને લીધે માલ ખરાબ થતાં એ વન ક્વોલિટીની 20 કિલો પાપડીનો ભાવ 10,000 રૂપિયા પહોંચ્યA
  • 1 ઓકટોબરે 20 કિલો પાપડીનો ભાવ 1000 – 1200 હતો એ 1 નવેમ્બરે સીધો 5000 – 10,000 થઈ ગયો
  • ક્વોલિટી વાઈઝ 20 પાપડીનો ભાવ 5000 થી 6000 રૂપિયા થતાં છૂટકમાં 500 થી 700 રૂપિયે કિલો ભાવ પહોંચ્યો

1સપ્ટેમ્બરે 20 કિલો પાપડીનો ભાવ ક્વોલિટી પ્રમાણે 1000 – 1200 હતો એ 1 નવેમ્બરે હોલસેલમાં સીધો 5000 – 10,000 થઈ ગયો છે. એની અસર શાકભાજી માર્કેટમાં જોવા મળી છે. છૂટક માર્કેટમાં પાપડીનો કિલોનો ભાવ ઓલ ટાઇમ હાઇ 500 થી 700 થઈ ગયો છે. જે સામાન્ય મધ્યમ વર્ગની ખરીદ શક્તિ બહારનો ભાવ છે.

સુરત એપીએમસીનાં ડિરેક્ટર બાબુભાઈ શેખ એ જણાવ્યું હતું કે, ઊંધિયાની પાપડીની સાથે રીંગણનો ભાવ પણ વધ્યો છે. 1 ઓકટોબરે 20 કિલો રીંગણનો ભાવ 500 થી 800 હતો, એ 1 નવેમ્બરે સીધો 1000 થી 1500 રૂપિયા થઈ ગયો છે. જોકે પાપડીની બીજી સામગ્રીમાં રતાળુનો ભાવ 2000 થી 2600 રૂપિયા હતો એ ઘટીને આજે 2000 થી 2200 રૂપિયા બોલાયો છે.શક્કરિયાનો ભાવ 800 થી 1000 થી ઘટી 600 – 700 થયો છે.

બાબુભાઈ વધુમાં કહે છે કે, “વેકેશન અને તેહવારોમાં લોકો સંયુક્ત કુટુંબમાં ઊંધિયા અને ઉંબડિયા પાર્ટી રાખે છે.આ વર્ષે સતત વરસાદને લીધે શાકભાજીનાં પાકને ભારે નુકશાન થયું છે. ખાસ કરીને ફ્લાવર, કેબેજ, ટામેટા, લીંબુ, શક્કરિયા, મરચા, પાપડી,રીંગણ અને રતાળુનાં પાકમાં ખેડૂતોને ખૂબ નુકશાન વેઠવુ પડ્યું છે.

દિવાળી અને તેહવારોમાં માંગ વધવાથી પાપડી, શક્કરિયા, રીંગણ અને અને રતાળુ નાં ભાવોમાં વધારો થયો છે. હોલસેલમાં ક્વોલિટી વાઈઝ પાપડીનો ભાવ 5000 થી 6000 રૂપિયા થતાં પાપડી રિટેલ માર્કેટમાં 500 થી 700 રૂપિયે કિલો વેચાઈ રહી છે.

માલની અછતને લીધે બેસ્ટ ક્વોલિટીની પાપડી નો ભાવ 10000 રૂપિયા મણ નોંધાયો: બાબુભાઈ શેખ
સુરત એપીએમસીના ડિરેક્ટર અને શાકભાજીના હોલસેલર બાબુભાઈ શેખ એ જણાવ્યું હતું કે,” મહારાષ્ટ્રનાં પિંપલનેર,નાસિક,તાપી જિલ્લાના વ્યારા અને સુરત જિલ્લાના ઓલપાડથી પાપડી માર્કેટ યાર્ડમાં આવે છે.પણ દિવાળી વેકેશન અને તેહવારોની સિઝનમાં વ્યારા,ઓલપાડથી પાપડીનો જથ્થો બિલકુલ આવ્યો નથી.

જે માલ આવી રહ્યો છે, એ મહારાષ્ટ્રનાં પિંપલનેર,નાસિકથી આવી રહ્યો છે. સતત ભારે વરસાદને લીધે ડિમાન્ડ અને માલની અછતને લીધે બેસ્ટ ક્વોલિટીની પાપડી નો ભાવ 10000 રૂપિયા મણ નોંધાયો છે. એને લીધે એકજ મહિનામાં સુરતી ઊંધિયાની પાપડી નો ભાવ 20 કિલોનો 1000 – 1200 થી સીધો 5000 – 10000 થઈ ગયો છે.

Most Popular

To Top